GSTV

બાપ રે! / એક તરફ બાળકને દત્તક લેવા બે વર્ષનું વેઇટિંગ, બીજી બાજુ ગુજરાતમાં દર વર્ષે 100થી વધુ બાળકો ત્યજી દેવાય છે અનાથાશ્રમમાં

orphan-child-in-gujarat

Last Updated on October 12, 2021 by Dhruv Brahmbhatt

એક તરફ અનેક એવા દંપતિ એવા હોય છે જેમણે અદ્યતન તબીબી સારવારથી માંડીને બાધા-આખડી માની હોવા છતાં ખોળાને ખુંદનારનું સુખ પ્રાપ્ત કરી શકતા નથી. બીજી તરફ ગાંધીનગરના ૧૦ માસના ‘સ્મિત જેવા બાળકો પણ હોય છે, જેઓની હજુ વાચા પણ ફૂટી નથી હોતી ત્યાં તેનો જ પિતા એક પળ પણ વિચાર કર્યા વિના ગૌશાળા પાસે મૂકીને જતો રહે છે. નાનકડા ‘સ્મિત’ ની માસૂમિયત અને સામે તેના પિતાની હેવાનિયતે ચર્ચા જગાવી છે. જોકે, ગુજરાતમાં બાળકને ત્યજી દેવાના કિસ્સા અવાર-નવાર બનતા રહે છે. રાજ્યમાંથી દર વર્ષે ૧૦૦થી વધુ એવા બાળકો છે જેમને ત્યજીને અનાથાશ્રમમાં મૂકવામાં આવે છે. બીજી તરફ બાળકને દત્તક લેવા માગતા દંપતિ માટે દોઢથી બે વર્ષનું વેઇટિંગ હોય છે.

orphan children

ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેરમાં અમદાવાદના એક અનાથાશ્રમમાં બે સપ્તાહમાં પાંચ બાળકોને ત્યજી દેવાયા હતાં

અનાથાશ્રમ કે રસ્તા વચ્ચે ત્યજી દેવામાં આવેલા આ એવાં નવજાત શિશુઓ છે જેમણે પોતાની નાનકડી આંખો પૂરી રીતે ખોલી પણ નથી. પરંતુ સામાજીક-આર્થિક કે અન્ય કારણસર આ બાળકને તેના માતા-પિતા દ્વારા ત્યજી દેવામાં આવે છે. કોરોના વાયરસને પગલે બે ટંક ખાવાના સાંસા પણ પડવા લાગતાં બાળકોને અનાથાશ્રમમાં મૂકવાના પ્રમાણમાં ચિંતાજનક વધારો નોંધાયો હતો. ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેર વખતે અમદાવાદના એક અનાથાશ્રમમાં બે સપ્તાહમાં જ પાંચ બાળકોને ત્યજી દેવામાં આવ્યા હતાં.

આ અંગે અમદાવાદના એક અનાથાશ્રમના સંચાલકે જણાવ્યું કે, ‘સિંગલ પેરેન્ટ હોય, લીવ ઈનમાં રહેતા હોય કે અફેરથી બાળકનો જન્મ થયો હોય, અગાઉ બાળકી હોય અને ફરી બાળકી જન્મે, આર્થિક સ્થિતિ અત્યંત કથળેલી હોય તેવા કિસ્સામાં બાળકને તેના માતા-પિતા કે સંબંધી દ્વારા અનાથાશ્રમ-મંદિર-બસ સ્ટેશન-રેલવે સ્ટેશન પાસે ત્યજી દેવામાં આવતા હોય છે. અમદાવાદના અનાથાશ્રમોમાં નવજાતથી માંડીને ૬ વર્ષ સુધીની ઉંમરના હોય તેવા ૪૦થી વધુ બાળકો હાલમાં છે.’  ગુજરાતમાં દર વર્ષે સરેરાશ આ પ્રકારના ૧૦૦થી વધુ બાળકો હોય છે જેમને ત્યજી દેવાય છે. બાળકને જ્યાં પણ ત્યજવામાં આવે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ છેવટે તેમને અનાથાશ્રમમાં જ લાવવામાં આવે છે અને જ્યાં તેમનું ભરણપોષણ કરવામાં આવે છે.

orphan children in india

પારણામાં દર વર્ષે પાંચથી ૬થી વધુ બાળકોને ત્યજવામાં આવતા હોય છે

 મહિપત રૃપરામ આશ્રમના વલ્લભભાઇ વાઢેલે જણાવ્યું કે, ‘અનાથાશ્રમની બહાર નિયમોઅનુસાર પારણું રાખવામાં આવતું હોય છે. આ પારણામાં દર વર્ષે પાંચથી ૬થી વધુ બાળકોને ત્યજવામાં આવતા હોય છે. હાલમાં અમારા અનાથાશ્રમમાં ૧૫થી વધુ બાળકો છે. ‘ બીજી તરફ પાલડીમાં આવેલા શિશુગૃહના સુપ્રિટેન્ડેન્ટ રિતેશ દવેએ જણાવ્યું કે, ‘તાજેતરમાં પેથાપુર ગૌશાળા ખાતે ૧૦ માસના બાળકને તેના પિતા દ્વારા ત્યજવામાં આવ્યો હતો. સદ્નસિબે આ બાળક સારી વ્યક્તિના ધ્યાનમાં આવ્યું. પરંતુ વેરાન સ્થળે ત્યજવામાં આવત તો તેને હિંસક પ્રાણીઓથી જે જોખમ હોત તે વિચારથી પણ હચમચી જાય છે. કોઇ મજબૂરીવશ બાળકને ત્યજવું જ પડે તેમ હોય તો પ્રત્યેક અનાથાશ્રમની બહાર પારણું હોય છે ‘

દત્તક લેવામાં છોકરા કરતાં છોકરીઓનું પ્રમાણ વધારે હોય છે. ગત વર્ષે ૪૮ છોકરા સામે ૫૯ છોકરીઓને દત્તક અપાઇ હતી. આ અંગે જાણકારોનું માનવું છે કે, ‘દત્તક લેવા ઈચ્છતા મોટાભાગના દંપતિનું પ્રથમ પ્રાધાન્ય છોકરી હોય છે. તેમનું માનવું હોય છે કે છોકરા કરતાં છોકરીઓ વધારે લાગણીશીલ હોય છે અને વૃદ્ધાવસ્થામાં તેમની વધારે સારી રીતે કાળજી લઇ શકશે.’

કોરોનાથી ૭૭૦થી વધુ બાળકો અનાથ થયા હતાં

કોરોના મહામારીને પગલે ગુજરાતમાં ૭૭૬ બાળકોએ તેમના માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. જેમાં રાજકોટમાંથી સૌથી વધુ ૫૮, અમદાવાદ-ભાવનગરમાંથી ૪૨, આણંદમાંથી ૩૯, ખેડા-સાબરકાંઠામાંથી ૩૬, વડોદરામાંથી ૩૨, કચ્છમાંથી ૩૧, નવસારી-પંચમહાલમાંથી ૩૦ એવા બાળકો જેઓ કોરોનાને લીધે માતા-પિતા બંનેને ગુમાવી અનાથ થયા છે. માતા-પિતાને ગુમાવ્યા બાદ આ પૈકીના મોટાભાગના બાળકો સ્વજનો પાસે છે. આ બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે. જેના ભાગરૃપે આ બાળક ૧૮ વર્ષનું ન થાય ત્યાં સુધી તેમને દર મહિને રૃપિયા ૪ હજારની સહાય આપવામાં આવશે.

READ ALSO :

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!