સાંભળી લે ઓ આંતકવાદી: જ્યાં છુપાવું હોય ત્યાં છુપાઈ જા બદલો તો લેવાશે, 56ની છાતીવાળાનો હુંકાર

પીએમ મોદીએ શનિવારે કહ્યું હતું કે ત્રાસવાદનું બીજું નામ પાકિસ્તાન છે. આ દેશ એવો દેશ છે કે જે આતંકીઓને આશરો આપવાનું કામ કરે છે અને તેની જમીન પરથી ભારતમાં આતંક ફેલાવવામાં કોઈ કસર છોડવામાં નથી આવી. કાવતરું ઘડનારાઓને સજા થશે જ. હું દેશને ફરી ખાતરી આપું છું કે, ધીરજ રાખો, આપણા જવાનો પર ભરોંસો રાખો. પુલવામાના ગુનેગારોને કેવી રીતે સજા કરવી, ક્યારે કરવી અને કેવા પ્રકારની કરવી તે આપણા આર્મીના જવાનો નક્કી કરશે. અને ગણી ગણીને બદલો લેશે.

પીએમ મોદીએ શનિવારે ફરી એક વાર પુલવામા હુમલાના ગુનેગારોને સજા થઈને જ રહેશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેઓ મહારાષ્ટ્રનાં યવતમાલમાં કેટલાંક વિકાસકાર્યોની આધારશિલા મૂકવા યોજાયેલી રેલીમાં ગયાં હતા. મોદીએ કહ્યું હતું કે, મેં કાલે પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે, પુલવામાના શહીદોનું બલિદાન એળે નહીં જાય. આતંકી સંગઠનો, આતંકના આકાઓ તેમજ કાવતરાંખોરોએ જે ગુનો કર્યો છે તે પછી તેમને ગમે ત્યાં છુપાવું હોય ત્યાં છુપાઈ જાય, ગુનેગારોને સજા જરૂર મળશે. ગુનેગારોને સજા કરવા સેનાને છૂટો દોર આપવામાં આવ્યો છે.

મોદીએ આગળ કહ્યું કે આજે હું એવા સમયે તમારી વચ્ચે આવ્યો છું જ્યારે પુલવામામાં આપણા જવાનો પર થયેલા હુમલાને કારણે આખા દેશમાં આક્રોશ છે. એક તરફ દેશ ગુસ્સામાં છે તો બીજી તરફ દરેક દેશવાસીની આંખ ભીની છે. આ સંયમનો, સંવેદનશીલતાનો અને શોકનો વખત છે. પરંતુ પ્રત્યેક પરિવારને હું ખાતરી આપું છું કે દરેક આંસુની કિંમત વસુલાશે. દેશના તમામ વીરો અને એમને જન્મ દેનારી માતાઓને નમન કરું છું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter