બાગપતમાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેના ઉદ્ઘાટન વખતે વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે કોંગ્રેસ મોદીના વિરોધમાં દેશનો વિરોધ કરી રહી છે. કોંગ્રેસે વિકાસની મજાક ઉડાવી. તેમણે કોંગ્રેસને નિશાને લેતા કહ્યુ છે કે પોતાના રાજકીય ફાયદા માટે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પણ ખુલ્લેઆમ જૂઠ્ઠાણાં ચલાવાતા હોવાનું દેશના લોકો જોઈ રહ્યા છે. મોદીએ કહ્યુ છે કે દલિતો પર અત્યાચાર સાથે જોડાયેલા કાયદાની વાત હોય અથવા અનામતની વાત.ખોટું બોલીને અફવા ફેલાવીને લોકોને ભ્રમિત કરવાનો કારસો થઈ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યુ છે કે ઓબીસી સમુદાયને કરવામાં આવેલા વાયદાને કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરવામાં આવશે.
ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેને રાષ્ટ્રને સમર્પિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ પોતાના ચાર વર્ષના કાર્યકાળનું રિપોર્ટકાર્ડ પણ દેશની સામે રજૂ કર્યું છે. બાગપત ખાતે મોદીએ કહ્યું છે કે ભીષણ ગરમીમાં મોટી સંખ્યામાં પહોંચેલા લોકોને કારણે સ્પષ્ટ છે કે સરકાર યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક હુમલા કરવામાં કોઈ કોરકસર બાકી રાખી ન હતી. તેમણે કહ્યુ છે કે પેઢી દર પેઢી પરિવારને સત્તામાં જોનારા લોકો હવે ગરીબો માટે થઈ રહેલા કામની પણ મજાક ઉડાવી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે એનડીએ સરકારના કામથી કેટલાક લોકો ઘાંઘા થયા છે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું છે કે કોંગ્રેસે દેશની સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉભો કર્યો. હવે કોંગ્રેસને દેશનું મીડિયા પણ પક્ષપાતી દેખાઈ રહ્યું છે. સર્જિકલ સ્ટ્રાઈકના સેનાના સાહસને પણ કોંગ્રેસે નકાર્યું છે. કોંગ્રેસ પર વાકપ્રહારો કરતા મોદીએ કહ્યુ છે કે દેશના વખાણ કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની પણ મજાક ઉડાવાઈ છે. કોંગ્રેસની પરેશાનીનું કારણ બધા જાણતા હોવાનું જણાવીને વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે મોદીના વિરોધમાં કોંગ્રેસ દેશનો પણ વિરોધ કરી રહી છે. જેમની પાસે સવાસો કરોડ લોકોનો વિશ્વાસ હોય. તે કોઈના આરોપથી ડગવાના નથી.
વડાપ્રધાન મોદીએ ક્હ્યું છે કે જનતા નક્કી કરે કે આ તરફ કોણ છે અને પેલી તરફ કોણ છે. કોંગ્રેસ માટે તેમનો પરિવાર જ તેમનો દેશ છે. મોદી માટે દેશ જ પોતાનો પરિવાર છે. તેમણે કહ્યું છે કે કેટલાક લોકો પોતાની જમીન ધોવાતી જોઈને ખોટું પણ બોલી રહ્યા છે. અનામતનો લાભ નહીં પહોંચવા મામલે કોંગ્રેસ અડચણરૂપ હોવાનું જણાવીને વડાપ્રધાન મોદીએ ક્હ્યું છે કે અનામતને લઈને જૂઠ્ઠાણું બોલ્યા બાદ હવે આજકાલ એક નવું જૂઠ્ઠાણું ખેડૂતોને લઈને બોલવામાં આવે છે.
મોદીએ કહ્યું છે કે કોંગ્રેસ જૂઠ્ઠાણું ફેલાવી રહી છે કે જે ખેડૂત પોતાની જમીન ભાગ પર કે ઠેકા પર આપશે તેના પર 18 ટકા જીએસટી લગાવવામાં આવશે. મોદીએ આવા જૂઠ્ઠાણાં બદલ કોંગ્રેસને શરમ આવવી જોઈએ તેમ પણ જણાવ્યું છે. કોંગ્રેસ પર દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવીને વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે તેમની સરકાર ગ્રામોદયથી ભારત ઉદય તરફ આગળ વધી રહી છે. ગ્રોમદયના કેન્દ્રમાં દેશનો ખેડૂત છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપવા ચાહતી હતી. પરંતુ યુપીએ આ કાયદાને હજી સુધી મંજૂરી આપી નથી.
ગામડાંને ઈન્ટરનેટથી જોડવાનું કામ ઝડપથી ચાલતું હોવાનું જણાવીને મોદીએ કહ્યું છે કે યુપીએ સરકાર પોતાના ચાર વર્ષના કાર્યકાળમાં માત્ર 59 પંચાયતોને જ ઓપ્ટિકલ ફાઈબરથી જોડી શકી હતી. પરંતુ હાલની કેન્દ્ર સરકારે એક લાખથી વધુ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબરથી જોડી છે. ત્રણ લાખ કરોડથી વધારે ખર્ચ હાઈવે પર કરવામાં આવ્યો હોવાનું જણાવીને મોદીએ કહ્યુ છે કે પહેલા એક દિવસમાં માત્ર 12 કિલોમીટર હાઈવે બનાવાતો હતા. પરંતુ આજે રોજનો 27 કિલોમીટર રોડ બનાવાય છે.