GSTV

કોરોનામાં ઓક્સિજન માટે દર્દીઓ તડપી રહ્યા છે ત્યારે વિકાસના નામે વિનાશ, વડોદરા જિલ્લામાં રસ્તા પહોળા કરવા માટે ૩૦૬૨થી વધુ વૃક્ષો કપાશે

Last Updated on May 21, 2021 by Pravin Makwana

કોરોનાની મહામારી વચ્ચે ઓક્સિજનની અછત સર્જાતા દર્દીઓ ઓક્સિજન માટે તડપી રહ્યા છે ત્યારે જે ૩૬૫ દિવસ વિનામૂલ્યે ઓક્સિજન આપી રહ્યા છે તે ઘટાદાર વૃક્ષોનુ વિકાસના નામે નિકંદન કઢાશે. વડોદરા જિલ્લામાં ડભોઈથી પુનિયાદ અને સેગવા ગામ સુધી તેમજ વાઘોડિયાથી વ્યારા સુધીનો રસ્તો પહોળો બનાવવા માટે ૩ હજારથી વધુ વૃક્ષો કાપી નાંખવામાં આવશે.

વન વિભાગના અધિકારીએ કહ્યું કે રોડ પહોળા કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગની છે તેમના દ્વારા અમને રોડ પરના વૃક્ષો દૂર કરી રસ્તો ખુલ્લો કરી દેવા જણાવવામાં આવ્યુ ંછે. તે અનુસંધાને અમે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ડભોઈથી પુનિયાદ, સેગવા સુધીના માર્ગ પર ૨૯૯૫ વૃક્ષો, વાઘોડિયા તાલુકાના વ્યારાના એપ્રોચ રોડ પર ૬૭ વૃક્ષો મળીને કુલ ૩૦૬૨ તોતિંગ વૃક્ષો આવેલા છે. લીમડો, પીપળો, વડ જેવા ૧૦થી ૬૦ વર્ષ જૂના દેશી વૃક્ષો આવેલા છે જેને રસ્તો પહોળો કરવા માટે કાપી નાખવામાં આવશે. આ વૃક્ષો કાપીને તેના વેચાણ માટેની જાહેર હરાજી રાખવામાં આવી છે.

જો કે જેટલા વૃક્ષો કાપવામાં આવે તેની સામે તેનાથી બમણા વૃક્ષો ઉગાડવાનો કાગળ પર નિયમ હોવાનું કહેવાય છે,  પરંતુ હકીકત એ છે કે કપાયા બાદ તેટલા વૃક્ષો પણ ઉગાડવામાં આવતા નથી. જો કે આ અંગે સામાજિક વનીકરણ વિભાગ વડોદરાના નાયબ વન સંરક્ષક કે.જે.મહારાજાને ફોન પર પૂછતા તેમણે જણાવ્યું કે કેટલા વૃક્ષો કપાશે તેની સંખ્યા મને યાદ નથી ઓફિસે આવીને મળજો.

વૃક્ષો કાપવા માટે ઈ-ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ, વડોદરા દ્વારા જાહેર નિવિદા બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે ડભોઈ અને વાઘોડિયાના કાર્ય વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા દ્વારા ડભોઈથી પુનિયાદ અને વાઘોડિયા તાલુકાના વ્યારા એપ્રોચ રોડની પહોળાઈમાં વધારો કરવા માટે માર્ગમાં આવતા વૃક્ષો કાપવા માટે તેમજ કાપેલા વૃક્ષોના વેચાણ માટે જાહેર હરાજી રાખવામાં આવી છે, જે અંગે ઈ-ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ છે. 

વાવાઝોડામાં હજારો વૃક્ષો ગુમાવી ચૂક્યા છે, હવે વધુ વૃક્ષો ન કાપવા જોઈએ

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત એવું રાજ્ય છે કે જે વિકાસના નામે લીલો વિસ્તાર ઓછો કરી રહ્યું છે. તાજેતરમાં જ આવેલા વાવાઝોડામાં આપણે ૫૦૦ જેટલો વૃક્ષો ગુમાવી ચૂક્યા છે જ્યારે હવે જો અહીં ત્રણ હજારથી વધુ વૃક્ષો કપાશે તો ખરેખર આ કામગીરી નિંદનીય ગણાશે. જે વૃક્ષો છે તેને બચાવવા જ જોઈએ, સામાન્ય રીતે સરકાર જૂના વૃક્ષો ઉખેડીને અન્ય સ્થળ પર લગાવતી હોય છે પરંતુ આમ કરવાથી વૃક્ષ થોડા સમયમાં જ નબળુ પડીને સૂકાઈ જાય છે અથવા તો ટૌટે જેવા વાવાઝોડામાં તે જમીનદોસ્ત થઈ જાય છે, તેમ પર્યાવરણવિદ લોકવિજ્ઞાાન કેન્દ્રના નિયામક ડો.જિતેન્દ્ર ગવલીનું કહેવું છે.

એક વ્યક્તિની ઓક્સિજનની રોજિંદી જરુરિયાત ૭થી ૮ વૃક્ષો પૂરી પાડે છે

 એક વ્યક્તિની ઓક્સિજનની રોજિંદી જરુરિયાત પૂરી કરવા માટે ૭થી ૮ વૃક્ષની જરુર પડે છે પણ વિકાસના નામે આ વૃક્ષોનું જ નિકંદન કઢાઈ રહ્યું છેે. મનુષ્યની ઓક્સિજનની રોજિંદી જરુરીયાત ૫૫૦ લીટર જેટલી હોય છે જ્યારે સરેરાશ એક વ્યક્તિ રોજનો ૧થી ૧.૪ લીટર કાર્બન ડાયોક્સાઈડ શ્વાસ મારફત બહાર કાઢે છે, તેમ સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ડો.અમરીશ પંડયાનું કહેવું છે.

વધુમાં તેઓએ કહ્યું કે શહેરની ૨૨ લાખની વસ્તી પ્રમાણે રોજ લોકો વાતાવરણમાંથી ૧૨ લાખ ૧૦ હજાર મેટ્રિક ટન જેટલો ઓક્સિજન લઈને વાપરે છે જ્યારે અત્યારે કોરોનાની મહામારીમાં ૧૮૦ મેટ્રિક ટન ઓક્સિજન દર્દીઓને સપ્લાય કરવામાં ફાંફા પડી રહ્યા છે. કુદરત આપણને આ ઓક્સિજન મફત આપેે છે.

ઉલ્લેખનીય છે કે પૃથ્વી ૭૧ ટકા પાણીથી ઘેરાયેલી છે. દરિયામાં ઉગતી વનસ્પતિ, લીલ અને શેવાળ ૬૦થી ૭૦ જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરે છે બાકીનો ૩૦થી ૪૦ ટકા ઓક્સિજન વૃક્ષો પૂરો પાડે છે. જે પ્રકાશસંશ્લેષણ (ફોટોસિન્થેસિસ)ની મદદથી પોતાનો ખોરાક બનાવીને ઓક્સિજન હવામાં મુક્ત કરે છે. પણ કમનસીબી એ છે કે મનુષ્યો કોંક્રિટના જંગલો ઊભા કરવાની લાલસામાં વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યુ અને હવે દરિયાને પ્રદૂષિત કરી રહ્યા છે.

પ્રતિકાત્મક તસ્વીર

વૃક્ષો નહીં ઉછેરો તો ભવિષ્યમાં બાળકોએ સ્કૂલબેગની જગ્યાએ ઓક્સિજનના બોટલ લઈને ફરવું પડશે

થોડા દિવસ પહેલા જ સુરતનો ૪ વર્ષનો દિવ્યાંશ દૂધવાલા પીઠ પાછળ પારદર્શક બોટલ અને તેની અંદર વૃક્ષ ઉગાડેલુ લઈને ફરતો હતો અને નાક પર ઓક્સિજનનું માસ્ક પહેરેલું હતુ. તેને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને સંદેશો આપ્યો કે જો વૃક્ષોનું જતન નહીં કરીશુ તો ભવિષ્યમાં બાળકોએ સ્કૂલબેગની જગ્યાએ આવા ઉપકરણો લઈને ફરવું પડશે.

એક એકરમાં પથરાયેલું જંગલ ચાર ટન ઓક્સિજન આપવા સક્ષમ છે

એમ.એસ.યુનિ.ના બોટની વિભાગના વિદ્યાર્થી તેમજ બોટની ફેસ્ટ ફાઉન્ડેશનના ડિરેક્ટર ક્રિષ્ણાસિંહ રાજપૂતે કહ્યું કે અમેરિકાના એગ્રિકલ્ચર વિભાગના સંશોધન પ્રમાણે એક એકરમાં પથરાયેલું વૃક્ષોચ્છાદિત જંગલ ૬ ટન જેટલો કાર્બનડાયોક્સાઈડ હવામાંથી ખેંચે છે તેમજ ચાર ટન જેટલો ઓક્સિજન બહાર છોડે છે. જે ૧૮ લોકાની વર્ષ દરમિયાનની ઓક્સિજનની જરુરિયાત મફત પુરી પાડે છે.

READ ALSO

Related posts

ડ્રગ્સનું લાગ્યું એવું વળગણ કે અંડર 19 ક્રિકેટના સ્ટાર ખેલાડીને ઘર છોડવાનો વારો આવ્યો, જાણો શું છે રાજકોટનો આ ચોંકાવનારો કિસ્સો?

Pritesh Mehta

વાઇરલ વિડીયો / વિશાળ અજગરને ગળામાં લપેટીને કેમેરા પર મસ્તી કરતી જોવા મળી એક મહિલા, લોકોએ કહ્યું – She is Crazy

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / આ ફૂડ કોમ્બિનેશન બની શકે છે તમારા શરીર માટે જીવલેણ, ભૂલથી પણ ના કરતા ટ્રાય નહીંતર…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!