ગર્લ ફ્રેન્ડને મળવા પાકિસ્તાન ગયો અને ફસાયો, 6 વર્ષથી જેલમાં સબડતો ભારતીય આજે છૂટશે

પાકિસ્તાનની પેશાવર સેન્ટ્રલ જેલમાં 6 વર્ષથી બંધ ભારતીય કેદી હામિદ નિહાલ અંસારી જેલ મુક્ત થતાં આજે સ્વદેશ પરત ફરશે. અંસારીની માતાએ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનો આભાર માન્યો. પાકિસ્તાને અંસારીને 2012માં ભારતીય જાસૂસ ગણાવીને કેદ કર્યો હતો. તે તેની ગર્લ ફ્રેન્ડને મળવા પાકિસ્તાન ગયો હતો. 2015માં એક સૈન્ય અદાલતે નકલી પાકિસ્તાની ઓળખપત્ર રાખવાના મામલામાં તેને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. હામિદને પાકિસ્તાની જેલમાંથી સોમવારે મુક્તિ મળી હતી. અંસારીની ત્રણ વર્ષની સજા શનિવારે પૂરી થઈ ગઈ હતી.

ભારતે તેની મુક્તિ માટે પાકિસ્તાને વાત પણ કરી હતી. આ પહેલા પાકિસ્તાનની એક ઉચ્ચ અદાલતે ત્યાંની સરકારને તેને પરત મોકલવાની ઔપચારિકતાઓ એક મહિનાની અંદર પૂરી કરી લેવા કહ્યું હતું. હામિદ નિહાલ મૂળ મુંબઈનો રહેવાસી છે. પાકિસ્તાને તેની પર આરોપ લગાવ્યો હતો કે તે ભારતીય જાસૂસ હતો જેણે ગેરકાયદે પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો. અને તે રાષ્ટ્ર વિરોધી અપરાધો અને નકલી દસ્તાવેજો બનાવવા સાથે સંકળાયેલો હતો. 2012માં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ અને કોહાટની સ્થાનિક પોલીસે ધરપકડ કર્યા બાદ અંસારી લાપતા થઈ ગયો હતો. અંસારીની માતાએ કહ્યું કે તેને વીઝા વગર પાકિસ્તાન જવું જોઈતું ન હતું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter