માધવપુરના સુપ્રસિદ્ધ મેળામાં ગુજરાત અને અરૂણાચલ પ્રદેશ સહિત વિવિધ દેશના કલાકારોએ તેમના ઉત્કૃષ્ટ પર્ફોમન્સ રજૂ કર્યા હતા. કલાકારોએ ભગવાન શ્રીકૃષ્ણનો વેશ સજી એકથી એક ચઢિયાતા કાર્યક્રમો રજૂ કર્યા હતા. કલાકારોના નૃત્યોને નિહાળવા માટે બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.
માધવપુર ઘેડમાં ભગવાન માધવરાયજી તથા ત્રિકમરાયજીના સાનિધ્યમાં 500 થી વધુ વર્ષોથી પરંપરાગત રીતે ભગવાન શ્રીકૃષ્ણ તથા રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ રામનવમીથી પાંચ દિવસ ભારે ભક્તિભાવ તથા ધામધૂમથી ઉજવાય છે. જેમાં અગિયારસે નીકળેલી માધવરાયજીની જાનમાં ભક્તો ભક્તિ સાગરના રસમાં તરબોળ થયા હતા.
માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન
પરણે તે રાણી રુક્મિણી, વર વાંછિત શ્રી ભગવાન
માધવ રાયજીના લગ્નનું ટાણું આવ્યુ છે. આ વર્ષે પણ શ્રદ્ધાળુઓનો જાણે મહાસાગર ઉમટી પડ્યો હોય તેવી રીતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માધવરાયજીની જાનમાં જોડાયા હતા. બેન્ડ વાજા સાથે જાનૈયાઓ માધવરાયજીની જાન લઇને હોંશે હોશે રાણી રૂક્ષ્મણીજીના માંડવે પહોંચ્યા હોય છે.
જ્યારે બારસના પર્વે કડછ ગામથી મેર સમાજ ધર્મના નિશાન સાથે તથા ભવ્ય આતશબાજી વચ્ચે રૂક્ષ્મણીજીનું મામેરુ લઈને આવતા હોય છે. રૃક્ષ્મણીજીના માવતર પક્ષની જગ્યા રૂક્ષ્મણીમઠના પુજારી, ભાવિકો દ્વારા ધામેધુમે તેમનું સ્વાગત કરાશે. ત્યાર બાદ સાંજે નિજ મંદિરેથી ભગવાન શ્રીકૃષ્ણની જાનનું પ્રસ્થાન થશે. ભગવાન શ્રીજીના દુલ્હા સ્વરૂપના દર્શન કરી ભાવિકો ભાવવિભોર બની જતા હોય છે. ભાવિકો ભગવાનની જાનમાં જાનૈયા બનીને મહાલતા હોય છે.
દર વર્ષે ભગવાનના લગ્નોત્સવમાં આવી રીતે ભાવિકો મહાલવા માટે માધવપુર ખાતે ઉમટી પડ્યા છે. લીલી નાઘેર ગણાતા આ પંથકમાં પાંચ દિવસનો મેળો ભરાય છે.
આ મેળો ભગવાન શ્રી કૃષ્ણ અને માતાજી રૂક્ષ્મણીજીનાં વિવાહ મેળા તરીકે પણ ઓળખાય છે. મેળાની અંદર ભગવાન અને રૂક્ષ્મણીજીનાં વિવાહથી માંડીને ફુલેકું સહિતનાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.
અંતમાં જ્યારે ઘોડેસવાર પોલીસની આગેવાની સાથે ભગવાન શ્રી માધવરાયજી રાણી રૂક્ષ્મણીજીની સાથે પધરાવી માધવરાયજીનાં મંદિરે પરત ફરે છે ત્યારે રથની પાછળ પાછળ આ ભવ્ય મેળો પણ સમેટાતો જાય છે.