GSTV
Gujarat Government Advertisement

વોરફેર/ આગામી સમયના યુદ્ધો મેદાન પર લડાશે કે સ્ક્રીન પર?

Last Updated on June 9, 2021 by Zainul Ansari

અત્યાર સુધી એક વાતે લગભગ આખી દુનિયા સંમત થતી હતી કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એ પરંપરાગત રીતે લડાશે નહીં મોટા ભાગે એ સાયબરવોર હશે. તો પછી કેવા હશે એ સાઈબર સંગ્રામો?

હમણાં, ભારત સરકારે રૂ. ૪૩,૦૦૦ના કરોડના ખર્ચે ભારતીય નૌસેના માટે છ નવી, આધુનિક સબમરીન વિક્સાવવાના પ્રોજેક્ટને લીલી ઝંડી આપી. ભારત અત્યાર સુધી આધુનિક શસ્ત્રો માટે વિકસિત મહાસત્તાઓ પર ઘણે અંશે નિર્ભર રહ્યું છે, એટલે આવો સ્વદેશી પ્રોજેક્ટ ખરેખર આવકારદાયક છે, પણ આ સમાચારની સાથોસાથ માંડ એક મહિના પહેલાં, દુનિયાના બીજા ખૂણેથી આવેલા એક સમાચાર તરફ પણ ધ્યાન આપવા જેવું છે.

ભારતે વિક્સાવેલી સબમરીન ચોક્કસ અતિ આધુનિક હશે એવી આપણે આશા રાખીએ, પણ એ સાથે, યુદ્ધની દુનિયામાં ‘આધુનિક’ની વ્યાખ્યા કેવી બદલાઈ રહી છે એ જાણવા જેવું છે.

આ વર્ષે, એપ્રિલ મહિનામાં બ્રિટનની રોયલ નેવીની એક મહાકાય સબમરીન તૈયાર થયા પછી પહેલી વાર સમૃદ્રમાં પ્રવેશી. ૭૪૦૦ ટનની આ તોતિંગ સબમરીન ન્યુક્લિયર પાવર્ડ છે. બરાબર એ જ દિવસે, રોયલ નેવીની જ બીજી એક સબમરીન પણ સમાચારોમાં ચમકી.

ફક્ત ૯ ટનની એ સબમરીન પેલી હજારો ટનની સબમરીનની સરખામણીમાં બચ્ચું પણ ન કહેવાય, તેમ છતાં એ સબમરીન ભવિષ્યનાં દરિયાઈ યુદ્ધોનું ભાવિ બદલી નાખે તો પણ નવાઈ નહીં. કારણ એટલું જ કે આ સબમરીનમાં એક પણ નૌસૈનિક સફર કરવાનો નથી. તે ‘એક્સ્ટ્રા-લાર્જ અનમેન્ડ અંડરવોટર વ્હિકલ’ તરીકે ઓળખાય છે. કોઈ જીવતા જાગતા માણસના સંચાલન વિના આ સબમરીન કિનારાથી ત્રણ હજાર માઇલ્સ દૂર સુધીની સફર ખેડી શકશે અને એ પણ સતત ત્રણ મહિના સુધી. અમેરિકા અને ચીન બંનેએ પણ આવી સબમરીન વિક્સાવી લીધી છે.

આપણે રસ્તાઓ પર ડ્રાઇવર વગરની કાર કે ટ્રકની વાતો કરી રહ્યા છીએ ત્યારે હવે સબમરીન પણ ઓટોનોમસ બનવા લાગી છે.

બ્રિટને વિકસાવેલી આ સબમરીનની ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત છે. આ પ્રકારની સબમરીનનું પ્રોગ્રામિંગ એ રીતે થાય છે કે સબમરીનમાં ઉચ્ચ તાલીમબદ્ધ કેપ્ટન હાજર ન હોય તો પણ સામાન્ય સંજોગમાં દરિયામાંની વિવિધ સ્થિતિ તથા યુદ્ધ દરમિયાનની સ્થિતિમાં પણ આપમેળે સબમરીનનું સંચાલન થતું રહે છે.

દરિયાઈ યુદ્ધોમાં સબમરીન બહુ નિર્ણાયક ભૂમિકા ભજવતી હોય છે કેમ કે તે ઊંડા પાણીમાં ગરકાવ રહી દુશ્મન જહાજની નજરમાં આવ્યા વિના તેની નજીક પહોંચી ઘાતક હુમલો કરી શકે છે. દરિયામાં સબમરીનની હાજરી સંપૂર્ણપણે છાની રહી શકે એ માટે તેમાંથી કોઈ પણ પ્રકારનો રેડિયો કોન્ટેક્ટ કિનારા સાથે કે અન્ય જહાજો સાથે ન થાય એ જોવું જરૂરી હોય છે. ડ્રોન જેવી, એઆઇ-પાવર્ડ સબમરીનમાં આવી કોઈ શક્યતા રહેતી નથી કેમ કે તેમાં કોઈ માનવ નૌસૈનિકની તો હાજરી જ નથી અને સબમરીન પોતે કોઈ વાતે કિનારા પરના હેડક્વાર્ટર પર નિર્ભર રહેતી નથી, એ દરેક સ્થિતિમાં કેવાં પગલાં લેવાં એનો નિર્ણય જાતે જ લઈ શકવા સક્ષમ છે!

આધુનિક ટેક્નોલોજી યુદ્ધનો પારંપરિક વિચાર જ બદલી રહી છે. હવે માનવસૈનિક વિનાના વોરફેર પર ફોકસ થઈ રહ્યું છે!

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઇરાનના એક અણુવિજ્ઞાનીને તેમની દોડતી કારમાં ઠાર મારવામાં આવ્યા એ આવનારા સમયનાં યુદ્ધો કેવાં હશે તેનો ઘણો અંદાજ આપે છે. અહેવાલો કહે છે કે આ હત્યાના આઠેક મહિનાથી એ વિજ્ઞાની પર સતત નજર રાખવામાં આવી હતી, ઇલેક્ટ્રોનિક રીતે. એ પછી ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદે પૂરા એક ટન વજનની એક તોતિંગ મશીનગન જુદા જુદા પાર્ટ્સમાં વહેંચીને ઇરાનમાં ઘૂસાડી.

આ ગનની ખાસિયત એ હતી કે તે રિમોટ કંટ્રોલથી ઓપરેટ થઈ શકતી હતી. અણુ વિજ્ઞાનીની કાર કયા રસ્તે ક્યારે પસાર થશે તેની મોસાદના એજન્ટ્સને ખબર હતી. એ રસ્તે એક પિક-અપ વાન પાર્ક કરવામાં આવી, તેમાં આ રિમોટ-કંટ્રોલ્ડ ગન ગોઠવવામાં આવી.

વિજ્ઞાનીની કાર ધાર્યા સમયે આવી ત્યારે દૂર બેઠાં, એજન્ટ્સે કારમાં બેઠેલ વ્યક્તિ તેમનું ટાર્ગેટ જ છે એ વાતની ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજીની મદદથી ખાતરી કરી ને પછી પેલી ગનથી એટલું સચોટ નિશાન લીધું કે વિજ્ઞાની ઠાર મર્યા, પણ કારમાં બાજુમાં બેઠેલાં તેમનાં પત્નીનો વાળ પણ વાંકો ન થયો. એ પછી તરત પિક-અપ વાનમાં વિસ્ફોટ થયો અને પુરાવા રૂપ પેલી ગનના પણ ફુરચા ઊડી ગયા. આ હુમલા સમયે ગ્રાઉન્ડ પર ઇઝરાયેલનો કોઈ એજન્ટ નહોતો, ગનનું બધું ઓપરેશન, સ્પોટથી ઘણે દૂર રહી સેટેલાઇટથી કંટ્રોલ કરવામાં આવ્યું હતું એવું મનાય છે. ઇઝરાયલે આખી વાત નકારી કાઢી છે!

