GSTV
Ahmedabad GSTV લેખમાળા ટોપ સ્ટોરી

ગાંધીજીનો પ્રથમ જેલવાસ : 100 વર્ષ પહેલા સાબરમતી જેલમાં મહાત્માએ ભોગવ્યો હતો પ્રથમ કારવાસ, રાજદ્રોહનો કર્યો હતો કેસ

બરાબર એક સદી પહેલાની વાત છે. 10મી માર્ચ 1922ના દિવસે ગાંધીજી સાબરમતી આશ્રમમાં રોજની જેમ સુવાની તૈયારીમાં હતા. ત્યાં આશ્રમના દરવાજે અમદાવાદના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ મિસ્ટર હીલી આવ્યા. એટલે ગાંધીજી સ્થિતિ સમજી ગયા. ગાંધીજી આમ તો સુવા જવાની તૈયારી કરતા હતા. હવે એ તૈયારી જેલમાં જવાની થવા લાગી. ગાંધીજી માટે બન્ને તૈયારીમાં ખાસ કશો ફરક ન હતો. થોડી વાર પછી ગાંધીજીની ધરપકડ થઈ. 1915માં આફ્રિકાથી ભારતમાં પરત આવ્યા પછી એ ગાંધીજીના ભારતમાં પ્રથમવાર જેલવાસની શરૃઆત હતી. એ ઐતિહાસિક ઘટનાની શતાબ્દી ચાલી રહી છે. 10મી માર્ચે ધરપકડ થઈ અને 18મી માર્ચે કોર્ટમાં કેસ ચાલ્યો. લગભગ બે કલાકની સુનાવણી પછી ગાંધીજીને 6 વર્ષની જેલસજા ફરમાવાઈ હતી. ગાંધીજીને તુરંત સાબરમતી જેલમાં મોકલી દેવાયા હતા. એ વખતે તેમની ઉંમર 53 વર્ષની હતી. જોકે આરોગ્યના કારણોસર ગાંધીજીને બે વર્ષ પછી છોડી દેવાયા હતા.
1915માં ગાંધીજી ભારતમાં આવ્યા ત્યારે અંગ્રેજોની અનિતિ દેશને કેવી રીતે ખોતરી રહી છે એ જાણવા દેશમાં આમ-તેમ ફરી રહ્યા હતા. એ દરમિયાન 1917માં ચંપારણ જવાનું થયું. ચંપારણના ખેડૂતોનું અંગ્રેજો અને સ્થાનિક ઠેકેદારો શોષણ કરતા હતા. ખેડૂતો પાસે ધરાર ગળીની ખેતી કરાવાતી હતી. માટે ગાંધીજીએ ત્યાં ભારતમાં તેમનો પહેલો મોટો કહી શકાય એવો સત્યાગ્રહ કર્યો હતો. એ વખતે તેમની ધરપકડ થઈ હતી પરંતુ જેલવાસના સંજોગો આવ્યા ન હતા. ગાંધીજીને અંગ્રેજોએ તુરંત છોડી દેવા પડ્યા હતા.

ગાંધીજી પર ચાલેલા કેસનું રવિશંકર રાવળે તૈયાર કરેલું ચિત્ર

રાજદ્રોહ : અતી ગંભીર ગુનો

1922માં એવો પહેલો પ્રસંગ આવ્યો જ્યારે ગાંધીજીને અંગ્રેજ સરકારે અંદર કરી દીધા. કેમ કે ગાંધીજી વિરૃદ્ધ રાજદ્રોહનો (કલમ-124-એ) કેસ થયો હતો. રાજદ્રોહ એ અતી ગંભીર ગુનો છે અને સામાન્ય રીતે સરકાર આ કલમ લગાડતી નથી. કોઈ વ્યક્તિ ભારત સરકાર સામે જંગે ચડી છે, લડાઈ કરે છે એવુ સરકારને લાગે ત્યારે આ કલમ લાગુ થાય છે. આ કલમ હેઠળ સજામાં જેલવાસ ઉપરાંત ફાંસીની પણ જોગવાઈ અંગ્રજોએ કરી હતી. અંગ્રેજોએ કાયદામાં આ કલમ 1870માં ઉમેરી હતી. બ્રિટિશ સરકારનો વિરોધ કરનારાઓને કડક પગલાં લઈ ઠેકાણે પાડવા માટે આ કલમ ઉમેરાઈ હતી.

રાજદ્રોહ લગાડ્યો હતો કેમ કે ગાંધીજીએ પોતાના સામયિક ‘યંગ ઈન્ડિયા’માં એક પછી એક 3 લેખો એવા લખ્યા હતા જે અંગ્રેજોને બહુ આકરા લાગ્યા હતા. આ ત્રણ લેખોમાં 1. Tampering with loyalty (રાજદ્રોહ), 2. The Puzzle and Its Solution (વાઈસરોયની મુંઝવણ અને તેનો ઉકેલ) અને 3. Shaking the Manes (હુંકાર)નો સમાવેશ થાય છે. આ ત્રણેય લેખો ગાંધીજીએ સપ્ટેમ્બર 1921થી લઈને ફેબ્રુઆરી 1922 વચ્ચે પ્રગટ થયા હતા. ગાંધીજી તો ગુજરાતી સહિતની અનેક ભાષામાં લખતા હતા. પણ આ ત્રણેય લેખો અંગ્રેજીમાં લખાયેલા હતા. માટે અંગ્રેજોને વધારે આકરા લાગ્યા હતા. વૈશ્વિક ધોરણે આ લેખોની અસર થઈ હતી. આ લેખો મૂળ તો એ વખતે ચાલી રહેલા અસહકારના આંદોલનના સંદર્ભમાં લખાયા હતા. અસહકારના આંદોલનથી અંગ્રેજો પહેલેથી જ વ્યથિત હતા. એમાં આ લેખોએ લોકોની લાગણીને વાચા મળી હતી. અંગ્રેજોને એ વાત બહુ ગમી ન હતી. ગાંધીજી સાથે આ સામયિકનું મુદ્રણ (પ્રકાશન-પબ્લિકેશન) કરતા હતા એ શંકરલાલ બેન્કરની ધરપકડ થઈ હતી.

સર્કિટ હાઉસમાં કેસ ચાલ્યો

ગાંધીજી પર કેસ એ વખતે કોઈ અદાલતને બદલે સર્કિટ હાઉસમાં ચલાવાયો હતો. એ સર્કિટ હાઉસ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલું છે. ગાંધી આશ્રમથી તેનું અંતર ખાસ વધારે નથી. સર્કિટ હાઉસમાં ગાંધીજી પર ચાલેલા કેસ અંગેનું ચિત્ર પણ લટકાવી રખાયું છે. આખો મામલો કોર્ટમાં ચાલતો હોવાથી ત્યાં કોઈ ફોટોગ્રાફર હાજર ન હતા. પણ કળાગુરુ રવિશંકર રાવળ ઉપસ્થિત હતા. રવિશંકર રાવળે એ ઘટનાનું ચિત્ર બનાવી લીધું હતુ. ગાંધીજી અંગેના પુસ્તકમાં પણ આ ચિત્રને સ્થાન મળ્યું છે. રવિશંકર રાવળે પોતાના સંસ્મરણમોમાં લખ્યું છે, કે મારી સાથે મારી સ્કેચબૂક હતી. જો એ વખતે હું સ્થિતિનું ચિત્રણ ન કરું તો ચિત્રકળા શા કામની? જોકે કોર્ટમાં હાજર પોલીસ જોઈ ન જાય એ રીતે ચૂપચાપ બૂક ખોલીને રવિશંકર રાવળે ચિત્ર તૈયાર કર્યું હતું.

કેસનું વિશેષ મહત્વ

આ સમગ્ર કેસ બહુ મહત્વનો હતો. ત્યારે તો તેની નોંધ લેવાઈ પણ 1965માં તેના પરથી ગુજરાત હાઈકોર્ટે The Trial of Gandhi નામે પ્રગટ કર્યું. એ પુસ્તક સમય જતાં આઉટ ઓફ પ્રિન્ટ થયું હતું. માટે 2013માં તેને ફરીથી પ્રગટ કરવામાં આવ્યું હતું. એ પુસ્તકનું પુનઃવિમોચન ઝારખંડ હાઈકોર્ટના તત્કાલીન ન્યાયાધીશ પી.પી.ભટ્ટના હાથે કરવામાં આવ્યું હતું. જ્યારે પુસ્તક પ્રગટ થાય એ કામગીરી ગાંધી વિચારના અભ્યાસુ સિદ્ધાર્થ ન ભટ્ટે કરી હતી.

ગાંધીજીએ વાંચેલો જવાબ અને ગાંધીજીના અક્ષરદેહમાં તેનો ઉલ્લેખ (તસવીર સૌજન્ય :Gandhi Heritage Portal)

ટોળાંને કાબુમાં લેવા લશ્કરની તૈનાતી

1922માં કેસ ચાલુ થયો ત્યાં સુધીમાં ગાંધીજી ખાસ્સી જાણીતા થઈ ગયા હતા. વળી કોઈ મોટા નેતા પર કેસ ચાલવાની એ પહેલી ઘટના હતી. માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એ ટોળા વચ્ચેથી ગાંધીજીને કોર્ટ સુધી પહોંચતા એક કલાકથી વધારે સમય લાગ્યો હતો. અંગ્રેજેનો પણ ગાંધીજીની તાકાતનો ખબર પડી ચૂકી હતી એટલે પોલીસ ઉપરાંત લશ્કર તૈનાત કરી રાખ્યુ હતું.

ગાંધીજીની એક વિશેષતા એ હતી કે તેમના વિરોધી હોય કે તેમની સામે હોય એ લોકો પણ તેમની અસરમાં આવ્યા વગર રહેતા ન હતા. આ કેસની સુનાવણી કરી રહેલા જજ બ્રુમફીલ્ડનો પણ તેમાં સમાવેશ થાય છે. બ્રુમફીલ્ડે કેસ વખતે કહ્યું હતું કે ‘આ કેસમાં 6 વર્ષ કરતા ઓછી સજા કરવાની થશે તો મારા જેટલો આનંદ બીજા કોઈને નહીં થાય’.

બધા સાક્ષીઓની જુબાની પૂરી થયા પછી જજે ગાંધીજીને પૂછયુ હતું કે તમારે કંઈ કહેવુ છે? તો ગાંધીજીએ કહ્યું હતું કે હું ગુનો કબુલ કરુ છું. મારો ઉદ્દેશ સરકાર સામે અસંતોષ રજૂ કરવાનો હતો. એ ઉદ્દેશ પૂર્ણ થયો છે. શંકરલાલ બેન્કરને પણ આ રીતે જ સજા ફરમાવાઈ હતી. પણ બન્નેએ પહેલેથી નક્કી કર્યું હતું કે આપણે કોઈ પ્રકારે બચાવ કરવો નથી. એટલે આગળની સુનાવણી 18મી માર્ચે નક્કી કરાઈ હતી. એ દિવસે પણ ગાંધીજી અને શંકરલાલે તુરંત ગુનો કબુલ કરી લીધો હતો. તો પણ સરકારી વકીલ એડવોકેટ જનરલે ગાંધીજીએ બહુ મોટો અપરાધ કર્યો છે એવુ સાબિત કરવા માટે યંગ ઈન્ડિયાના લખાણોના કેટલાક પેરેગ્રાફ વાંચી સંભળાવ્યા હતા. સામે પક્ષે ગાંધીજીએ બચાવ તો નહોતો કર્યો પણ લખી લાવેલું બનાય વાંચી સંભળાવ્યુ હતું.

સાબરમતી જેલમાં આ જગ્યાએ ગાંધીજીને થોડા દિવસો કેદ કરાયા હતા

સાબરમતીમાં ગાંધીજીનો જેલવાસ

સજા સંભળાવ્યા પછી જજ કોર્ટની બહાર રવાના થયા. ત્યારે વકીલ, પોલીસ, અદાલતના કર્મચારીઓ સૌ કોઈ ગાંધીજીને પગે લાગ્યા હતા. એ પછી ગાંધીજી બહાર નીકળી ગાડીમાં બેસી જેલ તરફ રવાના થયા. ગાંધીજીને 20મી માર્ચે મધરાતે સ્પેશિયલ ટ્રેન દ્વારા પુનાની યરવડા જેલમાં મોકલી દેવાયા હતા.

સાબરમતીમાં ગાંધીજીને જે જગ્યાએ જેલમાં રખાયા હતા એ વિસ્તાર અત્યારે ગાંધી યાર્ડ તરીકે જાણીતો છે. જેલમાં છે એટલે કિલ્લેબંધ છે. સામાન્ય નાગિરક ત્યાં આસાનીથી જઈ શકતો નથી. ખરેખર તો આવા સ્થળો લોકો સરળતાથી જોઈ શકે એવી સરકારે સગવડ કરવી જોઈએ. અયોધ્યા પાસે આવેલા ફૈઝાબાદમાં આઝાદીના લડવૈયા અશફાક ઉલ્લાખાંને ફાંસી અપાઈ હતી. એ ફાંસીનો માચડો જેલમાં છે. પરંતુ બહારના પ્રવાસીઓ બહુ સરળતાથી જાળી બહાર ઉભા રહીને એ જગ્યા જોઈ શકે એવી સગવડ કરાઈ છે. એવુ કંઈક સાબરમતી જેલમાં પણ થઈ શકે.

સાબરમતી આશ્રમની ગાંધીજીના વખતની તસવીર

ધરપકડ માટે તૈયાર જ હતા

ગાંધીજીને ખબર હતી કે પોતાની આજે નહીં તો કાલે ધરપકડ તો થશે જ. એટલે તેમણે ‘જો હું પકડાઉં…’ એવો લેખ પહેલેથી જ લખી રાખ્યો હતો. તેમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું કે આઝઆદીની ચળવળ કઈ રીતે આગળ ધપાવવી? 10મી માર્ચે જ ગાંધીજી અજમેરથી આવ્યા હતા. એમણે એ દિવસે મગનલાલ ગાંધીને લખેલા પત્રમાં જ લખ્યું હતું કે આજે પકડાવવાની વકી છે.  જો પોતે મુક્ત રહેશે તો બારડોલી, મુંબઈ વગેરે જગ્યાઓએ જવાના હતા. એ પત્રો પણ ગાંધીજીએ 10મી માર્ચે લખ્યા હતા. પરંતુ પછી જેલમાં પહોંચ્યા અને ત્યાં બે વર્ષ દરમિયાન અનેક પુસ્તકો વાંચી નાખ્યા.

Related posts

PM નરેન્દ્ર મોદી ૪થી જુલાઇએ ગુજરાતની મુલાકાતે, રાજ્યના CM ઉપરાંત કેન્દ્ર સરકારના બે મંત્રીઓ રહેશે હાજર

pratikshah

વિકાસ/ ગુજરાતમાં ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે ૩૪ નેશનલ હાઇવે બનાવશે મોદી સરકાર, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અહીં બનશે નવા ફ્લાય ઓવર

Bansari Gohel

શિંદેએ બાગી ધારાસભ્યો સાથે કામાખ્યા મંદિરના કર્યા દર્શન, મુંબઈ થોડાક સમયમાં પહોંચશે!

pratikshah
GSTV