મિર્ઝાપૂર : વેબ સિરીઝ જોયા બાદ કદાચ બે દવાની ગોળીઓ ખાવી પડે !

એક મોટા મોલમાં તમે જાઓ છો. તેમાં એકની સાથે એક ફ્રીની ઓફર આપવામાં આવી છે. લોભાઇને તમે ખરીદો છો. આ મોલનું નામ છે વેબ કન્ટેન્ટ. જેમાં અપશબ્દોની એક બોટલ છે. જેની સાથે વાયોલેન્સની નાની બોટલ ફ્રીમાં આપવામાં આવે છે. સેક્સ વાયોલેન્સ અને અપશબ્દોની સાથે ચોંટાડેલા રેપરની જેમ હોય છે. મિર્ઝાપૂરની વાર્તાને ઉપરની બે લીટી સાથે તમે સરખાવી શકો. નાગાર્જૂન અને રામ ગોપાલ વર્માની પહેલી ફિલ્મ શિવાની જેમ કોલેજનું વાતાવરણ છે, પણ અહીં લોકો ભણવા ઓછા અને ગુંડાગર્દી વધારે કરવા વધારે આવે છે. બધી લાલ કીડીઓ છે, જે એકબીજાનું ખૂન ચૂસે છે. કોઇ કાળી કીડી વચ્ચે એન્ટ્રી મારે તો તેને બહારનો રસ્તો બતાવી દેવામાં આવે છે. તે પણ તેને મારી મારીને કે મારી નાખીને. આખી સિરીઝની હાઇલાઇટ બન્યા છે કાલીન ભાઇ (પંકજ ત્રિપાઠી). મસ્તમજાનું કેરેક્ટર છે. પંકજ ત્રિપાઠીએ આ ફિલ્મમાં લીડ ગેંગસ્ટરનું પાત્ર ભજવ્યું છે, પણ તેના અભિનયમાં ક્યાંય તમને ગેંગ્સ ઓફ વસેપુરનો સુલ્તાન નજર નહીં આવે. પંકજને ખ્યાલ છે કે બીજા પાત્રને પહેલા પાત્રથી કેવી રીતે અલગ રાખવું. જે સલમાન ખાન અને ટાઇગર શ્રોફ જેવા બોડી બિલ્ડર્સ નથી કરી શકતા.

ઘરમાં કુલભૂષણ ખરબંદા છે. જે એકદમ મૌન રહે છે. પણ પરિવારનો મુખીયા જ્યારે બોલે ત્યારે ક્વોટેશન તેની જીભે સરસ્વતીની જેમ ચોંટેલા હોય તેમ ફટકારે છે. કાલીનભાઇના બીજા લગ્ન છે. તે પણ તેમના દિકરાની ઉંમરની છોકરી સાથે. વધીને એક બે વર્ષ મોટી હશે. જેને કાલીન ભાઇ લગ્ન જીવનનું સુખ નથી આપી શકતા. વંઠી ગયેલો દિકરો મુન્ના ત્રિપાઠી છે. જેનો દિમાગ ઠેકાણે નથી રહેતો. કાલીન ભાઇ આટલા મોટા ગુંડા હોય, તો તેમનો લેફ્ટ હેન્ડ પણ હોવાનો ! તે પણ છે.

પોતાની સખી સાથે મજાક મસ્તી કરી લેતી એક બહેનપણી છે. અને તે સખીના બે ભાઇ છે. અલી ફઝલ (ગુડુ પંડિત) અને વિક્રાંત મેસ્સી (બબલુ પંડિત). એકને બોડી બિલ્ડીંગનો શોખ છે બીજાને ભણી ગણીને સાહેબ થવાનો શોખ છે. એક મેચ્યોર છે બીજો નથી. એકને બોડી બિલ્ડીંગનો શોખ છે, બીજો ચુસાઇ ગયેલી ગોટલી જેવો છે. પિતાશ્રી સત્યતાનો ઝંડો હાથમાં લઇ ફરતા વકિલ છે. મિર્ઝાપૂરના ગુંડાઓને મેથીપાક ચખાવવા પોતાની પાસે લાઇસન્સવાળી બંદૂક રાખે છે, જોકે એ બંદૂક તેમને મહામુસીબતે મળેલી છે કારણ કે તેમાંય તેમણે નીતિ અને સત્યતાનો ઝંડો ઉંચો રાખ્યો છે. બાકી મિર્ઝાપૂરમાં કટ્ટો ખરીદવો એ તો સામાન્ય વસ્તુ છે.

