GSTV
Gir Somnath Trending ગુજરાત

દરિયાદેવે ભગવાન શ્રી કૃષ્ણને માધવપુરમાં કરી આપી હતી જગ્યા, રૃક્ષ્મણીનું હરણ કરીને લગ્ન માટે આ સ્થળ પસંદ કરવા પાછળ છે ખાસ કારણ

ક્યાં સૌરાષ્ટ્રનું દરિયાકાંઠાનું માધવપુર, અને ક્યાં માધવપુરાથી ૩૦૦૦ કિમી જેટલા દૂર ઉત્તર- પૂર્વના રાજ્યો! છતાં, બંને પ્રદેશ વચ્ચે એવો ઊંડો નાતો કે જે યુગોથી લોકોના હૃદયમાં છે, વર્ષોથી ભારત વર્ષની બે સંસ્કૃતિની મિશાલ બનીને પ્રજ્જલવિત રહ્યો છે, અને તેના મૂળમાં છે ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીના વિવાહ. પૌરાણિક કથાઓ તથા સાહિત્યક ઉલ્લેખો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનાં લગ્ન માધવપુરમાં થયા હતા.  ભગવાન શ્રી કૃષ્ણએ રુકમણીનું હરણ કરીને માધવપુરને લગ્ન માટે શા માટે પસંદ કર્યું તેની પાછળ પણ એક કથા છે. કથા એવી પણ છે કે ભગવાન શ્રીકૃષ્ણને કુંવારી ભૂમિ પર લગ્ન કરવા હતા અને દરિયા દેવે માધવપુરમાં જગ્યા કરી આપી, અને માધવપુરમાં ભગવાનના લગ્ન થયા. આ વિવાહની યાદમાં માધવપુર ઘેડમાં પાંચ દિવસ મેળો ભરાય છે.

મહાભારતમાં રુક્ષ્મણી હરણનો એક પ્રસંગ આવે છે. શાસ્ત્રો અને ગ્રંથોમાં ઉલ્લેખ અને કથા છે કે વિદર્ભ વિસ્તાર એટલે કે હાલના ઉત્તર પૂર્વ પ્રદેશના રાજા ભીસમાકની પુત્રી રુક્ષ્મણીને ભગવાન શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવા હતા. રુક્ષ્મણીનો ભાઈ રુકમૈયા તેનો વિરોધ કરે છે અને શિશુપાલ સાથે લગ્ન કરવાનું નક્કી થાય છે. રુકમણી આ વાત સાંભળતા વિલાપ કરી ચિંતાતુર બની કૃષ્ણને દ્વારકા બ્રાહ્મણ મારફત સંદેશો મોકલાવે છે. આ સંદેશો માધવપુરમાં લગ્ન ગીત તરીકે પ્રચલિત બન્યો છે. રુક્ષ્મણીનો પત્ર પણ પ્રચલિત છે. સમાચાર સાંભળીને શ્રી કૃષ્ણ રુક્ષ્મણી સાથે લગ્ન કરવા માટે જાય છે. રુકમૈયાને હરાવી શ્રીકૃષ્ણ રુક્ષ્મણીનું હરણ કરી દ્વારકા લઈ જતી વખતે રસ્તામાં માધુપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણી માતાના લગ્ન થાય છે.

ગ્રંથોમાં જેનો ઉલ્લેખ અને એ જ  સ્થળે તેના પૌરાણિક અવશેષો મળે ત્યારે શ્રદ્ધાળુઓની આસ્થાનું સાંસ્કૃતિક કેન્દ્ર જે-તે સ્થળ બની જતું હોય છે. આવું માધવપુરનું છે. ભગવાન શ્રી વિષ્ણુએ ગદાથી મધુ નામના રાક્ષસનો વધ કર્યો હતો તેવો ગ્રંથોમાં ઉલ્લેખ છે. મધુનો વધ કર્યા પછી ભગવાને લોહીવાળી ગદા અહીં આવેલી વાવમાં સાફ કરી હતી અને તેની કથા ગદાવાવ સાથે જોડાયેલી છે. આજે માધુવનમાં ગદાવાવ પણ છે. વિષ્ણુ અવતાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ આ જ સ્થળે લગ્ન કર્યા. ત્યાં ચોરી માયરાનું પણ સ્થળ છે. રુકમણી માતાની ચરણ પાદુકા અને પૌરાણિક રુક્ષ્મણી મંદિર અને સાથે સાથે ભગવાનની સાથે આવેલા ઋષિમુનિઓ અહીં રણના વૃક્ષમાં બિરાજયા તેવી કથાની સાથે અહીં રાયણના વૃક્ષો પણ વર્ષોથી છે. આવા વૃક્ષો બીજે આટલામાં ક્યાંય નથી.

માધવપુરના દરિયામાંથી મળ્યું છે ૧૧મી સદીનું વિષ્ણુ મંદિર

માધવપુરનું જેટલું પૌરાણિક મહત્વ છે એટલું જ મહત્વ પૌરાણિક અવશેષોની દ્રષ્ટિએ પણ છે. માધવપુર કેટલું જૂનું છે તે અંગે અભ્યાસ ચાલી રહ્યા છે પરંતુ પોરબંદરના અભ્યાસુ ઇતિહાસવીદ નરોત્તમભાઈ પલાણ કહે છે કે માધવપુરના સાહિત્યિક અને પૌરાણિક અવશેષોના પુરાવાઓ આપણને મળે છે. પૌરાણિક ગ્રંથોમાં પ્રભાસ એટલે કે હાલનું સોમનાથ અને દ્વારકા વચ્ચે માધવ તીર્થની વાત આવે છે તે માધવપુર. તેમણે ઉમેર્યું કે માધવપુરના જૂનામાં જૂના અવશેષો કે જે ૧૫૦૦થી ૨૦૦૦ વર્ષ જૂના છે તે માધવપુરમાં હાલ હયાત છે. માધવપુરની વાત વિષ્ણુ અવતાર સાથે પણ સાંભળવા મળે છે એટલે સમય જતા માધવપુરની મુલાકાત અનેક ષિમુનિઓ અને સંતોએ કરેલી છે. મહાપ્રભુ વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, ગુરુ ગોરખનાથ સાથે સંકળાયેલા પૌરાણિક પવિત્ર સ્થળો પણ માધવપુરમાં છે.

મેળામાં પ્રથમ વખત રુકમણી માતાના સ્વાગતનો ભવ્ય કાર્યક્રમ

માધવપુરનો મેળો રામનવમી ચૈત્ર સુદ નોમથી શરૃ થાય છે. માધવપુરમાં તા. ૩૦મી માર્ચના રોજ સરકાર આયોજિત  રંગમંચ ત્રણ દિવસ માટે ખુલ્લો મુકાશે. તા.૩૦મી માર્ચથી તા.૩ એપ્રિલ સુધી મેળો યોજવાનો છે. લગ્ન કરીને દ્વારકાધીશ અને રુક્ષ્મણી માતા દ્વારકા પાધાર્યા હતા. ચાલુ વર્ષે પ્રાથમ વખત રાજ્ય સરકાર દ્વારા રુકમણી માતાના સ્વાગતનો ભવ્ય કાર્યક્રમ પણ આયોજિત થયો છે. વિવિધ રાજ્યોના કલાકારોની કારીગરી સાથે હસ્તકલાના સ્ટોલ સાથે સૌરાષ્ટ્રની ટુરીઝમ સકટ અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન મળે તે માટે માધવપુરના મેળાને જોડીને વિવિધ વિસ્તારમાં આર્ટ ગેલેરી હસ્તકલા સાથે રાજ્યના વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

૧૭મી સદીમાં પોરબંદરના મહારાણીએ બાંધ્યું નવું મંદિર

દરિયામાંથી મળેલું ૧૧મી સદીનું મંદિર બહુ જર્જરિત થઈ જતા ૧૭મી સદીમાં પોરબંદરના મહારાણી રૃપાળીબાએ માધવરાયજીનું નવું મંદિર બંધાવી આપ્યું હતું અને તેનો શિલાલેખ પણ અહીં જોવા મળે છે. જૂનાં મંદિરમાંથી માધવરાયજી અને ત્રિકમરાયજીની મૂર્તિઓ નવા મંદિરમાં પધરાવવામાં આવી હતી. આ મૂર્તિઓ દુર્લભ અને દિવ્ય છે. ભગવાનના ત્રણ હાથ ઉપર અને એક હાથ નીચે છે. આવી મૂર્તિ બીજે ક્યાંય નથી એવી વૈષ્ણવ ભક્તોને શ્રદ્ધા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ

Siddhi Sheth

Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ

Padma Patel

14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા

Hina Vaja
GSTV