GSTV
AGRICULTURE Trending

5 વર્ષમાં સૌથી ઊંચા મકાઈના ભાવ : કૃષિ કોમોડિટીમાં સૌથી સફળ પાક

ખેડૂતો માટે સૌથી સારા સમાચાર એ છે કે, કૃષિ કોમોડીટી બજારની તેજીની આગેવાની હાલમાં મકાઈએ લીધી છે. મધ્યમગાળા માટેનાં ફંડામેન્ટલ્સ પણ તેજી તરફી બન્યા છે. શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ પર મકાઈ સપ્ટેમ્બર વાયદો સોમવારે ૪.૪૨ ડોલર બંધ થવા અગાઉ ૪.૬૩ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) મુકાયો હતો, જે ૧ મે ૨૦૧૪ પછીની નવી ઉંચાઈએ હતી. થોડા સમય અગાઉ અમેરિકન હવામાન અત્યંત ખરાબ સ્થિતિમાં હોવાને લીધે આ વર્ષે મકાઈ વાવેતર ૨૫ વર્ષમાં સૌથી ઓછું થવાની ભીતિ સર્જાઈ છે, ચીન અને ભારતમાં પણ વાવેતર ઘટ્યું છે. ૨૦૧૯-૨૦નાં પાક વર્ષનો જુલાઈ વાવેતર અંદાજ અમેરિકન કૃષિ મંત્રાલયે ૯૧૭ લાખ એકરમાં થયાનો મુક્યો હતો. જે જુન અહેવાલમાં ૮૯૮ લાખ એકર દાખવવામાં આવ્યો હતો. શક્યતા એવી પણ છે કે યીલ્ડ (ઉપજ ઉતારો) પણ ઓછું આવશે. મહત્તમ એનાલિસ્ટો માને છે કે યુએસડીએ દ્વારા દાખવવામાં આવેલું ૧૬૬ બુશેલ યીલ્ડ વધુ પડતું ઊંચું છે. અલબત્ત, ટ્રેડરોએ વાવેતર અંદાજ યુએસડીએ કરતા ખુબ ઓછો ૮૧૭થી ૮૭૦ લાખ એકર મુકીને પાકનું અનુમાન ૧૩૬ અબજ બુશેલ મુક્યું છે. દક્ષિણ (લેટીન) અમેરિકન દેશોમાં મકાઈ પાક મબલખ જોવાઈ રહ્યો છે.

ચીને ૨૦૧૯-૨૦નો મકાઈ વપરાશ પણ ઘટવાની આગાહી મૂકી

બ્રાઝીલીયન એજન્સી કોનાબએ ૨૦૧૮-૧૯નો પાક જુલાઈ અંદાજ, જુન કરતા ૧૫ લાખ ટન વધારીને ૯૮૫ લાખ ટન મુક્યો હતો. જે ગતવર્ષના ઉત્પાદન કરતા ૨૨ ટકા અથવા ૧૭૭ લાખ ટન વધુ છે. આર્જેન્ટીનાનો ૨૦૧૮-૧૯નો પાક, ગતવર્ષ કરતા ૨૦ લાખ ટન વધુ ૫૭૦ લાખ ટન મુકવામાં આવ્યો છે. ચીન સરકાર પણ દુર ઉત્તરના રાજ્ય વિસ્તારોમાં મકાઈને બદલે સોયાબીન વાવેતરને વધુ પ્રોત્સાહન આપી રહી છે. વાવેતર ઘટાડાને લીધે મકાઈનું ઉત્પાદન ૯.૨૦ લાખ ટન ઘટી ૨૫૩૦ લાખ ટન અંદાજવામાં આવ્યું છે. સાથે જ ચીને ૨૦૧૯-૨૦નો મકાઈ વપરાશ પણ ઘટવાની આગાહી મૂકી છે.

મકાઈ તેજીની આગાહીમાં મહત્વની ભૂમિકા નિભાવશે

વર્લ્ડ એગ્રીકલ્ચરલ સપ્લાય એન્ડ ડીમાંડ એસ્ટીમેટ એજન્સીએ જાગતિક મકાઈ વર્ષાંત સ્ટોક ૮૫ લાખ ટન વધારીને ૩,૦૦૦ લાખ ટન મુક્યો હતો. હવે પછીનો આ એજન્સી અહેવાલ ૧૨ ઓગસ્ટે અમેરિકન કૃષિ મંત્રાલયના ડેટાને આધારે રજુ કરવામાં આવશે. આ બધા ફંડામેન્ટલ્સ ઉપરાંત મકાઈ તેજીની આગાહીમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે તેવું મૂળભૂત કારણ કરન્સી બજાર પણ છે જે આખરે ભાવનું નિર્ધારણ કરતા હોય છે, હાલની તેજીમાં પણ કરન્સી બજારની ભૂમિકા મોટી છે. મજબુત ડોલર અત્યારે મકાઈ ભાવ નિર્ધારણમાં સૌથી વધુ રાજાપાઠની ભૂમિકામાં છે. ઐતિહાસિક રીતે પણ, મકાઈ અને સોયાબીન બન્નેની નિકાસ બજારમાં બ્રાઝીલનો હિસ્સો સૌથી મોટો હોવાથી તેની નબળાઈ સબળાઈને અવગણી ન શકાય.

ભારતમાં મકાઈની માંગ વેગથી વધી રહી છે

બ્રાઝીલના ખેડૂતો સામાન્ય રીતે નિકાસ સોદા નિર્ધારણ કરતી વખતે બ્રાઝીલીયન ચલણ રીલની ડોલર સામે મજબૂતી અથવા નબળાઈનો પાકો ખ્યાલ રાખતા હોય છે. કોઈને એ વાતે આશ્ચર્ય ન થવું જોઈએ કે જ્યારે જ્યારે ડોલર મજબૂતી ધારણ કરે છે ત્યારે મકાઈ અને સોયાબીનના ભાવ સાંકડી વધઘટે સ્થિરતા ધારણ કરી લેતા હોય છે. ભારતીય કૃષિ મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે ખરીફ મકાઈની વાવણી જુલાઈના પ્રથમ સપ્તાહ જેટલી જ ૪૧ લાખ હેક્ટર જેટલી માર્યાદિત રહી હતી. ભારતમાં મકાઈની માંગ વેગથી વધી રહી છે, સરકારે મકાઈ વાવેતરને પ્રોત્સાહિત કરવા ટેકાના ભાવ પણ ઊંચા બાંધી આપ્યા છે, તેમ છતાં ૨૦૧૯-૨૦ની ખરીફ મોસમમા ખેડૂતોને મકાઈ વાવેતર વધારવા માટે જુસ્સો અપાવી શક્યા નથી, એવું ખરીફ વાવેતરના આરંભિક તબક્કાથી જ જણાઈ રહ્યું છે. ૨૦૧૭-૧૮ની મકાઈ ખરીફ અને રવિ મોસમમાં ઉત્પાદન ૨૦૦ લાખ ટનથી ઘટીને ૨૦૧૮-૧૯મા ૧૯૦ લાખ ટન આવ્યું હતું. 

Related posts

એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ

GSTV Web Desk

શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત

GSTV Web Desk

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu
GSTV