GSTV

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, પારડી-ખેરગામમાં 8.5, વાપી-કપરાડા-પલસાણામાં 7.5 ઇંચ

Last Updated on June 30, 2019 by Mansi Patel

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઇ છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદથી ખેતરો પાણીથી તરબોળ થયા હતા. સાથોસાથ તોફાની પવનને કારણે વૃક્ષો, લાઇટપોલ ધરાશયી થવા સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવનને અસર થઇ હતી.જિલ્લાના વિવિધ તાલુકામાં બે ઇંચથી ૮.૫ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. નવસારીની અંબિકા નદીમાં પૂરની સંભાવનાને પગલે કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. ડાંગના વઘઇમાં આઠ કલાકમાં ૭ ઇંચ વરસાદ ખાબકયો હતો.

સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ જિલ્લામાં સાંબેલાધાર વરસાદને કારણે ખેતરો પાણીથી તરબોળ થતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી.ચેકડેમોમાં પાણીની આવક શરૂ થઇ છે. વલસાડ જિલ્લામાં સરેરાશ ૬.૪ ઇંચ વરસાદથી જળબંબોળની સ્થિતિ જોવા મળી હતી. નવનિર્મિત વલસાડ રેલવે સ્ટેશન ઉપર પણ પાણી ભરાઇ ગયા હતા. ભિલાડમાં ૨૦થી વધુ લાઇટપોલ તૂટી પડયા હતા. અને મકાનોના પતરા ઉડી ગયા હતા. વિજળી ડૂલ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. 

નવસારીમાં ધોધમાર ૫.૭ ઇંચ વરસાદથી અંબિકા નદીમાં પૂરની સંભાવનાને પગલે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. મેઘમહેરથી ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાયા છે. તો બીજી તરફ નીચા વિસ્તારમાં અને રોડ ઉપર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી. સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ૭ ઇંચ વરસાદ વરસતા મુખ્યમાર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મધુબન ડેમની સપાટી ૨૪ કલાકમાં ૧.૪ મીટર વધીને ૬૪.૬૫ મીટર પર પહોંચી હતી.

ડાંગના વઘઇમાં આઠ કલાકમાં ૭.૨ ઇંચ વરસાદ ખાબકતા નદીઓમાં નવા નીર આવ્યા છે. અંબિકા, ખાપરી, પુર્ણા નદીઓ સજીવન થઇ ખળખળ વહેતી થઇ છે. વરસાદી ખેતી પર નભતા વનવાસી ખેડૂતોમાં ખુશાલી છવાઇ છે.  જ્યારે તાપી જિલ્લામાં સરેરાશ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.

સુરત જિલ્લામાં સરેરાશ ૩ ઇંચ વરસામાં સૌથી વધુ પલસાણામાં ૭.૫ ઇંચ અને મહુવમાં ૬ ઇંચ વરસાદ વરસ્યો હતો. એકમાત્ર ઓલપાડ તાલુકામાં ઝરમર ૧૦ મી.મી વરસાદ સિવાય તમામ તાલુકામાં મેઘમહેર થઇ હતી. જ્યારે સુરત સિટીમાં ૨.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ૧૦થી વધુ વૃક્ષો ધરાશયી થઇ ગયા હતા. 

તિથલ રોડ પર મકાનનો સ્લેબ તૂટયો 

વલસાડમાં રાત્રે ૧૦થી ૧૨ના બે કલાકમાં કડાકા ભડાકા સાથે પડેલા અઢી ઇંચ વરસાદને લઇ તિથલ રોડ પર હાઉસિંગ બોર્ડની બહારના પ્રગતિ પ્રોવિઝન સ્ટોર્સના બિલ્ડીંગની ઉપરનો સ્લેબ ધડાકાભેર નીચે પડયો હતો. જોકે, આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી ન હતી. ચોમાસા પહેલા પાલિકાએ આવી જર્જરિત ઇમારતોને નોટિસ આપી પોતાના હાથ ઉંચા કર્યા હતા, પરંતુ ખરેખર જોખમી બિલ્ડીંગોના મરામત પાછળ ધ્યાન અપાયું જ ન હોવાનું જોવા મળ્યું હતુ.

વૃક્ષો પડયા, ધરમપુર સ્કૂલની દિવાલ તૂટી

રાત્રી દરમિયાન આવેલા ધોધમાર વરસાદને લઇ ધરમપુરના બિલપુડી ગામે આવેલી કેન્દ્ર શાળાની ૩૩ મિટર લાંબી દિવાલ ધસી પડી હતી. જોકે, તેમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. આ સિવાય વલસાડના વાંકલ ગામે અને પરિયા ગામે રસ્તા પર વૃક્ષો તુટી પડવાના બનાવો બન્યા હતા. જેમાં પણ કોઇ જાનહાનિ પહોંચી ન હતી.

વલસાડ રેલવે સ્ટેશન પર પાણી ભરાયા 

વલસાડમાં નવ નિર્માણ પામેલા સ્ટેશનની વ્યાપક ચર્ચા ચાલી હતી. જેના ફોટો રેલ મંત્રી પિયુષ ગોયલના ટ્વીટરના બોગસ ટ્વીટર એકાઉન્ટ અને પછી તેમના ખરા ટ્વીટર એકાઉન્ટથી શેર થયા હતા. ઝાકમઝાળવાળા વલસાડ રેલવે સ્ટેશન પર પાણી ભરાતાં કેટલાક લોકોએ પિયુષ ગોયલને સ્ટેશન પર ભરાયેલા પાણી સંદર્ભે અનેક સવાલો પુછ્યા હતા. સ્ટેશનના પ્લેટફોર્મ પર જ નહીં પણ અધિકારીઓની કેબિનમાં પણ પાણીનો ભરાવો થયો હતો. જેને લઇ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે તપાસના આદેશ પણ આપી દીધા.

READ ALSO

Related posts

જાગૃત રહેજો! શહેરીજનો ટ્રાફિકનો ભંગ કરશો તો કોઈ પ્રકારનું બહાનું હવે નહીં ચાલે, ટ્રાફિક પોલીસ મશીન વડે વસુલશે આકરો દંડ!

pratik shah

અન્નોત્સવ દિવસની ઉજવણી / હજુ દિવાળી સુધી ગરીબોને મળશે મફત અનાજ, PM મોદીનો લાભાર્થીઓ સાથે સીધો સંવાદ

Dhruv Brahmbhatt

BIG BREAKING: ભારતીય ઓલિમ્પિક ખેલાડીઓ હશે 15 ઓગસ્ટ પર ખાસ મહેમાન, પીએમ મોદી લાલ કિલ્લા પર આપશે આમંત્રણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!