GSTV

ગુજરાત રાજ્યની સ્થાપનામાં ‘ગુજરાત સમાચાર’નો આ રહ્યો મહત્ત્વનો ફાળો, મહાગુજરાતના પાયાના પથ્થર ઈન્દુચાચા

Last Updated on February 22, 2019 by

૧૯૬૦ની ૧લી મેના દિવસે ગુજરાત રાજ્ય અલગ બન્યું એ પહેલા મુંબઈ રાજ્યનો ભાગ હતું. ગુજરાતને અલગ રાજ્ય તરીકે માન્યતા મળી ન હતી. એ વખતે ગુજરાતી પ્રજા અલગ રાજ્યની માંગ કરી રહી હતી.

એ ચળવળ ઈતિહાસમાં ‘મહાગુજરાત આંદોલન’ના નામે ઓળખાય છે. રસપ્રદ રીતે અગ્રણી ગુજરાતી અખબાર ગુજરાત સમાચારનો આઝાદીની લડતની દરેક ચળવળની માફક એ ચળવળમાં પણ મહત્ત્વનો રોલ રહ્યો છે.

ભારતને આઝાદી મળ્યા પછી રાજ્યોની પુન:રચના માટે પંચ નિમવામાં આવ્યુ હતુ. તત્કાલીન વડા પ્રધાન નહેરુએ પણ નવેમ્બર ૧૯૪૭માં ભાષાવાર અલગ અલગ પ્રાન્ત રચવાની વાત સ્વીકારી હતી. દેશના વિવિધ ભાગોમાં જે ભાષા બોલાય એવુ રાજ્ય બને એ સાદો સિદ્ધાંત હતો. ગાંધીજી અને સરદાર પટેલ પણ અગાઉ ભાષાવાર રાજ્યની વાતને સમર્થન આપી ચૂક્યા હતા. 

ત્યારે મહારાષ્ટ્ર કે ગુજરાતને બદલે મુંબઈ પ્રાંત હતો કેમ કે અંગ્રેજએ વહિવટી સરળતા ખાતર કદાવર પ્રાંત બનાવી રાખ્યો હતો. પરંતુ એ પ્રાંતમાં મુખ્યત્વે ગુજરાતી અને મરાઠી ભાષા બોલાતી હતી. બન્ને ભાષાના લોકોએ પોતાના અલગ રાજ્યની માંગ બુલંદ કરી હતી. તેના ભાગરૃપે જ ડિસેમ્બર ૧૯૫૬માં અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ‘જનતા પરિષદ’ની રચના કરવામાં આવી હતી.

સરકારે ખાતરી આપ્યા પછી અલગ રાજ્ય બનાવાની વાત આવી ત્યારે દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના કરવા હિલચાલ આદરી હતી. ૬ઠ્ઠી ઓગસ્ટે સરકારે અલગ રાજ્યને બદલે બૃહદ મુંબઈ રાજ્યની સ્થાપનાનો નિર્ણય જાહેર કર્યો, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થઈ જતો હતો. એ વાત પ્રજાએ જાણી ત્યારે લોકો રસ્તા પર ઉતર્યા અને સરકારના નિર્ણયનો વિરોધ કરવા લાગ્યા.

કેન્દ્રમાં બેઠક મળતી હતી એમાં પણ ગુજરાતી નેતા મોરારજી દેસાઈ ગુજરાત વતી નિર્ણય કરશે એવી પ્રજાએ આશા રાખી હતી. હકીકતમાં મોરારજી ભાઈ અલગ રાજ્યને બદલે એક મુંબઈ રાજ્યના તરફદાર હતા. એ બધી વાતો ફેલાયા પછી સરકાર અને પ્રજા વચ્ચે સંઘર્ષ વધ્યો હતો.  આંદોલન હિંસક બન્યું એમાં ખાસ તો પોલીસનું બરહેમીપૂર્વકનું વર્તન જવાબદાર હતું.

અનેક લોકો બૃહદ અને સંયુક્ત રાજ્ય રચનાનો શાંતિથી વિરોધ કરતા હતા. પણ ટોળાથી સત્તાધિશો ડરતા હતા. દસમી ઑગસ્ટે અમદાવાદમાં ગોળીબાર થયો, ઠેર ઠેર કરફ્યુ જાહેર કરવામાં આવ્યો, ૫૦૦થી વધુની ધરપકડ થઈ. શહેરની મોટા ભાગની મિલો બંધ રહી. એ વખતે ઈન્દુલાલ નેનપુરમાં હતા. બીજા નેતાઓ અમદાવાદમાં રહી લડત ચલાવી રહ્યા હતા.

બીજા દિવસે (૧૧મી ઑગસ્ટે) સવારે ઈન્દુલાલે ‘ગુજરાત સમાચાર’ હાથમાં લીધું. અમદાવાદમાં ચાલી રહેલા હિંસાના તાંડવ અને સરકારના અત્યાચાર અંગે તેઓ સાવ અજાણ હતા. ગુજરાત સમાચારમાં વાંચ્યુ કે પોલીસે નિર્દોષ લોકો પર ગોળીબાર કર્યો છે અને વિદ્યાર્થીઓને પણ મારી નાખ્યા છે. એ પછી એ પછી તુરંત તેઓ અમદાવાદ આવવા રવાના થયા હતા.

આંદોલન માટે ત્યાં સુધી શાંત રહેલા ઈન્દુચાચાએ ગુજરાત સમાચાર વાંચ્યા પછી નક્કી કર્યું હતુ કે હવે તો ગુજરાત રાજ્ય અલગ મળવું જ જોઈએ. જો તેમણે એ દિવસે ગુજરાત સમાચાર વાંચ્યુ ન હોત તો આંદોલનને કદાચ વધુ હિંસક સ્વરૃપ મળ્યુ હોત અને સરકાર છેવટે પોતાનું ધાર્યું (એટલે કે એકલા મુંબઈ રાજ્યની સ્થાપના) કરીને રહેત.

આંદોલન હિંસક સ્વરૃપ ધારણ કરીને ઉદ્દશથી અલગ દિશામાં ફંટાઈ ન જાય એ જોવાનું કામ ઈન્દુલાલ અને તેમના સાથીદારોએ કર્યું હતુ. એ પછી થોડો સમય આંદોલન ચાલ્યુ, છેવટે કેન્દ્ર સરકારે ઝૂકવાની તૈયારી દર્શાવી એટલે ૧૯૬૦ની ૧લી મેના દિવસે ગુજરાતનો અલગ રાજ્ય તરીકે જન્મ થયો.

ગુજરાત સમાચારના પત્રકારે ગુજરાત માટે કવિતા લખી હતી

ગુજરાત સમાચારમાં વર્ષો સુધી કામ કરી ચૂકેલા પત્રકાર-કવિ વજ્ર માતરીએ આંદોલન વખતે ગુજરાતની સ્થિતિને ધ્યાનમાં રાખીને કવિતા લખી હતી. પંક્તિઓ કંઈક આવી હતી.

ઝિન્દાબાદ-ઝિન્દાબાદ મહાગુજરાત ઝિન્દાબાદ

વીરોના બલિદાનો સોગન, 

વ્રજ સમા આઘાત સહીશું, 

ઉલ્કાપાત કરી જંપીશું,

પલ્ટી દેશું દ્વિભાષીને

મહાગુજરાત કરી જંપીશું, ઝિન્દાબાદ…

Related posts

ત્રિપાંખિયો જંગ/ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીનો પૂરજોશમાં પ્રચાર, શિવસેનાએ જાહેર કર્યો ઢંઢેરો

Bansari

હવે બસ કરો સરકાર/ સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલમાં 35 પૈસાનો વધારો, ગુજરાતમાં સૌથી વધું આ જિલ્લાના લોકોને આપવા પડશે વધારે રૂપિયા

Pravin Makwana

રાષ્ટ્રીયકૃત બેન્કોનો ઢંગધડા વિનાનો વહીવટ/ NPA ઘટાડવા 4 વર્ષમાં નફામાંથી રૂા.6.19 લાખ કરોડની જોગવાઈ કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!