આ વખતે કેરળમાં ચોમાસુ સામાન્ય કરતાં એક અઠવાડિયું મોડું પહોંચ્યું છે, પરંતુ વરસાદ શરૂ થતાં જ વાતાવરણ ખુશનુમા નમાવી દીધું છે. હવે ચોમાસુ ઝડપથી દેશનાં અન્ય રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમી ચોમાસુ મોડું આવવા છતાં, આગામી 48 કલાકમાં પૂર્વોત્તરનાં રાજ્યોમાં તેની અસર દેખાવા લાગશે. આ રાજ્યોના કેટલાક ભાગોમાં પ્રી-મોનસૂન વરસાદ શરૂ પણ થઈ ગયો છે.

મુંબઈમાં કાલે રાત્રે થયેલ સારા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. આ રાજ્યમાં થોડા જ દિવસોમાં ચોમાસુ પહોંચવાની તૈયારી છે. જોકે ઓડિશામાં ચોમાસુ તેના પૂર્વ નિર્ધારિત સમય કરતાં મોડું પહોંચશે.
કેરળમાં ભારે વરસાદનું એલર્ટ, માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ
કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આવી ગયા બાદ સતત વરસાદ વરસી રહ્યો છે. હવે ભારતીય હવામાન વિભાગે (આઈએમડી) કિનારાના વિસ્તારોમાં ખરાબ હવામાન અને ભારે વરસાદની આશંકાના આધારે 13 જૂન સુધી માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગે બહાર પાડેલ બુલેટિનમાં જણાવ્યું છે કે, હવાના નીચા દબાણના કારણે દક્ષિણ-પૂર્વ અરબ સાગર અને લક્ષદ્વીપ વિસ્તાર અને પૂર્વ-મધ્ય અરબ સાગર પર ચક્રવાત આવી શકે છે. જેના કારણે 12 જૂને ઉત્તર મલપ્પુરમ અને કોઝીકોડમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગયા વર્ષે ચોમાસામાં કેરળમાં 100 વર્ષનું સૌથી મોટું પૂર આવ્યું હતું, જેમાં લગભગ 400 લોકોનાં મૃત્યુ નિપજ્યાં હતાં અને સંપત્તિને ભારે નુકસાન થયું હતું.