કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના ચંદ્રાપુરની મુલાકાત પહેલા મીડિયાકર્મીઓ સાથે મુંબઈ ખાતે વાતચીત કરીને 2019ના વિપક્ષના મહાગઠબંધન બાબતે સંકેત આપ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારાનો બોજો સામાન્ય માણસ પર વધી રહ્યો છે. મોદી સરકાર અમીરો માટે કામ કરી રહી છે અને તેનાથી માત્ર પંદરથી વીસ લોકોને જ ફાયદો થઈ રહ્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે સરકારને પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવવા માટે હાકલ કરવામાં આવી છે. પરંતુ સરકારને આમા રસ નથી. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આરએસએસ અને ભાજપ સામે સમગ્ર વિપક્ષ એક છે અને 2019માં મહાગઠબંધન દેશની જરૂરત છે.
ચંદ્રાપુર ખાતે રાહુલ ગાંધી દાદાજી ખોબ્રાગડેના પરિવારની સાથે મુલાકાત કરવાના છે. ખોબ્રાગડેનું તાજેતરમાં લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેઓ સામાજિક કાર્યકર્તા હતા અને ચોખાના ઉત્પાદનમાં વધારો કરાવવામાં યોગદાન બદલ જાણીતા હતા.
રાહુલ ગાંધી ખોબ્રાગડેના પરિવારની સાથે મુલાકાત કરીને એક ચૌપાલને પણ સંબોધન કરવાના છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે પીએમ મોદીની સરકારે સમાજમાં નફરત અને વિભાજનમાં વધારો કર્યો છે. સરકારે ખેડૂતો અને યુવાનો સાથે દગાખોરી કરી છે.
રાહુલ ગાંધીનો આરોપ છે કે મોદી માત્ર તેમના માનીતા ઉદ્યોગપતિઓના ચોકીદાર હતા અને સામાન્ય નાગરિકના ચોકીદાર નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો દાવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવાજમાં ડર છે. જ્યારે જય શાહના પિતા એટલે કે અમિત શાહના અવાજમાં વધુ ડર છે અને તેથી તેઓ આમતેમ દોડાદોડી કરી રહ્યા છે.
ચાર વર્ષમાં મોદી સરકારે સમાજમાં વિદ્વેષ અને વિભાજન પેદા કર્યા છે. તેમણે કહ્યુ છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો સાથથે મળીને ભાજપને હરાવશે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે દેશમાં યુવાનોને નોકરીઓ મળવી જરૂરી છે અને ખેડૂતોના હિતોની સુરક્ષા થવી પણ જરૂરી છે.
વડાપ્રધાન સવાલ કરી રહ્યા છે કે કોંગ્રેસે પોતાના શાસનમાં શું કર્યું. તો તેનો જવાબ છે કે કોંગ્રેસે કોઈને ધમકાવ્યા કે કચડ્યા નથી. કોંગ્રેસે લોકોને જાતિ, ધર્મ અને રંગના આધારે વિભાજીત કર્યા નથી.
મહત્વપૂર્ણ છે કે બુધવારે સાંજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટીના પ્રમુખ બન્યા બાદ પહેલીવાર ઈફ્તાર પાર્ટી આયોજિત કરી રહ્યા છે.