મોદીને પીએમ બનતાં રોકી શકનાર 3 કદાવર મહિલાઓ ભરાઈ, ભાજપ ગેલમાં

પીએમ મોદી માટે આ લોકસભાની ચૂંટણી આસાન નથી. એનડીએ ફરી ચૂંટણી જીતશે તેવા સરવે છતાં ભાજપને બહુમતિ મળે તેવી સંભાવના ઓછી છે. મોદી જબરજસ્ત તૈયારીઓ સાથે આ ચૂંટણી લડી રહ્યાં છે પણ મોદીને પીએમ બનતાં 3 કદાવર મહિલાઓ રોકી શકે છે. જેમાં પ્રિયંકા, મમતા અને માયાવતીનો સમાવેશ થાય છે. આ 3 મહિલાઓ હવે એવા ચક્કરમાં ભરાઈ ગઈ છે કે, ચૂંટણી પહેલાં તેમનું ફોક્સ તેમાંથી બહાર નીકળવાનું હશે. મોદી એ માસ્ટર માઈન્ડ હોવાનું આ ઘટનાઓ સાબિક કરી રહી છે. ઇડી અને સીબીઆઈનો મોદી સારી રીતે ઉપયોગ કરી રહ્યાં છે. અખિલેશ પણ યુપીમાં નડતો કાંટો હોવાથી તેની સામે ખનનના મામલાઓ ચૂંટણી સમયે ચાલુ થઈ ગયા છે. બિહારમાં લાલુની હાલત પણ જોવા જેવી છે. જેઓ આજે પણ બિમાર હોવા છતાં ભરાઈ ગયા છે.

કોલકાતામાં ૧૯ જાન્યુઆરીએ વિરોધ પક્ષોની રેલી યોજી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને એ વખતે ઝાટકો લાગ્યો હતો જ્યારે સીબીઆઇએ કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની શારદા ચીટફંડ કેસમાં પૂછપરછ કરવા નક્કી કર્યું હતું. એવું જ કંઇ પ્રિયંકા માટે પણ થયું છે. ગઇકાલે તેમને કોંગ્રેસમાં વિધિસર પ્રવેશ અપાયા પછી આજે ઇડીએ પ્રિયંકાના પતિ રોબર્ટ વાડરાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. હજુ તો ગઇ કાલે જ વાડરા લંડનથી ભારત આવ્યા હતા. પ્રિયંકા તેમના પતિ વાડરાને ઇડીની ઓફિસે મૂકવા ગઇ હતી. આગામી દિવસોમાં આ બે મુદ્દા ચૂંટણીમાં અસર કરશે. મોદીએ નડી શકે તેવી 3 મહિલાઓને ભરાવી દીધી છે. માયાવતીની પણ મુશ્કેલીઓ વધી છે.

માયાને પણ ઝટકો લાગ્યો

લોકસભા ચૂંટણી પહેલા બસપા સુપ્રીમો માયાવતીને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે અને માયાવતીએ પોતાની અને હાથીઓની મૂર્તિ બનાવવામાં જનતાના પૈસાનો જે ખર્ચ થયો છે. તે પરત કરવા આદેશ કર્યો છે. વર્ષ 2009માં દાખલ થયેલી અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી બે એપ્રીલના દિવસે હાથ ધરવામાં આવશે. મૂર્તિઓ પર જનતાના પૈસા ખર્ચ કરવાને લઈને વર્ષ 2009માં સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી થઈ હતી. લગભગ 10 વર્ષ જુની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહયુ છે કે પ્રથમ દ્રષ્ટીએ તો બસપા પ્રમુખે મૂર્તિઓ પર ખર્ચ કર્યો તે જનતાના પૈસા પરત આપવા જોઈએ. માયાવતીના વકીલે આ કેસની સુનાવણી મે મહિના બાદ કરવાની અપીલ કરી હતી પરંતુ કોર્ટે તે અનુરોધ સ્વીકાર કર્યો ન હતો. ઉલ્લેખનિય છે કે, માયાવતીએ મુખ્યપ્રધાન પદે હતા. તે સમયે યુપીના ઘણા શહેરોમાં હાથી અને પોતાની મૂર્તિઓ લગાવી દીધી હતી. માયાવતીએ કેટલાય પાર્ક અને સ્મારક પણ એવા બનાવડાવ્યા હતા..જેમાં તેમની અને હાથીઓની મૂર્તિ હતી.

