GSTV
India News ટોપ સ્ટોરી

જળબંબાકાર/ મુંબઈમાં અતિવૃષ્ટિથી ભારે ખાનાખરાબી, રાજ્યમાં આવતા ચાર દિવસ ભારે વરસાદ વરસે તેવો વરતારો

હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે મધ્ય મહારાષ્ટ્રના સાતારા, સાંગલી, કોલ્હાપુર, નાશિક અને મહાબળેશ્વર વગેરે ઘાટ પ્રદેશમાં અને વિદર્ભના ભંડારા, અકોલા, નાગપુરમાં હજી મેઘરાજાની પ્રચંડ થપાટ વાગી રહી છે. આ સમગ્ર વિસ્તારની લોક માતાઓ ગાંડીતૂર થઇને બે કાંઠે વહી રહી છે. જ્યારે મોટાભાગના ડેમ અને જળાશયો પણ છલકાઇ ગયાં છે. આમ છતાં શ્રીકાર વરસાદને કારણે ખેતીના પાકને ગંભીર નુકસાન થયું હોવાના અને રસ્તા, પૂલ વગેરે તૂટી ગયાં હોવાના સમાચાર પણ મળે છે.

આવતા ચાર દિવસ(૧૨થી૧૫-ઓગસ્ટ) કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં અમુક સ્થળોએ ગાજવીજ અને તોફાની પવન સાથે ભારે વરસાદ વરસે તેવો વરતારો પણ હવામાન ખાતાએ આપ્યો છે.

આ દિવસો દરમિયાન જોકે મુંબઇ, થાણે, પાલઘરમાં વરસાદી માહોલ પ્રમાણમાં ઘણો મંદ થઇ જાય તેવાં પરિબળો પણ છે.

આવતા ૪૮ કલાક દરમિયાન તળ મુંબઇમાં અને પરાંમાં હળવી વર્ષા થવાની જ્યારે ૪૦-૫૦ કિલોમીટરની તોફાની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના છે.

બીજીબાજુ સાતારા જિલ્લાના કોયના ડેમના સ્રાવ વિસ્તારમાં રસતરબોળ વર્ષા થઇ હોવાથી ડેમમાં વિપુલ જળ રાશિ જમા થઇ છે. પરિણામે એન્જિનિયરોએ ડેમના બધા દરવાજા ખોલી નાખ્યા હોવાના સમાચાર મળે છે. સાથોસાથ કોયના ડેમ નજીકના પરિસરમાં રહેતાં નાગરિકોને સતર્ક કરવામાં આવ્યાં હોવાના સમાચાર પણ મળે છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહારાષ્ટ્રનાં જાણીતાં ગિરિ મથકો મહાબળેશ્વરમાં ૨૩૦ મિલિમીટર(૯.૨ ઇંચ) જ્યારે માથેરાનમાં ૧૩૦ મિલિમીટર(૫.૨ ઇંચ) વરસાદ નોંધાયો હોવાના સમાચાર મળે છે.

હવામાન ખાતાના ડાયરેક્ટર(મુંબઇ) ડો. જયંત સરકારે એવી માહિતી આપી હતી કે હાલ નૈઋત્યનું ચોમાસુ ઉત્તર કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં સક્રિય છે. સાથોસાથ અરબી સમુદ્રમાં પણ સક્રિય છે. મધ્ય ભારતના ગગનમાં ૩.૧થી ૫.૮ કિલોમીટરના અંતરે શિયર ઝોનની અસર છે. સાથોસાથ સૌરાષ્ટ્રના સમુદ્રથી અરબી સમુદ્ર, અમદાવાદ, રાંચી, દીઘા થઇને બંગાળના ઉપસાગર સુધીના આકાશમાં ૧.૫ કિલોમીટરના અંતરે મોન્સૂન ટ્રફ(હવાના હળવા દબાણનો વિશાળ પટ્ટો) પણ સર્જાયો છે. ઉપરાંત મધ્ય પ્રદેશના આકાશમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ છે.

આવાં તમામ કુદરતી પરિબળોની વ્યાપક અસરથી ૧૨થી ૧૫, ઓગસ્ટ દરમિયાન કોંકણ (રાયગઢ, રત્નાગિરિ), મધ્ય મહારાષ્ટ્ર( પુણે, સાતારા), વિદર્ભ( ૧૪,૧૫ – ભંડારા, બુલઢાણા, ચંદ્રપુર, ગઢચિરોળી, નાગપુર, વર્ધા, વાશીમ, યવતમાળ)માં પ્રચંડ મેઘગર્જના, વીજળીના કડાકાભડાકા, તોફાની પવન સાથે ભારે વરસાદી માહોલ સર્જાય તેવી સંભાવના છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોંકણનાં સાવંતવાડીમાં ૧૭૦ મિલિમીટર, ખેડ-૧૨૦, દાપોલી-૧૦૦, માંડણગઢ-૯૦, થાણે-૭૦, કર્જત-૫૦, લોનાવલા-૨૦૦, ઇગતપુરી-૧૨૦, ગગનબાવડા-૬૦ મિલિમીટર વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે. ઘાટ પ્રદેશ : શીરગાંવ- ૩૧૦, દાવડી- તામિણી-૩૦૦, કોયના-૧૬૦, ભીરા-૧૩૦ મિલિમીટર વર્ષા નોંધાઇ છે.

નાગપુર, કોલ્હાપુર યુનિ.માં પરીક્ષા રદ

ભારે તોફાની વરસાદને કારણે વિદર્ભની નાગપુર યુનિવર્સિટીની અને મધ્ય મહારાષ્ટ્રની શિવાજી યુનિવર્સિટીની (જે કોલ્હાપુર યુનિવર્સિટીના નામે પણ જાણીતી છે) પરીક્ષા રદ કરવામાં આવી હોવાના સમાચાર મળે છે. આ બંને યુનિવર્સિટીની પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. છેલ્લા બે-ત્રણ દિવસથી સાતારા, સાંગલી, કોલ્હાપુર જિલ્લામાં બેસુમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વર્ષાને કારણે વાહન વ્યવહારને પણ વિપરીત અસર થઇ હોવાથી વિદ્યાર્થીઓને યુનિવર્સિટી જવા-આવવામાં ઘણી મુશ્કેલી થાય છે.આવી ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગપુર અને શિવાજી યુનિવર્સિટીના સંચાલકોએ ૧૦, ૧૧- ઓગસ્ટની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.

Read Also

Related posts

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah

શું એલન Alon Musk-Twitterની ડીલ થઈ શકે છે પાક્કી? મસ્કના લેટર અંગે ટ્વિટરે આપ્યું આ રિએક્શન

Hemal Vegda

મોટી દુર્ઘટના/ અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું થયું મોત

HARSHAD PATEL
GSTV