GSTV

આઇપીએલ પર મુંબઈ ઇન્ડિયન્સનો ઇજારો કાયમ, પાંચમી વાર ચેમ્પિયન

Last Updated on November 10, 2020 by Mansi Patel

કેપ્ટન રોહિત શર્માની ભવ્ય બેટિંગ અને ટ્રેન્ટ બોલ્ટની કાતીલ બોલિંગની સહાયથી મુંબઈ ઇન્ડિયન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાનો ઇજારો કાયમ રાખ્યો હતો. મંગળવારે રમાયેલી ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટથી હરાવીને પાંચમી વાર આઇપીએલ ટાઈટલ જીતી લીધું હતું. અન્ય કોઈ ટીમ પાંચ વખત આ ધનાઢ્ય ક્રિકેટ લીગ જીતી શકી નથી. લોકેશ રાહુલે સૌથી વધુ રન (670) ફટકારીને ઓરેન્જ કેપ તથા કેગિસો રબાડાએ 30 વિકેટ ખેરવીને પર્પલ કેપ જીતી હતી.


મંગળવારે રમાયેલી ફાઇનલ મેચ રોમાંચ બનશે તેની અપેક્ષા રખાતી હતી પરંતુ રોહિત શર્માએ આવો કોઈ રોમાંચ રહેવા દીધો ન હતો. પ્રથમ બેટિંગ કરતાં દિલ્હી કેપિટલ્સે 20 ઓવરને અંતે સાત વિકેટે 156 રનનો સ્કોર નોંધાવ્યો હતો જે ફાઇનલ મેચ જોતાં ખાસ જંગી કહી શકાય નહીં. મુંબઈ ઇન્ડિયન્સે સમગ્ર ઇનિંગ્સ દરમિયાન આસાનીથી બેટિંગ કરી હતી અને અંતે 18.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ટારગેટ વટાવી દીધો હતો.

મેચ જીતવા માટે 157 રનના ટારગેટ સામે રમતાં મુંબઈની ટીમે પાંચમી ઓવરમાં ક્વિન્ટન ડી કોકની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 12 બોલમાં ઝડપી 20 રન ફટકાર્યા હતા. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે સ્કોર 90 સુધી પહોંચાડ્યો હતો જેમાં મોટા ભાગનું યોગદાન રોહિતનું જ રહ્યું હતું. યાદવ એક સિંગલ લેવાના પ્રયાસમાં ગેરસમજ થતાં રનઆઉટ થયો તે અગાઉ તેણે 19 રન ફટકાર્યા હતા. હકીકતમાં તેણે રોહિત માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું હતું.

ઇજામાંથી પરત આવ્યા બાદ રોહિત શર્મા ખાસ ફોર્મમાં જણાતો ન હતો પરંતુ મેચના મહત્વને ધ્યાનમાં રાખીને તેણે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 51 બોલમાં ચાર સિક્સર સાથે 68 રન ફટકાર્યા હતા. રોહિત આઉટ થયો ત્યારે મુંઈનો વિજય નિશ્ચિત થઈ ગયો હતો.
રોહિતની વિકેટ બાદ પોલાર્ડ પણ આઉટ થઈ જતાં થોડો રોમાંચ લાગતો હતો પરંતુ તે ઔપચારિકતા જ બાકી રહી હતી. ઇશાન કિશને શાનદાર બેટિંગ કરીને ટીમને છક સુધી પહોંચાડી દીધી હતી.


અગાઉ દિલ્હી કેપિટલ્સનો પ્રારંભ કંગાળ રહ્યો હતો કેમ કે ટ્રેન્ટ બોલ્ટે આદત મુજબ પહેલી ઓવરમાં જ માર્કસ સ્ટોઇનિસને વિકેટ પાછળ ઝડપાવી દીધો હતો. શિખર ધવન આ મેચમાં તેનું ફોર્મ જાળવી શક્યો ન હતો અને માત્ર 15 રન કરી શક્યો હતો. આ સાથે તેણે સિઝનમાં 618 રન કર્યા હતા.


રિશભ પંતે પહેલી વાર તેનું ફોર્મ દાખવ્યું હતું અને આક્રમક 56 રન ફટકાર્યા હતા. 38 બોલની ઇનિંગ્સમાં તેણે બે સિક્સર ઉપરાંત ચાર ચોગ્ગા ફટકાર્યા હતા તો કેપ્ટન શ્રેયસ ઐય્યરે પણ સુંદર બેટિંગ કરી હતી. હકીકતમાં તેને કારણે જ દિલ્હીની ટીમ 156 રનનો સ્કોર કરી શકી હતી. ઐય્યરે 50 બોલમાં અણનમ 65 રન ફટકાર્યા હતા જેમાં બે સિક્સર અને છ ચોગ્ગાનો સમાવેશ થતો હતો.
મુંબઈ માટે ટ્રે્ન્ટ બોલ્ટે 30 રનમાં ત્રણ વિકેટ લીધી હતી તો કોલ્ટર નાઇલે બે વિકેટ લીધી હતી. બુમરાહને ફાળે એકેય વિકેટ આવી ન હતી. આમ તે પર્પલ કેપથી વંચિત રહ્યો હતો.

Related posts

Bipin Rawat Funeral: બિપિન રાવતનું પાર્થિવ શરીર કાલે દિલ્હી લવાશે, શુક્રવારે થશે અંતિમ સંસ્કાર

Zainul Ansari

વિજય હઝારે ટ્રોફી / ધોનીના વિશ્વાસની રાખી લીધી લાજ, ૮૫ બોલમાં જ આ ખેલાડીએ ફટકારી શાનદાર સદી

Zainul Ansari

ચોંકાવનારું: ભારતીય મહિલા હોકી ટીમની એક ખેલાડી કોરોનાથી સંક્રમિત, દ.કોરિયા સામેની મેચ રદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!