મની લોન્ડ્રીગ કેસમાં વાડરા ફસાયા

મની લોન્ડ્રિંગ કેસમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલી વધી છે..અને આજે પણ તેઓ પૂછપરછ થઈ શકે છે. ગઈકાલે પણ ઇડીના અધિકારીઓએ વાડ્રાની 10 કલાક સુધી બે તબક્કામાં પૂછપરછ કરી છે. રાત્રે પૂછપરછ પૂર્ણ થયા બાદ વાડ્રા પોતાના પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રાની સાથે ઇડી ઓફિસથી નીકળી ગયા હતા. ઇડીએ શનિવારે સવારે સાડા દસ વાગ્યે વાડ્રાને ફરી પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલા ઇડીએ બુધવારે પણ આશરે છ કલાક સુધી વાડ્રાની પૂછપરછ કરી હતી. ઇડીના અધિકારીઓએ વાડ્રાને મની લોન્ડ્રિંગ કેસ સંદર્ભે અનેક સવાલ કર્યા. ઇડીના સૂત્રોનું માનીએ તો રોબર્ટ વાડ્રાએ સંજય ભંડારીના સંબંધી સુમિત ચઢ્ઢાને ઇમેલ કર્યા હતા. સુમિત ચઢ્ઢાએ પણ સંજય ભંડારી અને રોબર્ટ વાડ્રાને જવાબ આપ્યા હતા જેના જવાબમાં વાડ્રાએ પ્રોપર્ટી અંગેના નિર્દેશ આપ્યા હતા. ઇડીનો દાવો છે કે તેમણે રોબર્ટ વાડ્રાના તમામ ઇમેલ ટ્રેક કર્યા છે. સૂત્રો મુજબ ગુરૂવારે પૂછપરછ દરમિયાન વાડ્રાને આ તમામ ઇમેલ અને દસ્તાવેજ બતાવવામાં આવ્યા છે. રોબર્ટ વાડ્રાની પૂછપરછ ઇડીની ત્રણ અધિકારીઓની ટીમે કરી છે. જેનું નેતૃત્વ ડેપ્યુટી ડાયરેક્ટર રાજીવ શર્માએ કર્યું હતું.

વિરોધ પક્ષોની ફરીવાર રેલી

ફેબ્રુઆરીની ૧૩ અને ૧૪ તારીખે  મમતા બેનર્જી દિલ્હીમાં વિરોધ પક્ષોની ‘બંધારણ બચાવ’ રેલીનું આયોજન કરશે. આ રેલીમાં પણ વિરોધ પક્ષના મોટાભાગના નેતા સામેલ થશે. મમતાના ૪૫ કલાકના ઘરણાને સમર્થન આપનાર તમામ નેતાઓ ફરીવાર દિલ્હીમાં ભેગા થશે. આજના અહેવાલ પ્રમાણે ૧૪ રાજકીય પક્ષો રેલીમાં આવશે. તો આ તરફ  આસામના નાયબ સીએમ  હિમાંશુ સરમા સામે પગલાં ભરવા દીદીએ મોદી અને અમીત શાહને પડકાર ફેંક્યો હતો.

રાજીવ કુમારની મુશ્કેલી વધશે

કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમાર સામે પગલાં ભરવા કેન્દ્રે બંગાળની સરકારને કહ્યું હતું. રાજીવ કુમારે કોલકાતામાં મમતાએ કરેલા ધરણા પ્રદર્શનમાં ભાગ લીધો હતો. પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રીને લખેલા પત્રમાં કેન્દ્રના ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે  કુમાર અને અન્ય કેટલીક અધિકારીઓનું રાજકીય ધરણામાં ભાગ લેવું એ એઆઇએસ (વર્તણુંક) ૧૯૬૮ વિરૂધ્ધ હોવાથી તેમની સામે પગલાં ભરવા જોઈએ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter