GSTV
Gujarat Election 2022 Navsari SEAT ANALYSIS 2022 ગુજરાત ટોપ સ્ટોરી

નવસારી / સાત ટર્મથી ભાજપ પાસે રહેલી બેઠકના મતદારો પીવાના શુધ્ધ પાણી માટે મારે છે વલખા, આ વખતે જામશે ત્રિપાંખિયો જંગ

નવસારી બેઠક વર્ષ-૨૦૧૨માં થયેલાં નવા સીમાંકન બાદ સામાન્ય જ્ઞાતિ માટે જાહેર થઈ હતી. અનુ.જનજાતિ અને કોળી પટેલ સમાજનો દબદબો ધરાવતી આ બેઠક પર છેલ્લા ૭ ટર્મથી ભાજપનો કબજો છે. ૨૦૧૨ અગાઉ આ બેઠક પરથી મધ્યપ્રદેશના રાજ્યપાલ બનેલા મંગુભાઈ પટેલ પાંચ વખત ચૂંટાયા હતા. આ વખતે ભાજપને મંદિર તોડવાનો મુદ્દો નડી શકે છે. નવા સીમાંકન બાદ ભાજપનાં ઉમેદવાર પિયુષ દેસાઈએ કોંગ્રેસનાં એ.ડી.પટેલને પરાજય આપ્યો હતો. સ્વચ્છ છબીવાળા પિયુષ દેસાઈનાં વાણી વર્તન અને કામગીરીથી ૨૦૧૭ની ચૂંટણીમાં લોકોએ તેમને માથે લીધા હતા. તેમણે કોંગ્રેસનાં ઉમેદવાર ભાવના પટેલને પરાજય આપી બીજી વખત ધારાસભ્ય બન્યા હતા. પરંતુ આગામી ચૂંટણીમાં ભાજપે પિયુષ દેસાઈની ટિકિટ કાપીને જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ રાકેશ દેસાઈને મુરતીયા બનાવ્યા છે. કોંગ્રેસે તેમની સામે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક બારોટને ટિકીટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી કોળી સમાજનાં ઉપેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આમ હવે આ ચૂંટણીમાં ત્રિપાંખીયો મુકાબલો થશે. પણ શહેરી વિસ્તારના બહુધા મતદારો ભાજપની તરફેણમાં રહે છે.ટ્રેનોના સ્ટોપેજ નહીં મળતા મતદારોમાં રોષ જોવા મળે છે

બધાને રિપીટ કરાયા પણ નવસારી બેઠક પર બે ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય પિયુષ દેસાઇની ભાજપે ટિકીટ કાપી નાંખતા આ તાનાશાહી વલણ સામે લોકોમાં રોષ જોવા મળે છે. નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા અમલસાડ, અંચેલી, મોહનપુર વિગેરે સ્ટેશનોને ટ્રેનોના સ્ટોપેજ અપાવવામાં નહીં આવતા લોકોએ મતદાન બહિષ્કારની જાહેરાત કરી છે. નવસારીમાં રાધાકૃષ્ણ મંદિર તોડવાની ઘટનાથી તો લોકોમાં પહેલાથી જ રોષ જોવા મળે છે.

પૂર્ણા ટાઇડલ ડેમ અને મેડીકલ કોલેજનું કામ ઝડપી પુરૃં થાય

નવસારીના ભાવિ ધારાસભ્ય પૂર્ણા ટાઇડલ ડેમનું કામ શરૃ કરાવે, પૂર્ણા નદી પરનો વિરાવળનો પુલ નવો બનાવડાવે, નવસારી પાલિકામાં સમાવિષ્ટ ગામોનો વિકાસ કરે, મેડીકલ કોલેજના કામને ઝડપભેર પુરૃં કરાવે, પાલિકા પાસે અધુરા કામો પુરા કરાવે અને નવસારીના નગરજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા યોજનાને ઝડપી કાર્યાન્વિત કરાવે એવી સામન્ય લોકોની અપેક્ષાઓ છે.