પહેલા જ એપિસોડમાં લગ્નમાં હવામાં ફાયરિંગ કરતા દુલ્હેરાજાના ચીથડા ઉડી જાય છે. જે પહેલાથી નક્કી કરવામાં આવેલું કાવતરૂ નથી. કાલીનભાઇ એન્ડ ફેમિલીની એવી ધાક છે કે મિર્ઝાપૂરનો કોઇ વકિલ તેમનો કેસ લેતો નથી, પણ આપણા વકિલ સાહેબ કેસ સ્વીકારે છે. કેસ સ્વીકારતી વખતે બોલે પણ છે, ‘હું પાછળ નહીં હટુ, બસ તમે ન હટતા.’  પહેલા એપિસોડમાં કાલીનભાઇની એન્ટ્રી ઢાંસુ નથી, પણ તેમની ખલનાયકીનો પરચો તીખા મરચાં જેવો છે. જેનો હાથ કપાઇ ગયો છે તેની આંગળી પર ગાડી ચલાવતા પણ તેમનો જીવ હચકચાતો નથી. એ સીનથી જ ખ્યાલ આવી જાય છે કે કાલીનભાઇ ઇઝ ડેન્જરસ મેન ઇન મિર્ઝાપૂર.

આ બધા પાત્રો વચ્ચે એક એવી ઘટના બને છે. જેનાથી સાફ સુથરી છબી ધરાવતા ગુડુ અને બબલુને મેદાનમાં ઉતરવું પડે અને બને મિર્ઝાપૂર. નેટફ્લિક્સને જેવી રીતે રાધિકા આપ્ટે ગમે છે, તેમ એમેઝોનને ડિરેક્ટર કરણ અંશુમાન પ્રિય છે. કરણ અંશુમાને આ પહેલા ઇનસાઇડ એજ બનાવેલી અને હવે ક્રાઇમ જોનરની થ્રીલર સાથે ડ્રામા મિર્ઝાપૂર.

ડિરેક્ટરે વેબ સિરીઝને ઓછા વત્તે અંશે સેક્રેડ ગેમ્સ જેવી બનાવવાની કોશિષ કરી હોય તેવું લાગશે, પણ તેના પાત્રો અને સ્ટોરીને જોતા એવી તો બનતી જ નથી. હા ગાળો સેક્રેડ ગેમ્સ કરતા એક સ્ટેપ વધી જાય છે. ખાસ વિક્રાંત મેસ્સીની નિર્દોષતાને વેબ સિરીઝમાં સરસ રીતે બતાવી છે. એકદમ ભોળો વ્યક્તિ. તો સામેની તરફ અલી ફઝલ બોડી બિલ્ડીંગમાં નામ કમાવવાનું સ્વપ્ન રાખે છે. પણ આ બંન્ને છોકરાઓના સપનાઓની વચ્ચે તેના પિતા છે જે તેમનું કંઇ આવવા દેતા નથી. પિતાનું સાફ માનવું છે કે, જે બે વર્ષ કોલેજના એક જ વર્ષમાં કાઢી નાખે તેના શું સપના હોવાના ? પિતાની વાત સો ટકા સાચી છે, પણ દિકરાના સપનાનું શું કરવું ?

વેબ સિરીઝનું કેન્ટેન્ટ હોવાથી તેમાં મુક્તતાનું વાતાવરણ વધારે મળે છે. ડાયરેક્ટરને તેનો લાભ મળ્યો છે. કાલીન ભાઇમાં જે બિઝનેસ કરવાની આવડત છે તે તેના દિકરા મુન્નામાં બિલ્કુલ નથી. પણ મુન્ના બનતા દિવ્યેન્દ્રૂ શર્માનો અભિનય જોઇએ તેટલો ઘાતક અને હિંસક નથી લાગી રહ્યો. જેવું તેનું ચિત્રણ કરવામાં આવ્યું છે. એક રીતે બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી જે ખોફ જોવા મળે તેવો ખોફ તેની એન્ટ્રી સાથે નથી દેખાતો. 

ઓલઓવર મિર્ઝાપૂર તેના કલાકારો અને સ્ટોરીના કારણે પસંદ આવશે. એપિસોડ પણ કોઇ બુક અથવા તો માની લો કે સેક્રેડ ગેમ્સની જેમ જ  અલગ અલગ ગોઠવેલા છે. ઝંડુ, ઘોડા, વફાદાર, વર્જીનીટી, ભૌકાલ, બરફી, મિર્ઝાપૂર, તાંડવ, યોગ્ય જેવા ટીપીકલ ઉત્તરપ્રદેશના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ડાઇલોગ પણ એકદમ શુદ્ધ હિન્દીમાં પિરસવામાં આવ્યા છે. જેનાથી હ્યુમર ક્રિએટ થાય છે. 

કલાકારોના અભિનયના કારણે મિર્ઝાપુર એક વખત તો જોવા જેવી છે કારણ કે તેની સ્ટોરી કોઇ પણ જગ્યાએ બોર નથી કરતી. એક એપિસોડનો અંત આવે એટલે તમારે ફરજીયાત બીજો એપિસોડ જોવા તૈયાર રહેવું પડે. જો તમને એક્ટિંગ જોવાનો જ શોખ હોય અને ફિલ્મના રસિયા હોવાથી ટાઇટ સ્ક્રિપ્ટીંગ શીખવી હોય તો મિર્ઝાપુર જોવી. પણ તેમાં વાયોલેન્સ એ પ્રકારનું છે કે નબળા દિલના માણસને કદાચ ડૉક્ટરનો ધક્કો ખાવો પડે. 

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter