એક સમયે સુરત મહાનગર પાલિકાને આર્થિક મદદ કરવામાં સક્ષમ નવસારી નગર પાલિકામાં લાંબા સમયથી મહત્વના પદો પર અધિકારીઓની જગ્યાઓ ખાલી રહેતા પાલિકાની મોટાભાગની કામગીરીઓને અસર પડી રહી હોવાની ફરિયાદો વિપક્ષ ઉઠાવી રહ્યો છે. જેના કારણે પાલિકાને આજે દેવાનો સામનો કરવો પડી રહ્યાના આક્ષેપો વિપક્ષે કર્યા છે. જ્યારે બીજી તરફ પાલિકાના સીઓએ પાલિકામાં મહત્વની જગ્યાઓ ખાલી ન હોવાનો રાગ આલાપ્યો હતો. જેમાં શહેરીજનોના આરોગ્ય માટે મહત્વપૂર્ણ ગણાતા આરોગ્ય અધિકારીની જગ્યાને સરકારે હટાવી તેની જગ્યાએ શહેરમાં બે અર્બન હેલ્થ ઓફિસરોની નિમણૂક કરાઈ હોવાની અને તેઓ ફરજ બજાવતા હોવાની વાત કરી હતી.