યુક્રેન અને રશિયાના યુધ્ધમાં ખરી લડાઇ તો નાટો દેશો લડી રહયા છે. નાટો એટલે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન જે દુનિયાનું સૌથી મોટું મિલિટરી સંગઠન છે. જેમાં હાલમાં યુરોપ અને ઉત્તર અમેરિકાના 30 દેશો જોડાયેલા છે. ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં જોડાય તેની કાર્યવાહી શરુ થઇ રહી છે ત્યારે નાટો દેશોની સંખ્યા વધીને 32 થવામાં છે.

આ નાટો સંગઠન પોતાની સાથે જોડાયેલા કોઇ પણ દેશ પર હુમલો થાય ત્યારે રક્ષણ કરવા વચને બંધાયેલા છે. નાટો સંગઠનના આર્ટિકલ 5 માં ઉલ્લેખ પણ છે કે યુરોપ કે અમેરિકાના કોઇ એક કે એકથી વધુ દેશ પર સશસ્ત્ર હુમલો થાય ત્યારે બધા દેશો પર હુમલો થયો છે એમ માનવામાં આવશે. એક માટે બધા અને બધા માટે એક તેનું સૂત્ર છે.
4 એપ્રિલ 1949માં નાટો સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી
નાટોનું મુખ્ય કાર્યાલય બેલ્ઝિયમના બ્રેસલ્સમાં છે. બીજા વિશ્વયુધ્ધ પછી દુનિયા સોવિયત સંઘના સામ્યવાદ અને પશ્ચિમી દેશોના મૂડીવાદમાં વહેંચાઇ હતી. પૂર્વી યુરોપમાં સામ્યવાદ ફેલાવવાના સોવિયત સંઘના પ્રયાસોથી ચિંતિત થઇને 4 એપ્રિલ 1949માં નાટો સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી.
એ સમયે નાટોમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ડેનમાર્ક, ફ્રાંસ, આઇસલેન્ડ, ઇટલી, લકઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે અને પોર્ટુગલ એમ 12 દેશો જોડાયા હતા. ત્યાર પછી 1952માં ગ્રીસ, તુર્કી, જર્મની (વેસ્ટ) અને 1982માં સ્પેન પણ જોડાયું હતું. નાટો સંગઠનનો પ્રતિકાર કરવા શીતયુધ્ધના જમાનામાં સોવિયત સંઘ (રશિયા)એ વારસા સંધી અંતર્ગત 12 સામ્યવાદી દેશોનું સંગઠન બનાવ્યું હતું.
નાટો અને સામ્યવાદી દેશોના મિલટરી સંગઠનોનું સોવિયત સંઘનું 1991માં પતન થયા પછી મહત્વ રહયું નહી. જો કે નાટોએ સોવિયત સંઘના પતન પછી પણ મિલિટરી સંગઠનનું વિસર્જન કરવાના સ્થાને વધુ મજબૂત બનાવ્યું હતું. નાટો દેશોએ પોતાનું પ્રથમ જોઇન્ટ ઓપરેશન 1994માં બોસ્નિયામાં કર્યુ હતું. પહેલા નો ફલાય ઝોનની જાહેરાત કરીને પછી ફાઇટર વિમાનો મોકલ્યા હતા.

નાટોમાં પૂર્વ સોવિયત સામ્યવાદી દેશોની એન્ટ્રી સામે રશિયાને વાંધો છે
1997માં બદલાયેલા સંજોગોમાં નાટો એ રશિયા સાથે શાંતિ સ્થાપવા અને એક બીજાના વિરોધી નહી થવા અંગે હસ્તાક્ષર કર્યા. જો કે સોવિયત સંઘના જમાનામાં મિત્ર રહેલા પોલેન્ડ, હંગેરી અને ચેક રિપબ્લીક જેવા સામ્યવાદી દેશો પણ નાટો સાથે જોડાયા હતા.
સૌથી નવાઇની વાત તો એ હતી ક સોવિયત સંઘ (રશિયા)નું વિઘટન થતા છુટા પડેલા એસ્ટોનિયા, લાતવિયા અને લિથુઆનિયા દેશો પણ નાટોમાં ભળી ગયા. કોઇ અકારણ વધતા જતા નાટો મિલિટરી સંગઠનના સભ્ય દેશોથી રશિયા ધૂંધવાયેલું રહેતું હતું.
ખાસ કરીને તેનામાંથી છુટા પાડેલા પાડોશી દેશો નાટોમાં જોડાય તેને પોતાની સુરક્ષા માટે ખતરા સમાન માનતું રહયું છે. 2010માં તો અલ્બાનિયા, ક્રોએશિયા અને 2017માં મોંટનેગ્રો જેવા દેશોને પણ નાટોએ સભ્યપદ આપ્યું. આથી નાટો દેશો અને રશિયા વચ્ચે ખટાશ આવવી સ્વભાવિક છે.
યુક્રેનની નાટોમાં જોડાવાની જીદે રશિયાને હુમલો કરવા મજબૂર કર્યુ
વિઘટન પછીના રશિયામાં નેતાગીરી નબળી હતી પરંતુ વ્લાદિમેર પુતિને સત્તા સંભાળીએ પછી નાટો મિલિટરી સંગઠન સાથે શિંગડા ભરાવવાના શરુ કર્યા. નાટોના નામે મહાસત્તા રશિયાને દબાવવામાં આવે અને સુરક્ષા માટે ખતરો ઉભો થાય તે તેમને મંજૂર ન હતું. રશિયાએ પોતાની ધાક જમાવવા પહેલા ચેચન્યા અને પછી ક્રિમિયા પ્રદેશમાં પોતાની તાકાતનું પ્રદર્શન કરીને પોતાના તાબા હેઠળ લાવી દિધા હતા. પાડોશી યુક્રેનના પૂર્વ ભાગના અલગાવવાદીઓને ખુલ્લો ટેકો આપ્યો હતો.
રશિયા સામે યુક્રેનનું ગજુ ના હોવાથી ઘર્ષણ ટાળતું રહયું હતું પરંતુ 2019માં એકટિંગ ક્ષેત્રમાંથી રાજનીતિમાં આવેલા વોલોદિમેર ઝેલેસ્કી રાષ્ટ્રપતિ બન્યા એ પછી પોતાના દેશને યુરોપ અને અમેરિકાની નજીક આવ્યા એટલું જ નહી તેમણે નાટો સંગઠન સાથે જોડાવાની હિલચાલ પણ તેજ કરી હતી.
વિસ્તારની દ્વષ્ટીએ વિશાળ અને આર્થિક રીતે સમૃધ્ધ યુક્રેન જો નાટોમા જોડાય તો નાટો સંગઠન રશિયાના ભાગોળે આવી ગયું હોય તેવી સ્થિતિ ઉભી થાય તેમ હતી. આથી પુતિનને સુરક્ષા ગેરેંટીના નામે જ યુક્રેન પર સૈન્ય કાર્યવાહી કરવાનો મોકો મળી ગયો છે. યુક્રેન નાટોમાં જોડાયું નથી પરંતુ તેના પ્રતિકારમાં નાટોનો પડછાયો જણાય છે.
રશિયાની યુક્રેનમાં ક્રુર કાર્યવાહીથી ફિનલેન્ડ અને સ્વીડન ડરી ગયા છે
રશિયા 80 દિવસથી યુક્રેન પર સરસાઇ મેળવવા પ્રયાસ કરે છે પરંતુ યુક્રેનનો પ્રતિકાર અને પશ્ચિમી દેશોની મળતી મદદથી ફાવી શકયું નથી. યુક્રેન આક્રમણ માટે રશિયા ગમે તેટલી દલીલ કરે પરંતુ જે સંહાર થયો છે તેનાથી પાડોશી દેશો ફિનલેંડ અને સ્વીડન પણ ફફડી ગયા છે.
ફિનલેન્ડ સાથે રશિયાની 1340 કિમી લાંબી સરહદ છે. રશિયાની આક્રમકતા જોતા પાણી પહેલા પાળ બાંધીને નાટોમાં જોડાઇ રહયા છે. આ સાથે જ મિલિટરી સંગઠન નાટોમાં જોડાયેલા દેશોની સંખ્યા વધીને 32 જેટલી થાય છે. નાટોનો પરીવાર વધી રહયો છે અને તેને સમર્થન મળી રહયું છે આથી રશિયા પોતાની સુરક્ષા માટે વધારે સચેત બની રહયું છે. ફિનલેન્ડ અને સ્વીડનને નાટોમાં જોડાશો તો પરીણામો ભોગવવા પડશે એવી રશિયાએ ધમકી આપી છે.
નાટો અને રશિયા સીધા ઘર્ષણથી દૂર રહેશે તો જ વિશ્વશાંતિ જળવાશે
ભવિષ્યમાં રશિયા પોતાની સુરક્ષા માટે ફિનલેન્ડ કે સ્વીડન પર કાર્યવાહી કરે તેવા કિસ્સામાં નાટો દેશોએ રશિયા પર વાર કરવો પડશે. રશિયાએ જેના પર આક્રમણ કર્યુ છે તે યુક્રેન જો નાટો દેશોનું સભ્ય હોતતો નાટો દેશોએ રશિયાનો પ્રતિકાર કરવો ફરજીયાત બની ગયો હતો.
આજે યુક્રેનને આર્થિક અને શસ્ત્રોની મદદ કરીને સંતોષ માને છે તેના સ્થાને મોરચો સંભાળવો પડયો હોત. નાટોએ યુક્રેનને ચાલાકીથી ખુંવાર થવા છોડી મુકયું અને સીધી સૈન્ય કાર્યવાહી કરવાથી દૂર રહયું તેવું ફિનલેન્ડ કે સ્વીડન બાબત થઇ શકશે નહી. આવનારા સમયમાં અમેરિકાના નેતૃત્વમાં નાટો સંગઠન અને રશિયા સીધા સંઘર્ષથી કેવી રીતે અને કેટલા દૂર રહી શકે છે તેના પર વિશ્વશાંતિનો મોટો મદાર છે.
READ ALSO:
- BIG NEWS: શું વધશે EMI અથવા મળશે રાહત? RBI કરશે રેપો રેટ પર મોટી જાહેરાત
- સાઉથની રિમેક; બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ ફિલ્મ ‘શહેઝાદા’ના વેતન બાકી
- Adipurush/ પ્રમોશનલ ઈવેન્ટમાં જ નિર્માતાઓએ કર્યો કરોડોનો ખર્ચ
- Facebook, Instagram પર ચૂકવણી કરીને બ્લુ ટિક મેળવી શકાશે, ભારતમાં વેરિફાઈડ એકાઉન્ટ સેવા શરૂ
- ‘બિપોરજોય’: ચક્રવાતી તોફાન ભીષણ વાવાઝોડામાં ફેરવાયું, ચોમાસાની શરૂઆત નબળી રહેવાની આશંકા