GSTV
Home » News » અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પાંચમા દિવસે સુનાવણી યથવાત, બાબરી મસ્જિદ 1500માં બની હતી, તેનાથી હિન્દુઓની આસ્થામાં કોઈ ફેર પડયો નથી

અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પાંચમા દિવસે સુનાવણી યથવાત, બાબરી મસ્જિદ 1500માં બની હતી, તેનાથી હિન્દુઓની આસ્થામાં કોઈ ફેર પડયો નથી

ભગવાન રામનું જન્મસ્થળ પોતે જ એક દેવતા છે અને અયોધ્યામાં 2.77 એકરની વિવાદિત જમીન પર મુસ્લિમો દાવો કરી શકે નહીં, કારણ કે મિલકતનું વિભાજન દેવતાને ‘ખંડિત’ કરવામા સમાન ગણાશે તેમ મંગળવારે રામલલા વિરાજમાને સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું. રામજન્મભૂમિ – બાબરી મસ્જિદના વિવાદાસ્પદ સ્થળ પર હિન્દુઓ અને મુસ્લિમો બંનેનો સંયુક્ત કબજો છે તો મુસ્લિમોને કેવી રીતે દૂર કરી શકાય તેવા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને સમાવતી પાંચ જજોની બંધારણીય બેન્ચના સવાલના જવાબમાં રામ લલા વિરાજમાનના વકિલે આ સ્થળને દેવતા સમાન ગણાવ્યું હતું. 

દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને ટોકતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને આ કેસમાં ચૂકાદો આપવાની તેમને કોઈ ઉતાવળ નથી. વકીલો દલીલો માટે ઈચ્છે તેટલો સમય લઈ શકે છે. ન્યાયાધીશો એસ.એ. બોબડે, ડી.વાય. ચંદ્રચુડ, અશોક ભુષણ અને એસ.એ. નઝીરને સમાવતી બેન્ચને રામ લલા વિરાજમાનના વકીલે જણાવ્યું હતું કે, મિલકત પોતે જ દેવતા હોય તો તમે દેવતાને ખંડીત કરી શકો નહીં તેવી માન્યતા છે.

મિલકત દેવતા હોય તો તે દેવતા જ રહે છે અને પાછળથી આ સ્થળ પર મસ્જિદ બની જાય તો તેનાથી દેવતાને વિભાજિત કરી શકાય નહીં. રામલલા વિરાજમાન તરફથી વરિષ્ઠ વકીલ સી. એસ. વૈદ્યનાથને રાજકીય રીતે સંવેદનશીલ કેસની સુનાવણીના પાંચમા દિવસે દલીલો કરી હતી.

તેમણે કહ્યું ભગવાન રામનું જન્મસ્થળ દેવતા છે તેવો લોકોનો વિશ્વાસ છે. ત્રણ ગુંબજની બાબરી મસ્જિદ 1500મી સદીમાં બની હતી, તેનાથી હિન્દુઓની આસ્થા અને સ્થળની પવિત્રતામાં કોઈ ફરક પડયો નહોતો. અહીં મસ્જિદ બનવા છતાં હિન્દુઓએ પૂજા કરવાનું બંધ નથી કરી દીધું. વધુમાં મુસ્લિમો પણ સાબિત નથી કરી શક્યા કે આ મસ્જિદ બાબર સંબંધિત છે.

વૈદ્યનાથને અલ્હાબાદ હાઈકોર્ટના ચૂકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે હાઈકોર્ટના ત્રણે જજનું માનવું હતું કે મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી. રેકોર્ડ્સનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું વર્ષ 1856-57થી 1934 સુધી મુસ્લિમો ત્યાં નમાજ પઢતા હતા અને 1934થી તેમણે નમાજ પઢવાનું બંધ કરી દીધું છે.

હિન્દુઓને સંબંધ છે ત્યાં સુધી તેઓ સદીઓથી ત્યાં ભગવાન રામની પૂજા-પ્રાર્થના કરતા રહ્યા છે. અનેક મુસ્લિમ સાક્ષીઓએ પણ જુબાની આપી છે કે હિન્દુઓ સદીઓથી ત્યાં પૂજા કરતા આવ્યા છે. 72 વર્ષના મુસ્લિમ સાક્ષી મોહમ્મદ હાશિમે કહ્યું હતું કે હિન્દુઓ માટે અયોધ્યા એટલું જ મહત્વ ધરાવે છે, જેટલું મુસ્લિમો માટે મક્કા છે.

તેમણે ઉમેર્યું કે સુપ્રીમ કોર્ટે જ તેના એક ચૂકાદામાં કહ્યું હતું કે મંદિર માટે મૂર્તિ હોવી જરૂરી નથી. હવે રામજન્મભૂમિ અંગે જે આસ્થા છે, તે બધી જ શરતોને પૂરી કરે છે. બીજીબાજુ મુસ્લિમો તરફથી જમીન પરનો માલિકી હક સાબિત કરી શકાયો નથી. હિન્દુઓ જ્યારે પણ પૂજા કરવાની છૂટ માગે છે ત્યારે વિવાદ શરૂ થઈ જાય છે.

દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે તમારો દુનિયા જોવાનો દૃષ્ટિકોણ માત્ર તમારો છે, પરંતુ તમારો દૃષ્ટિકોણ માત્ર એક ન હોઈ શકે. બીજીબાજુ હિન્દુ પક્ષની દલીલ પર વાંધો ઉઠાવતાં રાજીવ ધવને કહ્યું કે હજી સુધી અદાલતમાં કોઈ પુરાવા રજૂ કરાયા નથી. બધી જ દલીલો માત્ર અલ્હાબાદ હાઈકોર્ટના ચૂકાદા પર થઈ રહી છે. આ અંગે સુપ્રીમ કોર્ટે ધવનને કહ્યું કે તેઓ માત્ર મુસ્લિમ પક્ષનું જ પ્રતિનિધિત્વ કરે. બીજા પક્ષની દલીલોમાં અવરોધ ઊભા ન કરે. અમને આ કેસમાં ચૂકાદો આપવાની કોઈ ઉતાવળ નથી. વકીલો દલીલો માટે ઈચ્છે તેટલો સમય લઈ શકે છે.

READ ALSO

Related posts

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 67 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

Arohi

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur

પાકના નાપાક ઇરાદા, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવા ઘડ્યો આ પ્લાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!