GSTV
Home » News » પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામનો ભંગ કર્યો, બે જવાનો શહીદ

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામનો ભંગ કર્યો, બે જવાનો શહીદ

જમ્મુ ડિવિઝનના રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં ભારતીય સેનાના બે જવાનો શહીદ થયા છે.

પાકિસ્તાન દ્વારા સોમવારે સાંજે કરવામાં આવેલા શસ્ત્રવિરામ ભંગની ઘટનામાં પાકિસ્તાન દ્વારા કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વગર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેમાં નાના હથિયારો, ઓટોમેટિક વેપન્સ અને મોર્ટારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ભારતીય સેનાના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દર આનંદે કહ્યુ છે કે ફાયરિંગ સાંજે સવા પાંચ વાગ્યે શરૂ થયું હતું અને ભારતીય સેના દ્વારા શસ્ત્રવિરામ ભંગની ઘટનામાં મજબૂત અને અસરકારક વળતી કાર્યવાહી કરવામાં આવી છે.

સેનાના પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું છે કે સામસામે થયેલા ફાયરિંગમાં રાઈફલમેન વિનોદ સિંહ અને રાઈફલ મેન જાકી શર્મા ઈજાગ્રસ્ત થયા હતા. ફાયરિંગમાં ઘાયલ થયેલા બંને જવાનો બાદમાં શહીદ થયા છે. રાઈફલમેન વિનોદ સિંહ અખનૂર જિલ્લાના દાનાપુરના વતની હતા અને રાઈફલ મેન જાકી શર્મા જમ્મુના હીરાનગરના સાનહૈલ ગામના વતની હતા.

ચાર દિવસ પહેલા રાજૌરીના નૌશેરા સેક્ટર ખાતે અંકુશ રેખા પર થયેલા ફાયરિંગમાં સેનાના અધિકારી ઈજાગ્રસ્ત થયા હતા. ગત સાત દિવસોમાં ભારતીય સેનાને અંકુશ રેખા ખાતે બીજી વખત નુકસાન થયું છે. પુંછના કૃષ્ણાઘાટી ક્ષેત્રમાં ત્રીજી એપ્રિલના ફાયરિંગમાં એક જવાન શહીદ થયો હતો અને અન્ય ચાર જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.

2018ના બે માસમાં જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર 633 વખત ફાયરિંગની ઘટનાઓ થઈ છે. જેમાં 432 શસ્ત્રવિરામ ભંગ અંકુશ રેખા પર અને 201 વખત આંતરરાષ્ટ્રીય સરહદ પર ફાયરિંગની ઘટનાઓ બની છે.

આ બે માસ દરમિયાન દશ સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે અને બાર નાગરિકોના પણ મોત નીપજ્યા છે. 2017માં આંતરરાષ્ટ્રીય સરહદે 860 અને અંકુશ રેખા પર 111 જેટલી શસ્ત્રવિરામ ભંગની ઘટનાઓ નોંધાઈ હતી.

2017માં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં 12 નાગરિકોના મોત નીપજ્યા હતા અને અન્ય 59 નાગરિકો ઈજાગ્રસ્ત થયા હતા. 2017માં સેનાના છ જવાનો અને બીએસએફના ચાર જવાનો શહીદ થયા હતા. ગત વર્ષે સેનાના 18 જવાનો અને બીએસએફના 22 જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.

 

Related posts

આજે વિન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી : યુવા ખેલાડીઓને તક અપાશે

Mayur

ભરણ પોષણ માટે પતિએ પત્નીને 34 હજાર સિક્કા આપ્યા, જજ પણ જોતા રહી ગયા

Mayur

વરસાદના કારણે દિલ્હી, પંજાબ, હરિયાણામાં શાકભાજીના ભાવ આસમાને

Mayur
Do NOT follow this link or you will be banned from the site!