મોદી સરકારે કોઇ નવી ટ્રેન કે જાહેરાત કરવાનું ટાળ્યું, આ છે મોટું કારણ

મોદી સરકારના વચગાળાના બજેટમાં રેલવે માટે કોઇ મહત્વની જાહેરાત કરાઇ નથી. સરકાર દ્વારા રેલવે માટે કુલ 1.58 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. પિયૂષ ગોયલે રેલવે માટે બજેટની ફાળવણી કરતા કહ્યું કે મોદી સરકારે રેલવેની ખોટને ઘટાડવાનું સૌથી મહત્વનું કામ કર્યું છે. સાથે જ તેમણે માનવરહિત રેલવે ક્રોસિંગ. નવી વંદે માતરમ ટ્રેન તેમજ પૂર્વોતરના રાજ્યમાં રેલવે સેવાઓના વિસ્તારના મુદ્દાઓ અંગે સરકારની ઉપલબ્ધિ ગણાવી.

કેન્દ્ર સરકારના બજેટમાં રેલવેના મુસાફરો માટે શું મહત્વની જાહેરાત કરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર હતી. પરંતુ મોદી સરકારે રેલવે માટે ખાસ કોઇ અગત્યની જાહેરાત કરી નથી. પિયૂષ ગોયલે બજેટ રજૂ કરતી વખતે રેલવે વિભાગની વિવિધ સિદ્ધિઓ ગણાવી હતી.

પિયુષ ગોયલે જણાવ્યું કે વર્ષ 2019-20ના બજેટમાં રેલવેને કુલ 64 હજાર 587 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પરિણામે રેલવે બજેટ વધીને 1.58 લાખ કરોડ રૂપિયા થશે. મહત્વનું છે કે વર્ષ 2018-19માં રેલવેને 1.48 લાખ કરોડની ફાળવણી કરાઇ હતી. જ્યારે કે 2017-18ના બજેટમાં રેલવેને 1.31 લાખ કરોડ ફાળવવામાં આવ્યા હતા.

પિયુષ ગોયલે કહ્યું કે અમારી સરકારે રેલવેની ખોટ ઘટાડવાનું સૌથી મહત્વનું કામ કર્યું છે. સાથે જ 2018નું વર્ષ રેલવે માટે સૌથી સુરક્ષિત વર્ષ રહ્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો. તેમણે કહ્યું કે દેશમાં તમામ બ્રોડગેજ લાઇન પરના માનવરહિત ક્રોસિંગ ખત્મ કરવામાં આવ્યા છે. સાથે જ તેમણે પૂર્વોત્તરના રાજ્યોમાં રેલવેનું વિસ્તરણ તેમજ ભારતની પહેલી સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારતનો પણ ઉલ્લેખ કર્યો.

મહત્વનું છે કે બજેટમાં રેલવેના મુસાફરોની સુરક્ષા વધારવા વિશે કે અન્ય સુવિધા અંગે સરકાર જાહેરાત કરશે તેવી અપેક્ષા હતી. પરંતુ રેલવેની નાણાકીય સ્થિતિ નબળી હોવાથી સરકારે કોઇ નવી ટ્રેન કે જાહેરાત કરવાનું ટાળ્યું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter