GSTV

મુંબઇમાં મેઘપ્રકોપ : 106 કિમીની ઝડપે ફુંકાયો તોફાની પવન, ભારે વરસાદને કારણે સવર્ત્ર જળબંબાકારની પરિસ્થિતિ

દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદનો કહેર યથાવત છે. ઉલ્લેખનીય છે કે ઓડિશા, તમિલનાડુ અને મહારાષ્ટ્રના મુંબઇ શહેર અને તેની આજુબાજુના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે ત્રણ બાળકો સહિત કુલ ૧૨ લોકોનાં મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર કેરળમાં કોચી પાસેની નદીમાં ત્રણ માછીમારો લાપતા થઇ ગયા છે. દેશની રાજધાનીમાં પણ આજે વરસાદ પડતા શહેરીજનોને ભારે ગરમી અને ઉકળાટથી કંઇક અંશે રાહત મળી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશની પ્રમુખ નદીઓ ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. રાજ્યના ૧૬ જિલ્લાના ૫૩૬ ગામોમાં પૂરની અસર જોવા મળી છે. માઉ જિલ્લાની સરાયુ નદીમાં એક હોડી ઉંધી વળી જતા બે મહિલા અને ત્રણ બાળકો તણાઇ ગયા હતાં. ઓડિશાના પણ અનેક ભાગોમાં આજે ભારે વરસાદ નોંધીયે હતો. ભુવનેશ્વરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૯.૪ મીમી વરસાદ નોંધાયો હતો. બારગઢ. ઝારસુગુડા, સંબલપુર, દેવગઢ, સુંદરગઢ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી ઓરેન્જ વોર્નિંગ ઇશ્યુ કરવામાં આવી છે.

મુંબઇમાં આજે બારેય મેઘ ખાંગા થયા

તમિલનાડુના નિલગિરિસ જિલ્લામાંવરસાદ આધારિત ઘટનાઓમાં બે લોકોનાં મોત થયા છે. કોકકલ અને ફિંગરપોસ્ટ વિસ્તારમાં વૃક્ષ પડવાની અલગ અલગ ઘટનાઓમાં ૫૨ અને ૪૩ વર્ષના બે પુરુષોના મોત થયા હતાં. કેરળના નિલગિરિસ અને કાઇમ્બતૂર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડી રહ્યો છેે. જેના કારણે અનેક ગામો પાણીમાં ડૂબી ગયા છે અને ઘણા વૃક્ષો ધરાશયી થઇ ગયા છે.

મુંબઇમાં આજે બારેય મેઘ ખાંગા થયા હતા.સોમવારથી શરૃ થયેલા અતિ ભારે વરસાદે મુંબઇને જળબંબોળ કરી દીધું છે. મુંબઇમાં જાણે કે મેઘતાંડવ થઇ રહ્યું હોય તેમ આજે બુધવારે સાંજના કોલાબા વિસ્તારમાં છેલ્લા ત્રણ કલાકમાં ૨૨૯.૬ મિલિમીટર(૯ ઇંચ) વરસાદ વરસ્યો હતો.વળી,સોમવારે રાતથી મંગળવારની સવાર સુધીમાં તો મુંબઇમાં ૧૨ ઇંચ જેટલો અતિ ભારે વરસાદ વરસ્યો હતો.

બીજીબાજુ આખા દક્ષિણ કોંકણ(રત્નાગિરી,સિંધુદુર્ગ)માં પર છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વર્ષા થઇ રહી છે.

હવામાન ખાતાએ આજે સાંજે સાત વાગે નાઉકાસ્ટ વોર્નિંગ(આવતા ત્રણથી ચાર કલાક દરમિયાન થનારા અતિ ભારે વરસાદ કે વાવાઝોડાની આગાહી)આપીને મુંબઇમાં ૭૦થી ૮૦ કિલોમીટર( પ્રતિ કલાક)ની પ્રચંડ ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી પણ આપી હતી. વરૃણ અને પવનદેવ જાણે કે મુંબઇ પર ભારે કોપાયમાન થયા હોય તેમ આજે સાંજે કોલાબા અને આજુબાજુના ચોપાટીના સમુદ્ર કાંઠાના પરિસરમાં ખરેખર ૧૦૬ કિલોમીટરની અતિ પ્રચંડ ઝડપે પવન ફૂંકાયો હતો. પવનદેવનું અને મેઘરાજાનું આ તાંડવ પૂર્વનાં પરાં ઘાટકોપર, મુલુંડ, પવઇ અને પશ્ચિમનાં પરાં બોરીવલી, કાંદિવલી, મલાડથી લઇને અંધેરી સુધી ફેલાયું હોવાથી મુંબઇગરાંને હજી થોડા સમય પહેલાં જ ફૂંકાયેલા નિસર્ગ વાવાઝોડાની થપાટ યાદ આવી ગઇ હતી. આટલું જ નહીં, ૨૦૦૫ની ૨૬ જુલાઇએ ફક્ત ૨૪ કલાકમાં વરસેલા ૩૭ ઇંચનું મેઘતાંડવ પણ યાદ આવી ગયું હતું.પરિણામે મુંબઇગરાંમાં ચિંતા અને ભય ફેલાઇ ગયાં હતાં.

૨૦૦૫ની ૨૬ જુલાઇએ ફક્ત ૨૪ કલાકમાં વરસેલા ૩૭ ઇંચનું મેઘતાંડવ પણ યાદ આવી ગયું

આવતા ૨૪ કલાક દરમિયાન મુંબઇ,થાણે,પાલઘરમાં અતિ ભારે વર્ષા થાય તેવો વરતારો છે.સાથોસાથ દક્ષિણ કોંકણનાં રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં પણ આવતા ૨૪ કલાક દરમિયાન મુશળધાર વરસાદ વરસે તેવી આગાહી છે.

હવમાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આજે મુંબઇના કોલાબામાં ૨૯૩.૮ મિ.મિ, સાંતાક્રૂઝમાં ૧૦૩.૦ મિ.મિ., મિ.મિ.,બોરીવલી-૧૬૩,દહિંસર-૧૨૦, ભાયંદર-૧૭૬,મીરારોડ-૧૮૩,થાણે-૧૨૪, પાલઘર-૨૬૦.૧,રત્નાગિરિ-૨૧૬,સિંધુદુર્ગ-૧૬૧.૪, રાયગઢ-૧૧૭.૪,પુણે-૫૯,સાતારા-૬૩ મિ.મિ.વરસાદ નોંધાયો હતો. કોલાબામાં આટલી મુશળધાર વર્ષા લગભગ ૪૬ વરસ પહેલાં થઇ હોવાનો ઉલ્લેખ મળે છે.

હવામાન ખાતાનાં સૂત્રોએ એવો વરતારો પણ આપ્યો હતો કે હજી આવતા ૨૪ કલાક દરમિયાન મુંબઇ,થાણે,પાલઘર અને રાયગઢમાં ભારેથી અતિ ભારે વર્ષા થવાની સંભાવના છે.સાથોસાથ મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડામાં પણ મુશળધાર વર્ષા થવાની શક્યતા છે.આ બધા વિસ્તાર માટે આવતા ૨૪ કલાક માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.આવતા ૪૮ કલાક બાદ મુંબઇ સહિત અન્ય વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં તબક્કાવાર ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી હતી.

READ ALSO

Related posts

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1410 કેસ સામે આવ્યા, કુલ મૃત્યુઆંક 3289 પર પહોંચ્યો

Nilesh Jethva

પ્લે સ્ટોરમાંથી હટાવ્યાના થોડા કલાકોમાં જ પાછુ આવ્યું Paytm, હવે કરી શકશો ડાઉનલોડ

Pravin Makwana

ફ્લાઈટની જેમ ટ્રેન ટિકિટમાં પણ જોડાશે યૂઝર ચાર્જ, જાણો ક્યાં-ક્યાં સ્ટેશનનો કરાયો સમાવેશ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!