જસદણનો જનાદેશ : પ્રથમ રાઉન્ડમાં બાવળિયા ચાલી રહ્યાં છે આગળ

જસદણની ઐતિહાસિક પેટા ચુંટણીનું આજે રવિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. તે પૂર્વે આજે શનિવારે જસદણમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો પોતપોતાના ઉમેદવારને જીતાડવા માટે ભગવાનની પૂજા-અર્ચના કરતા હોય તેવું જોવા મળ્યું હતું. જસદણમાં આટકોટ રોડ ઉપર આવેલ જસદણ કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલય ખાતે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાને જીતાડવા માટે કોંગી કાર્યકરો દ્વારા હોમ-હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જસદણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયા પણ હાજર રહ્યા હતા અને ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. ત્યારે બીજીબાજુ જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાને જીતાડવા માટે ભાજપના કાર્યકરોએ એક પગે ઉભા રહી રામધુન બોલાવી હતી. પ્રથમ રાઉન્ડમાં બાવળિયા આગળ ચાલી રહ્યાં છે.

  • કુવરજી બાવળિયા આગળ ચાલી રહ્યાં છે.
  • મતગણતરી કેન્દ્ર પર ભાજપના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા અને અવસર નાકિયા વચ્ચે થઇ બોલાચાલી
  • -અવસર નાકિયાના ગામની મત ગણતરી 13માં રાઉન્ડમાં 
  • -કુંવરજી બાવળિયાના ગામની મતગણતરી છઠ્ઠા રાઉન્ડમાં 
  • -પ્રથમ અને બીજો રાઉન્ડ ભાડલા જિલ્લા પંચાયત સીટ
  • -ત્રીજો રાઉન્ડ કમળાપુર જિલ્લા પંચાયત સીટ
  • -ચોથો રાઉન્ડ વિંછીયા જિલ્લા પંચાયત સીટ
  • -પાંચમો પીપરડી જિલ્લા પંચાયત સીટ

પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ વિધાનસભાની પેટા ચુંટણી માટે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જસદણના કમલાપુર રોડ સ્થિત મોડલ સ્કૂલમાં મતગણતરી પ્રક્રિયા પ્રારંભ થઈ છે.મતદાન ગણતરીને લઈને મોડલ સ્કુલની બહાર સઘન બંદોબસ્ત જોવા મળ્યો છે. કુલ 19 રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા આયોજિત થવાની છે. મોડલ સ્કુલમાં 14 ટેબલ પર ૧૪ ઇવીએમમાં મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. પ્રથમ 18 રાઉન્ડમાં એક-એક ટેબલ પર એક-એક ઈવીએમ મુકીને મત ગણતરી પ્રક્રિયાનું આયોજન થયું છે.જ્યારે અંતિમ એટલે કે 19માં રાઉન્ડમાં 10 ટેબલ પર 10 ઈવીએમ મુકીને મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. મતગણતરી કેન્દ્રની બહાર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જસદણમાં બમ્પર 71.27 ટકા મતદાન થયું છે. 20 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં કુલ 1,65,418 લોકોએ મતદાન કર્યુ હતુ.

જેમા 90,199 પુરુષો અને 75,219 મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.જસદણ સિટી પૂર્વમાં 69 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 73 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 72 ટકા, જસદણ તાલુકામાં 78 ટકા મતદાન નોંધાયુ હતું. જસદણમાં કુલ 262 મતદાન કેન્દ્રો પર મતદાન કરવામાં આવ્યું હતું.

જસદણમાં કુલ 2 લાખ 24 હજાર 290 મતદાતાઓ માટે કુલ 262 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા. જે પૈકી 126 મતદાન મથકમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જસદણમાં પેરામિલિટરીની 6 કંપની, પોલીસના 306 જવાન અને જીઆરડીના 311 મળીને કુલ 1100 જેટલા સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. મતદાન દરમ્યાન 24 જેટલા મતદાન મથક પર વેબ કાસ્ટિંગ અને 25 મતદાન મથક પર વીડિયો રેકોર્ડિગ કરવામાં આવ્યુ હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter