તેલંગાણામાં એક મહિલા ડોક્ટર પર રેપ કર્યા બાદ નરાધમોએ તેને જીવતી સળગાવી દીધી હતી. આ ઘટનાની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે અને સંસદની અંદર તેમજ બહાર ધરણા પ્રદર્શન શરૂ થઇ ગયા છે અને ફરી મહિલા સુરક્ષા અંગે સરકારના દાવા પર સવાલો ઉઠવા લાગ્યા છે. સંસદમાં સાંસદ જયા બચ્ચને એવી માગણી કરી લીધી હતી કે બળાત્કારી હત્યારાઓને લોકોના ટોળાને હવાલે કરી દેવા જોઇએ જેથી પીડિતાને ઝડપથી ન્યાય મળે.

પક્ષના રાજકારણથી ઉપર ઉઠી બધાજ નેતાઓએ બળાત્કારના આરોપીઓને તાત્કાલિક આકરામાં આકરી સજા થાય તેવી માગણી કરી છે. દરમિયાન આ ઘટનાના પડકા સમગ્ર દેશમાં પડી રહ્યા છે અને લોકો અપરાધીઓને તાત્કાલીક ફાંસી આપવાની માગણી કરી રહ્યા છે. આ પરિસિૃથતિ વચ્ચે હવે એવા અહેવાલો છે કે નિર્ભયા કાંડ સમયે જે પ્રકારના વિરોધ પ્રદર્શન થયા હતા તેની શરૂઆત દેશમાં થઇ ગઇ છે.દિલ્હીના જંતર મંતર પર હજારો લોકો પીડિતાને શ્રદ્ધાંજલી આપવા અને રેપની ઘટનાઓને અટકાવવા માટે સરકાર પર દબાણ વધારવા એકઠા થયા હતા. આ ઉપરાંત મુંબઇ, હૈદરાબાદ, ચેન્નાઇ જેવા અનેક મોટા શહેરોમાં તેમજ યુનિવર્સિટીઓમાં મહિલા સુરક્ષાની માગ સાથે ઉગ્ર દેખાવો જોવા મળ્યા હતા જેમાં હજારોની સંખ્યામા લોકો એકઠા થયા હતા.

આ સાથે જ સાંસદોએ કાયદામાં સુધારા કરીને ઝડપી ન્યાય તેમજ કડક સજા થાય તેવી માગણી કરી હતી. જ્યારે રાજ્યસભામાં આ મામલે ચર્ચા ચાલી રહી હતી ત્યારે બોલિવૂડ અભિનેત્રી અને સાંસજ જયા બચ્ચન આક્રોશમાં આવી ગયા હતા, 2012માં જ્યારે નિર્ભયા કાંડ થયો ત્યારે જયા બચ્ચન રોઇ પડયા હતા,આ વખતે તેમણે એવી માગણી કરી હતી કે બળાત્કારીઓને જો ઝડપી સજા ન આપી શકતા હોય તો તેમને તાત્કાલીક પ્રજાને સોપી દેવા જોઇએ. બીજી તરફ એઆઇએડીએમકેના મહિલા સાંસદ વિજિલા સત્યાનંદ ચર્ચા દરમિયાન અતી ભાવુક થઇ ગયા હતા અને પોતાની પીડા વ્યક્ત કરતી વેળાએ કહ્યું હતું કે ભારત આ દેશની બેટીઓ માટે સુરક્ષિત નથી રહ્યો.

બીજી તરફ કડક કાયદાને લઇને સરકારે સાંસદોને ખાતરી આપી છે કે સંસદ જે પણ કહે તેવો કડક કાયદો બનાવવા માટે સરકાર તૈયાર છે. રાજનાથસિંહે કહ્યું કે જેટલો પણ કડક કાયદો બનાવવો હોય તો તે માટે અમારી પુરી તૈયારી છે.અને જો આ મામલે સંસદમાં ચર્ચા કરવાની જરૂર હોય તો તેના માટે પણ સરકાર તૈયાર છે. જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે જયા બચ્ચન પોતાનો રોકી ન શક્યા અને કહ્યું કે મને ખ્યાલ નથી કે આપણે કેટલી વખત આવા મુદ્દે સંસદમાં ચર્ચા કરતા રહીશું.હૈદરાબાદ થયું, નિર્ભયા થયું, કઠુઆ થયું, મને લાગે છે કે આ મુદ્દે સરકારને સવાલો થવા જોઇએ અને જવાબ પણ મળવા જોઇએ. કેમ હજુસુધી આ અપરાધના દોષીતો વિરૂદ્ધ કડક કાર્યવાહી નથી થઇ કેમ હજુ પીડિતા અને તેના પરિવારને ન્યાય નથી મળ્યો?

જંતર મંતર પર હજારો લોકો માથે કાળી પટ્ટી બાંધી પ્રદર્શન કરી રહ્યા છે, આ ઉપરાંત સોશિયલ મીડિયા પર કબ તક નિર્ભયા ટ્રેન્ડ થવા લાગ્યું હતું. આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરનારા અમૃતા ધવને જણાવ્યું હતું કે નિર્ભયાના અપરાધીઓ હજુ પણ જેલમાં કેદ છે તેમને ફાંસી કેમ નથી આપવામાં આવી રહી?આપણી જ્યૂડિશિયલ સિસ્ટમ જ એવી છે કે અહીં પીડિતાને ઝડપથી ન્યાય નથી મળી રહ્યો. અપરાધીઓ જેલમાં આરામ કરી રહ્યા છે, ભોજન મેળવી રહ્યા છે અને શાંતિથી ઉંઘી રહ્યા છે. જ્યારે બીજી તરફ નિર્ભયા જેવા અનેક પીડિતના પરિવાર છે કે જેઓને આજે પણ પુરતી ઉંઘ નથી આવી રહી.
READ ALSO
- બળાત્કારીઓને 21 દિવસમાં મળશે મોતની સજા, આ સરકાર 48 કલાકમાં જ પસાર કરશે બિલ
- આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર
- આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા
- નિર્ભયા ગેંગરેપના નરાધમોને ફાંસી આપવાની સરકારે તૈયારીઓ શરૂ કરી
- વડોદરા દુષ્કર્મ મામલે પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી આપી આ માહિતી