દુનિયાના બધા શક્તિશાળી દેશો હવે ‘લીથલ ઓટોનોમસ વેપન સિસ્ટમ્સ’ તરીકે ઓળખાતાં શસ્ત્રો વિક્સાવવા લાગ્યા છે. આવી સિસ્ટમ્સ પૂરેપૂરી માનવરહિત હોય છે, તેનું સંચાલન સેન્સર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી થાય છે. યુએસએ, યુકે, રશિયા, ચીન, ઇઝરાયેલ, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ટર્કી અને ભારત આ પ્રકારની ઓટોનોમસ વેપન સિસ્ટમ્સ વિક્સાવવામાં ખાસ્સાં આગળ વધી ગયાં હોવાનું મનાય છે.

દેખીતું છે કે તેની વધુ વિગતો બહાર આવતી નથી. પરંતુ એક સમયે જે રીતે અણુશસ્ત્રોના ઉપયોગ બાબતે દુનિયાના વિવિધ દેશો પર, તેઓ તેનો પહેલો ઉપયોગ નહીં કરે એવી સંધિ કરવા દબાણ થતું હતું એ જ રીતે હવે લીથલ ઓટોનોમસ વેપન સિસ્ટમ્સના ઉપયોગને અંકુશમાં રાખવા વિવિધ દેશો વચ્ચે સંધિના પ્રયાસો શરૂ થયા છે.

છેલ્લાં કેટલાંય વર્ષોથી અમેરિકાએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે ઓટોનોમસ ડ્રોનથી હુમલા કર્યા છે અને સાયબર ટેકનોલોજીથી યુદ્ધનો અભિગમ અપનાવ્યો છે. અમેરિકાના ફ્લોરિડા સ્થિત એક સ્ટાર્ટઅપ કંપનીએ ‘ટીકડ’ નામના એક ખાસ પ્રકારના ડ્રોન વિકસાવ્યા છે જેમાં કેમેરા સાથે સેમીઓટોમેટિક રાયફલ્સ અને ગ્રેનેડ લોન્ચર્સ ફિટ કરી શકાય છે. મિલિટરી આવા ડ્રોન્સને સોલ્જર તરીકે મોકલીને દુશ્મનો પર હુમલો કરી શકે છે!

અત્યાર સુધી એક વાતે લગભગ આખી દુનિયા સંમત થતી હતી કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એ પરંપરાગત રીતે લડાશે નહીં મોટા ભાગે એ સાયબરવોર હશે. પરંપરાગત યુદ્ધ, જેમાં જીવતાજાગતા સૈનિકો રણમેદાનમાં એકમેકની સામે આવી જાય અને સાયબરવોર, જેમાં બે દુશ્મન દેશની સાયબરઆર્મી ફક્ત કમ્પ્યૂટર પર એકમેકની સામે લડે – આ બે છેડા વચ્ચે આ નવી શક્યતા વિકસી રહી છે. તેમાં યુદ્ધો લડાશે પરંપરાગત શસ્ત્રોથી, પણ એનું સંચાલન કમ્પ્યૂટર્સથી થશે!

Read Also

Gujarat Government Advertisement

Related posts

આર્થિક મંદી વચ્ચે સોનાચાંદીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો, સોનાનો ભાવ 50 હજારને પાર પહોંચ્યો

pratik shah

એડવાઈઝ/5G ફોન લેવો કે 4G? નિર્ણય કરતાં પહેલા વાંચી લો આ ટિપ્સ..

Bansari

સોલ્યુશન/ Google Play Storeમાંથી એપ ડાઉનલોડ નથી થતી, તો અજમાવો આ 6 ટ્રિક્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!