લોકોને પીવાનું શુધ્ધ પાણી તો ખેડૂતોનો સાર ભાવ મળતા નથી

નવસારી શહેર તથા તેની આજુબાજુનાં વિસ્તારોને હજી પણ પીવા માટે શુદ્ધ પાણી મળતું નથી. લોકોએ પાણી વેચાતુ લેવુ પડે છે. વર્ષોથી ફલાય ઓવરબ્રિજ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો અધુરા પડયા છે. ઘનકચરાનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવાની વાતો ફક્ત ભાષણો અને ફાઈલો પુરતી સીમીત છે. રખડતા પશુઓની સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે. નવસારી સાથે વિજલપોર પાલિકા અને લાગુ ૮ ગામો જોડી નવસારી- વિજલપોર નગરપાલિકા બનાવામાં આવી પરંતુ તેના સર્વાંગી વિકાસ માટે કોઈ ઠોસ આયોજન કરાયુ નથી. ચૂંટણીની જાહેરાત પૂર્વે બહુચર્ચિત પૂર્ણા ટાઈડલ ડેમ બનાવાની સરકારે જાહેરાત કરી છે. જે બે દાયકાથી લટકતો પ્રશ્ન હતો. તેનો ઝડપી અમલ કરવાની જવાબદારી છે. બાગાયતી અને ખેતીની વિસ્તાર ગણાતા નવસારી બેઠકમાં કુલ ૬૩ ગામો સમાવિષ્ઠ છે. અહીં મુખ્યત્વે ડાંગર, શેરડી, શાકભાજી તેમજ કેરી, ચીકૂનો પાક નોંધપાત્ર છે. ખેડૂતોના માલને પોષણક્ષમ ભાવ નહી મળતો હોવાની કાયમી ફરિયાદો હોય છે.

મંદિર તોડવા મુદ્દે ભાજપના ૧૫૦૦ કાર્યકરોએ રાજીનામા આપ્યા હતા

ભાજપને જમાલપોર સ્થિત સર્વોદયનગર સોસાયટીનાં રાધાકૃષ્ણ મંદિર તોડી નાંખવાનો મુદ્દો નડશે. કારણ કે અહીંના સ્થાનિક રહીશોમાં મોટાભાગે અનાવિલો છે. અને તે પરંપરાગત ભાજપના જ મતદારો છે. જોકે, તેમની સંખ્યા બહુ મોટી નથી. પરંતુ આ ધાર્મિક અને સંવેદનશીલ મુદ્દે લોકોમાં નારાજગી છે. ભાજપના ૧૫૦૦થી વધુ કાર્યકોરોએ મંદિર તોડવાના વિરોધમાં રાજીનામા પણ આપી દીધા હતા. અનુ.જનજાતિના ૬૯ હજારથી વધુ મતદારોમાં પિયુષ દેસાઈની ટિકીટ કાપવાથી બેચૈની જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર ભાજપને મત મળે છે. આ ચૂંટણીમાં યુવાનો આમ આદમી પાર્ટી તરફ આકર્ષિત થતા દેખાય છે. આપે કોળી પટેલ ઉમેદવારને ટિકીટ આપી છે. ૩૨ હજારથી વધુ કોળી પટેલ મતદારો છે. કોંગ્રેસમાં સંગઠનનો અભાવ, એક સાંધેને તેર તુટે જેવો ઘાટની સમસ્યામાંથી વર્ષોથી કોંગ્રેસ બહાર આવી શકી નથી. તેમ છતાં કોંગ્રેસના પરંપરાગત મતો તેને મળે છે. ભાજપની આંતરિક જૂથબંધી છતાં પણ આ બેઠક ઉપર હાલ તો ભાજપનો દાવો મજબૂત ગણાય છે.

READ ALSO

Related posts

આતંરીક ડખ્ખો! ભાજપ સંખેડા બેઠકના ઉમેદવાર સામે પોસ્ટર વોર, પોસ્ટર પર કાળો કુચડો ફેરવ્યો તેમજ ફાડી નખાયા

pratikshah

GUJARAT ELECTION / ચૂંટણી ડ્યૂટીમાં લગાવાયેલા પૈરામિલિટ્રી જવાને AK-56થી બે સાથીઓના લીધા જીવ, અન્ય 2 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi

મોરબી! આમઆદમી પાર્ટીનો ગંભીર આરોપ/ ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાનો કર્યો પ્રયત્ન, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah
GSTV