GSTV
Home » News » ધોની You Too ?’ : અમ્પાયર પર ધોંસ જમાવનાર ‘કેપ્ટન કૂલ’ની ચોતરફથી ટીકા

ધોની You Too ?’ : અમ્પાયર પર ધોંસ જમાવનાર ‘કેપ્ટન કૂલ’ની ચોતરફથી ટીકા

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અમ્પાયરોના છબરડાંની પરંપરા આગળ વધી રહી છે, તેની સાથે સાથે સુપરસ્ટાર ક્રિકેટરો ક્રિકેટના નીતિ નિયમો તોડીને જાણે ગલી ક્રિકેટમાં રમતા હોય તેમ મેચ ઓફિસિઅલ્સ પર ધોંસ જમાવતા જોવા મળી રહ્યા છે. કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ રાજસ્થાન સામેની મેચમાં તેના નવા જ સ્વરૃપનો પરચો દેખાડયો હતો. આખરી ઓવરના તનાવ વચ્ચે અમ્પાયરોએ નો-બોલ જાહેર કરવામાં વિવાદ સર્જાયો હતો અને આખરે અમ્પાયરોએ તે નો-બોલનો નિર્ણય પાછો ખેંચતા આઉટ થઈને ડગઆઉટમાં પહોંચેલા ધોનીએ પિત્તો ગુમાવ્યો હતો. બધાના આશ્ચર્ય વચ્ચે ધોની જાણે ગલી ક્રિકેટ ચાલતું હોય તેમ મેદાન પર ધસી ગયો હતો અને અમ્પાયરોની સાથે ઉગ્ર શબ્દોમાં ઝઘડતો હોય તેવા વરવાં દ્રશ્યો સર્જાયા હતા.

અમ્પાયરોના છબરડાથી રોષે ભરાયેલા ચેન્નાઈના કેપ્ટન ધોનીએ નીતિ-નિયમોને નેવે મૂકીને મેદાન પર ધસી જવાની અને અમ્પાયરો સાથે ઝઘડવાની જે ગેરશિસ્ત દેખાડી તેની ઉગ્ર ટીકા ક્રિકેટ જગતમાં થઈ રહી છે. આઉટ થયેલો બેટ્સમેન કે કેપ્ટન કોઈ વિવાદ થાય એટલે ચાલુ મેચમાં મેદાન પર ધસી ગયો હોય તેવી ઘટના પહેલી વખત જોવા મળી હતી. આટલી ગંભીર ગેરશિસ્ત છતાં આઇપીએલે ધોનીને માત્ર ૫૦ ટકા મેચ ફીનો દંડ ફટકારીને છોડી મૂકતાં ભારે આશ્ચર્ય ફેલાયું હતુ.

અમ્પાયરોનો વધુ એક છબરડો : એક અમ્પાયરે નો-બોલ આપ્યો, બીજાએ નકાર્યો 

આઇપીએલની ૧૨મી સિઝનમાં નિમ્ન સ્તરના અમ્યારિંગને કારણે જયપુરમાં ગઈકાલે રાત્રે પુરી થયેલી ચેન્નાઈ-રાજસ્થાનની મેચમાં ઉગ્ર વિવાદ સર્જાયો હતો. સ્ટોક્સે મેચની આખરી ઓવર નાંખી હતી, જેમાં ત્રીજા બોલ પર ધોની ક્લિન બોલ્ડ થઈને પેવેલિયનમાં પાછો ફર્યો હતો અને સાન્ટનેર બેટીંગમાં જોડાયો હતો અને સામેના છેડે જાડેજા હતો. ચેન્નાઈને જીતવા ૩ બોલ પર ૮ રનની જરુર હતી. ત્યારે સ્ટોક્સે નાંખેલા ચોથા બોલને અમ્પાયર ઉલ્હાસ ગાન્ધેએ નો-બોલ જાહેર કર્યો હતો. તેમને લાગ્યું કે, બોલ બેટ્સમેનના કમરના ભાગથી ઉપર ફૂલટોસ હોવાથી તે નોબોલ છે. જોકે, સ્ક્વેર લેગ અમ્પાયર બૂ્રસ ઓક્સનફોર્ડે તે બોલ નો-બોલ ન હોવાનો નિર્ણય આપ્યો હતો. ક્રિકેટના નિયમ પ્રમાણે આ પ્રકારના નો-બોલના મામલે સ્ક્વેર લેગ અમ્પાયરનો નિર્ણય આખરી ગણાય છે અને અમ્પાયર ઉલ્હાસે નો-બોલનો નિર્ણય પાછો ખેંચતા ધોનીએ પિત્તો ગુમાવ્યો હતો અને તે મેદાન પર ધસી ગયો હતો. 

ધોની તો નો-બોલ અંગે સ્પષ્ટતા કરવા મેદાન પર ગયો હતો : ફ્લેમિંગ

ચેન્નાઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે ટીમના કેપ્ટન ધોનીની ગેરશિસ્તનો બચાવ કરતાં કહ્યું હતુ કે, તેઓ નો-બોલ અંગે અમ્પાયરના દ્વિધાભરેલા નિર્ણયો બાદ માત્ર સ્પષ્ટતા કરવા જ મેદાન પર ગયો હતો. નોબોલના નિર્ણય અંગે જે પ્રકારનો ડ્રામા સર્જાયો તેના કારણે તે ગુસ્સે થઈ ગયો. તેને એ ખબર નહતી શા માટે નો-બોલ નો નિર્ણય પાછો ખેંચાયો હતો. તેના મનમાં એ બાબત સ્પષ્ટ ન હોવાથી તે અમ્પાયરની પાસેથી આ અંગે ખુલાસો મેળવવા મેદાન પર ગયો હતો. જોકે ફ્લેમિંગે કહ્યું કે, આ અસામાન્ય ઘટના કહેવાય કારણ કે ધોની સમાન્ય રીતે ખુબ જ ગણતરીથી ચાલતો હોય છે. મને લાગે છે કે, આ ઘટના અંગે લાંબા સમય સુધી તેને સવાલ પુછાતા રહેશે.

ભૂતપૂર્વ ક્રિકેટરોએ ધોનીની ઝાટકણી કાઢી

‘હું ધોનીનો પ્રસંશક રહ્યો છું, પણ આ પ્રકારે મેદાનમાં પાછા જઈને તેણે ખરેખર ગેરશિસ્ત કરી છે. આટલી ગંભીર ગેરશિસ્ત છતાં સાવ સામાન્ય સજા મેળવીને છુટી જવા બદલ તે ભાગ્યશાળી રહ્યો કહેવાય.’ – સંજય માંજરેકર

‘વર્તમાન આઇપીએલમાં અમ્પાયરિંગનું સ્તર અત્યંત નિમ્ન સ્તરનું રહ્યું છે. પહેલા નો-બોલ અપાયો અને પછી તે નિર્ણય પાછો ખેંચાયો. આ નિર્ણયને કારણે નારાજ થવું સ્વાભાવિક છે, પણ હરિફ ટીમનો કેપ્ટનને આઉટ થયા બાદ આ પ્રકારે મેદાનમાં ધસી જવાનો કોઈ અધિકાર નથી. ધોનીએ આજે અયોગ્ય ઉદાહરણ રજુ કર્યું છે.’ – આકાશ ચોપરા

‘આજની મેચ તરફ નજર કરું છું, તો મને મેદાનમાં ધસી આવેલો ધોની દેખાય છે. માઈકલ વૉને યોગ્ય જ કહ્યું કે, ધોનીને એ બાબતનો અહેસાસ થવો જ જોઈએ કે, તેણે આ ન કરવા જેવું કામ કર્યું છે. ‘ – હર્ષા ભોગલે

‘ ક્રિકેટની રમત માટે જયપુરની મેચમાં સર્જાયેલા દ્રશ્યો ખરેખર સારા નહતા. ડગઆઉટમાંથી કોઈ કેપ્ટનને આ પ્રકારે મેદાન પર ધસી જવાનો અધિકાર નથી. ‘ – માઈકલ વૉન

‘મીડિયાએ જે પ્રકારે ધોનીની વર્તણૂંકને અમ્પાયર સામેના અપરિપક્વ વિરોધ તરીકે દર્શાવ્યો છે, તેનાથી હું આઘાત અનુભવુ છું. શું ભૂલો કરતાં સુપરસ્ટાર ક્રિકેટરોથી સ્પોર્ટસના નિષ્ણાતો એટલા ગભરાય છે કે, તેમનો પ્રમાણિત મત પણ વ્યક્ત કરી શકતાં નથી તે અંગે ભારે આશ્ચર્ય થયું. શા માટે ડરપોક સત્તાધીશોએ પણ ધોનીને માત્ર ૫૦ ટકા મેચ ફી જેવી સાવ નાના બાળકને સમજાવતા હોય તેવી સજા કરી !’ 

Read Also

Related posts

વિમા ધારકોને મળશે આ એક મોટો ફાયદો, ઈરડાએ આપી દીધા આ આઝાદી

NIsha Patel

JioPhone યુઝર્સને લાગશે મોટો ઝટકો, કંપનીએ સૌથી સસ્તો પ્લાન કર્યો દૂર

Dharika Jansari

મંદી બાદ મોંઘવારી બનશે મોદી સરકારનો માથાનો દુખાવો, બદલાઈ રહ્યાં છે દેશમાં સમીકરણો

Karan
Do NOT follow this link or you will be banned from the site!