નેઈલ આર્ટને લાંબો સમય ટકાવી રાખવી છે? આ ટિપ્સ આવશે કામ

nail art tricks

આજથી હજી પાંચેક વર્ષ પહેલાં નેઈલ-આર્ટ ફક્ત એક ખાસ ક્લાસ અને સેલિબ્રિટીઝ પૂરતી હતી, પરંતુ આજે નાની બાળકીઓથી લઈને કોલેજ જતી ટીનેજર અને ગૃહિણીઓ સુધી કોઈને પ્લેન-પૉલિશ લગાવવી ગમતી નથી. 

નખ પર ડિઝાઈન કરવાનો આ ટ્રેન્ડ બધાને ગમી ગયો છે. એક્સપર્ટો પાસે નેઈલ-આર્ટ કરાવવામાં આવે ત્યારે એમાં વપરાતી પ્રોડક્ટ્સ અને ટેક્નિકને લીધે એ નખ પર આઠથી દસ દિવસ સુધી ટકે છે, પરંતુ જાતે કરવામાં આવે ત્યારે બીજા જ દિવસે નેઈલ-પૉલિશ નીકળવા લાગે છે. આવું ન થાય એ માટેની કેટલીક ટિપ્સ જાણી લો.

જો આર્ટિફિશ્યલ નખ લગાવવાના હો તો નખની લંબાઈ એટલી જ પસંદ કરો જેમાં તમે કમ્ફર્ટેબલ હો. નખ વધુ પડતા લાંબા હશે તો કામ કરતી વખતે એ નડશે અને નખ તૂટી જશે. નખ જ્યારે અડધો તૂટી જાય ત્યારે એ વધુ દુખાવો આપે છે. જો તમારે ઘરનું કામ કરવાનું હોય અથવા કી-બોર્ડ પર સતત ટાઈપ કરવું પડતું હોય તો લાંબા નખ અવૉઈડ કરો.

નખ નેઈલ-આર્ટ માટે તૈયાર છે કે નહીં એ પણ જાણવું જરૂરી છે. નખને તૈયાર કરવામાં સૌથી પહેલું સ્ટેપ એટલે પહેલાં લગાવેલી કોઈ પણ નેઈલ-પૉલિશ નખ પરથી સારી ક્વોલિટીના નેઈલ-પૉલિશ રિમૂવરથી કાઢી નાખવી. ત્યાર બાદ નખને બફરની મદદથી લીસા કરવા અને છેલ્લે નખ સાફ લાગે એ માટે ક્યુટિકલ્સ હોય તો એ કટ કરવા.

મોઈસ્ચરાઈઝરની જરૂર ફક્ત ચહેરા અને હાથને જ નહીં, નખને પણ પડે છે. નખને ફાઈલિંગ અને બફિંગ કરી લીધા બાદ નખ પર સ્ક્રબ ઘસો. ધોઈને મોઈસ્ચરાઈઝર લગાવો. નખની આજુબાજુ ક્રીમ લગાવેલી હશે તો એનાથી નેઈલ-પૉલિશ લગાવ્યા બાદ આંગળીઓ પર લાગી ગયેલો રંગ દૂર કરવામાં આસાની રહેશે.

નેઈલ-પૉલિશ ડાયરેક્ટ નખ પર લગાવવા કરતાં એને કોઈ બેઝ લગાવી એના પર સેટ કરતાં એ વધુ ટકે છે. બેઝ કોટ એક સુંદર મેનિક્યોરનું સીક્રેટ છે એવું પણ કહી શકાય. 

નેઈલ-પૉલિશને લાંબી સમય સુધી ટકાવી રાખવાની સાથે નખને નેઈલ-પૉલિશના ડાર્ક કલર સામે પ્રોટેક્ટ કરવાનું પણ કામ કરે છે. આ સિવાય ટોપ કોટ પણ એટલો જ મહત્ત્વનો છે. નેઈલ-આર્ટ કરી લીધા બાદ એના પર ટૉપ કોટ લગાવતાં એ ચમકે છે અને લાંબા સમય સુધી પ્રોટેક્ટેડ રહે છે.

જો સસ્તી પ્રોડક્ટથી નેઈલ-આર્ટ કરવા જશો તો એ લાંબો સમય નહીં જ ટકે. કોઈ પણ દુકાન કે ટ્રેનમાંથી નેઈલ-પૉલિશ ખરીદવાને બદલે યોગ્ય કોસ્મેટિક સ્ટોરમાં જઈને બ્રેન્ડેડ નેઈલ-પૉલિશ ખરીદો.

બેઝ કોટથી લઈને મેઈન નેઈલ-આર્ટ અને ત્યાર બાદ ટોપ કોટની વચ્ચે યોગ્ય સમયાંતર હોવો જરૂરી છે. પહેલો કોટ પૂરી રીતે સુકાયો નહીં હોય અને એના પર બીજો કોટ લગાવવામાં આવશે તો પહેલો પણ બગડશે. માટે બેઝ કોટ સુકાય એ પછી જ નેઈલ-પૉલિશ અને એ પૂરી રીતે સુકાઈ જાય ત્યાર બાદ જ ટોપ કોટ લગાવવો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter