અમદાવાદના 4 ધારાસભ્યો સામે પોલીસ ફરિયાદ, VS મામલે રેલી કાઢી ફસાયા

વાડીલાલ હોસ્પિટલમાં પથારીની વધ -ઘટના મુદ્દે અમદાવાદ શહેર કોગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો દ્વારા ગુરુવારે રેલી કાઢીને ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે હંગામો મચાવીને દરવાજાની તોડફોડ કરવામાં આવી હતી. જેને મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા કોગ્રેસના ચાર એમ.એલ.એ તથા આગેવાનો સહિત ૨૦૦ સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય દરવાજાની તોડફોડ અને મિલકતને રૂ. ૯ લાખ નુકસાનની ફરિયાદ કરવામાં આવી છે.

આ કેસની વિગત એવી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિ. સિક્યુરીટી ઓફિસર પાલુવભાઇ વસાવા કારંજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છ વાડીલાલ હોસ્પિટલ બચાવ અભિયાન હેઠળ કોગ્રેસ પક્ષ તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પોલીસ અધિકારી સહિત પોલીસ બંદોબસ્તમાં હાજર હતી. આ દરમિયાન સાંજે પાંચ વાગે કોગ્રેસ પક્ષના મનોજકુનાર ત્રિવેદી અને શશીકાંત પટેલ તથા કોર્પોરેટર બદરુદીન શેખ તેમજ ધારાસભ્યોમાં ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ તથા સ્ત્રી પુરુષો મળી કુલ ૨૦૦ માણસો કોર્પોરેશનના મ્યુખ્ય દરવાજાના ગેટ બહાર સુત્રોચ્ચાર પોકારીને આવેદનપત્ર આપવા જવાની રજૂઆત કરતા હતા.

પોલીસ સાથે ધક્કામુકી કરીને ઝાપો તોડી નાંખ્યો

જો કે પાંચ વ્યક્તિને જવા દેવાની વાત કરતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ટોળાએ ઝાંપાનું તાળુ તોડીને પોલીસ સાથે ધક્કામુકી કરીને ઝાપો તોડી નાંખ્યો અને ઝાંપા પર લગાડેલા સેન્સરને પણ તોડી નાંખીને ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર કચેરી પાસે મિલકતની તોડફોડ કરીને રૂ. ૯,૩૫,૫૨૭નું નુકસાન કર્યું હતું. જ્યારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે મનોજકુમાર ત્રિવેદી સહિત ૮૦ લોકો સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલની ફરિયાદ નોધવામાં આવી હતી. બીજીતરફ કોગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પોલીસ કમિશનરની પરમીશન લીધી હોવા છતાં પોલીસે કોગ્રેસના આગેવાનો સામે જાહેરનામા ભંગનો ગુનો નોધ્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter