GSTV

મોદીએ ખેડૂતો મામલે 2 હાથ જોડ્યા, સરકાર ભરાતાં માથુ નમાવીને કહ્યું ખેડૂતો સાથે વાટાઘાટો માટે તૈયાર

મોદી

Last Updated on December 19, 2020 by Bansari

નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ દિલ્હીમાં થઈ રહેલા ખેડૂતોના દેખાવો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મધ્ય પ્રદેશના ખેડૂતોને સંબોધન કર્યું. આ સમયે તેમણે એકબાજુ ખેડૂતો માટે તેમની સરકારે કરેલા કામો ગણાવતાં પોતાના ઈરાદાઓને ગંગાજળ અને નર્મદાના જળ જેવા પવિત્ર ગણાવ્યા તો બીજીબાજુ આંકડાઓ સાથે વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો.

વડાપ્રધાને સરકારનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે, લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) અને માર્કેટિંગ યાર્ડ (એપીએમસી) ક્યારેય ખતમ નહીં થાય. વડાપ્રધાને ખેડૂતોની દરેક ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરતા કહ્યું કે હજી પણ ખેડૂતોને કોઈ શંકા રહી ગઈ હોય તો તેમની સરકાર માથું નમાવીને, ખેડૂતો સામે હાથ જોડીને દેશ હિતમાં તેમની સાથે દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે.

દેશના ખેડૂતોના હિત અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિક્તાઓમાંથી એક છે. અમે અનેક વિષયો પર દેશના ખેડૂતો સાથે ચર્ચા કરી છે. 25મી ડિસેમ્બરે અમે ફરીથી ખેડૂતો સાથે વિસ્તારથી ચર્ચા કરીશું. વડાપ્રધાને કહ્યું કે ટેક્નોલોજીના કારણે હવે ખેડૂતોને સીધો લાભ મળી રહ્યો છે. પહેલાં ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ નહોતા મળતા. હવે અમે દેશના દરેક ખેડૂતને ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવવા માટે નિયમો બદલ્યા છે. હવે ખેડૂતોને વધુ વ્યાજ પર લોન લેવામાંથી મુક્તિ મળી છે. અમારો આશય હવે દેશમાં મજબૂત સ્ટોરેજ નેટવર્ક ઊભું કરવાનો છે. તેના માટે અમે ઉદ્યોગ જગતને પણ આગળ આવવા કહ્યું છે.

એમએસપી બંધ કરવી હોત તો સ્વામીનાથન રિપોર્ટ લાગુ ન કર્યો હોત

વડાપ્રધાને કહ્યું કે, અમે ખેડૂતોને અન્નની સાથે ઊર્જાદાતા પણ બનાવીશું. આ લોકો માત્ર સત્તા માટે ખેડૂતોનો ઉપયોગ કરે છે. 10 વર્ષથી દેશમાં અનેક સિંચાઈ યોજનાઓ પડી રહી હતી. અમે આ દિશામાં પણ કામ કર્યું છે.

મોદીએ સ્પષ્ટ કર્યું કે એમએસપી બંધ નહીં થાય. આમારે એપીએમસી બંધ કરવી હોત તો અમે સ્વામીનાથન કમિશનનો રિપોર્ટ લાગુ કેમ કર્યો હોત? અમે ખેડૂતોને વિશ્વાસ અપાવવા માગીએ છીએ કે એમએસપી પહેલાંની જેમ જ ચાલુ રહેશે અને તે ક્યારેય બંધ નહીં થાય.

ખેડૂતો માર્કેટ યાર્ડ બહાર પણ પાક વેચી શકે છે

મોદીએ કહ્યું કે, નવા કાયદામાં અમે ખેડૂતોને માત્ર એટલો અધિકાર આપ્યો છે કે તે પોતાનો પાક ક્યાંય પણ જઈને વેચી શકે છે. તેને જ્યાં લાભ મળશે, ખેડૂત ત્યાં જઈને વેચશે. ખેડૂતની ઈચ્છા માર્કેટ યાર્ડમાં પાક વેચવાની હશે તો તે ત્યાં જ વેચશે. દેશના દરેક ખેડૂતોને તેનો લાભ મળવો જોઈએ.

ખેડૂતોને એપીએમસી સાથે બાંધી રાખીને અગાઉની સરકારોએ પાપ કર્યું છે. કાયદો લાગુ થયાને છ મહિના થઈ ગયા છે, પરંતુ દેશમાં કોઈ માર્કેટ યાર્ડ બંધ નથી થયા. હકીકત તો એ છે કે અમે માર્કેટ યાર્ડને આધુનિક બનાવવા માટે રૂ. 500 કરોડથી વધુનો ખર્ચ કરી રહ્યા છીએ. તો એપીએમસી બંધ કરવાની વાત કેવી રીતે આવી?

કેન્દ્રે 112 લાખ મેટ્રિક ટન દાળની ખરીદી એમએસપી પર કરી

વડાપ્રધાને કહ્યું કે, 2014માં દેશમાં દાળનું સંકટ હતું. સરકાર વિદેશમાંથી દાળ મંગાવતી હતી. ઈમર્જન્સી સમયે બહારથી દાળ મંગાવી શકાય છે, પરંતુ હંમેશા શા માટે? સરકારના લોકો ખેડૂતો પાસેથી માત્ર દોઢ લાખ મેટ્રિક ટન દાળ ખરીદતા હતા. અમારી સરકારે દાળની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને 50 હજાર કરોડ રૂપિયા આપ્યા. અમે 112 લાખ ટન દાળની ખરીદી એમએસપી પર કરી છે.

ફાર્મિંગ એગ્રીમેન્ટ અંગે વિપક્ષ જુઠ્ઠાણાં ચલાવે છે

મોદીએ કહ્યું કે ફાર્મિંગ એગ્રીમેન્ટ અંગે દેશમાં સૌથી મોટું જુઠ્ઠાણું ચલાવાઈ રહ્યું છે. દેશમાં વર્ષોથી ફાર્મિંગ એગ્રીમેન્ટ ચાલી રહ્યા છે. પંજાબમાં વધુમાં વધુ કૃષિ ક્ષેત્રમાં રોકાણ થાય, એ અમારા માટે આનંદની વાત છે. અમે નવા ફાર્મિંગ એગ્રીમેન્ટમાં ખેડૂતોને સલામતી આપવા માટે કેટલાક ફેરફાર કર્યા છે. એગ્રીમેન્ટ કરનાર પોતાની જવાબદારીથી ભાગી નથી શકતો.

તેણે ખેડૂતોને આપેલા વચનનું પાલન કરવું પડશે. ફાર્મિંગ એગ્રીમેન્ટમાં માત્ર પાકની સમજૂતી હોય છે. તેમાં જમીનની કોઈ સમજૂતી નથી. વેપારી એગ્રીમેન્ટ ખતમ કરે તો તેણે ખેડૂતોને દંડ પણ આપવો પડશે. પરંતુ ખેડૂત પોતાની મરજીથી એગ્રીમેન્ટ તોડી શકે છે. વડાપ્રધાને ખેડૂતોને સાવધાન કર્યા કે, જે થયું જ નથી તે અંગે જુઠ્ઠાણા ફેલાવાઈ રહ્યા છે. આવા લોકોથી બચો.

સુધારા રાતોરાત નથી થયા, 20-22 વર્ષથી વિચારણા ચાલતી હતી

વડાપ્રધાને કહ્યું કે, ખેડૂતોની જે માગો પર વર્ષોથી વિચારણા ચાલતી હતી તે માગણીઓ તેમની સરકારે પૂરી કરી છે. હવે ભારતના ખેડૂતો પાછળ નહીં રહી શકે. જે કામ 25-30 વર્ષ પહેલાં થવાની જરૂર હતી, તે આજે કરવું પડી રહ્યું છે.

ખેડૂતો માટે જે કાયદા બન્યા છે, તે રાતોરાત આવ્યા નથી. છેલ્લા 20-22 વર્ષથી દેશની દરેક સરકારે તેના પર વ્યાપક ચર્ચા કરી છે. બધા જ સંગઠનોએ વિચારણા કરી છે. દેશના ખેડૂત, વૈજ્ઞાનિક, અર્થશાસ્ત્રી, કૃષિ ક્ષેત્રમાં સુધારાની માગણી કરી રહ્યા છે.

ખેડૂતોએ વિપક્ષને સવાલ પૂછવો જોઈએ કે જે પહેલા પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ વચનો આપતા હતા, મત મેળવતા હતા પરંતુ તેમના વચનો પૂરા કર્યા નહીં. કારણ કે તેમની પ્રાથમિક્તા ખેડૂતો નહોતા. વડાપ્રધાને કહ્યું કે વિપક્ષને એ બાબતથી સમસ્યા છે કે તેમણે આપેલા વચનો મોદીએ કેવી રીતે પૂરા કર્યા. તેઓ મોદીને મળનારી ક્રેડિટથી પરેશાન છે.

દેવા માફી ખેડૂતો સાથે વિપક્ષની છેતરપિંડીનું સૌથી મોટું ઉદાહરણ

મોદીએ કહ્યું કે ખેડૂતો સાથે વિપક્ષની છેતરપિંડીનું સૌથી મોટું ઉદાહરણ મધ્ય પ્રદેશમાં છે. આ લોકોએ ખેડૂતોને દેવામાફીનું વચન આપ્યું હતું. સરકારમાં આવ્યા પછી મધ્ય પ્રદેશમાં અનેક પ્રકારના બનાવા બનાવવામાં આવ્યા. રાજસૃથાનમાં પણ આવું જ કર્યું.

દરેક ચૂંટણી પહેલાં આ લોકો દેવા માફીની વાત કરે છે. પરંતુ ખેડૂતો સુધી ક્યારેય રૂપિયા પહોંચ્યા નથી. આ લોકો માત્ર મોટા ખેડૂતોના દેવા માફ કરે છે. આ લોકોએ 10 વર્ષમાં એક વખત 50 હજારનું દેવું માફ કર્યું. અમારી પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે લગભગ 75 હજાર કરોડ રૂપિયા મળશે.

એટલે કે 10 વર્ષમાં લગભગ સાડા સાત લાખ રૂપિયા. તે પણ સીધા ખાતામાં. કોઈ વચેટીયા અથવા ભ્રષ્ટાચાર નહીં. દેશ હવે આ લોકોને ખૂબ જ સારી રીતે ઓળખી ગયો છે. ખેડૂત સન્માન નિધિ હેઠળ રૂપિયા સીધા જ ખેડૂતોના ખાતામાં જઈ રહ્યા છે. ભ્રષ્ટાચારની જુગલબંદી ખતમ કરવામાં આવતાં બંધ પડેલી ફર્ટિલાઈઝર કંપનીઓ ફરી શરૂ થઈ રહી છે.

યુપીએ-2માં 3.75 લાખ ટન, અમે 56 લાખ ટનની ખરીદી કરી : મોદી

વડાપ્રધાન મોદીએ એમએસપી મુદ્દે વિપક્ષ ખેડૂતોને ગેરમાર્ગે દોરતો હોવાનો આક્ષેપ કરતાં યુપીએ-2 દરમિયાન મળનારી એમએસપી અને તેમની સરકારમાં અપાઈ રહેલી એમએસપી તથા ખરીદીના આંકડા જાહેર કર્યા. મોદીએ કહ્યું, યુપીએ-2ની સરકારના સમયમાં ઘઉં પર એમએસપી પ્રતિ ક્વિન્ટલ રૂ. 1,400 હતી, અમારી સરકાર રૂ. 1,900 આપી રહી છે.

અગાઉ ધાન પર રૂ. 1,310 પ્રતિ ક્વિન્ટલ એમસપી હતી. અમારી સરકાર રૂ. 1,870 આપી રહી છે. મસૂર પર અગાઉ 1,950 રૂપિયાની સામે હાલ પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,100 એમએસપી મળે છે. ચણા પર રૂ. 3,100ની એમએસપી સામે રૂ. 5,100 મળી રહી છે. તુવેર દાળ પર 4,100 રૂપિયા એમએસપી હતી, અમારી સરકાર 6,000 રૂપિયા એમએસપી આપે છે.

આ બાબત સાબિત કરે છે કે અમારી સરકાર એમએસપી વધારવા માટે કેટલી ગંભીર છે. એમએસપી વધારવાની સાથે સરકાર એમએસપી મારફત વધુમાં વધુ ખરીદી પર પણ ભાર આપી રહી છે. અગાઉની સરકારોએ 1700 મેટ્રિક ટન ધાન ખરીદ્યું હતું. અમારી સરકારે 3,000 મેટ્રિક ટન ધાન ખરીદ્યું. યુપીએ-2ની સરકારે એમએસપી મારફત 3.75 લાખ ટન કઠોળ ખરીદ્યું હતું જ્યારે અમારી સરકારે 56 લાખ ટનની ખરીદી કરી છે.

Read Also

Related posts

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

ધર્મગુરુ ઝાકીર નાઈકને પુત્રવધુ જોઈએ છે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને મુકી આવી શરતો

Pravin Makwana

સ્વામીએ મોદી સરકારની વિરુદ્ધમાં જઈ મમતાનો સપોર્ટ કર્યો, કયો કાયદો મમતા બેનરજીને રોમ જતા રોકે છે ?

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!