GSTV

માધવના ચરણ પખાળ્યાં મેઘે, 142મી નગરયાત્રાથી ભક્તો ભાવવિભોર

Last Updated on July 5, 2019 by

‘ભવ્યતા…આસ્થા-ઉલ્લાસનું ઘોડાપુર…હકડેકઠ મેદની છતાં સ્વંયભૂ શિસ્ત…ચારેકોર બસ ‘જય રણછોડ, માખણચોર’નો નાદ…જગતના નાથની આ નગરચર્યાનો માહોલ તો એવો કે તેને માણવા માટે ખૂદ મેઘરાજા પણ પધાર્યા વિના રહી શકે નહીં….’ અમદાવાદમાં યોજાયેલી ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રાને વર્ણવવાનો આ પ્રયાસ માત્ર છે.

કેમકે, આ રથયાત્રાને શબ્દો દ્વારા વર્ણવવી તે ગાગરમાં સાગર ભરવા જેવું કપરું કામ છે. જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા કોમી એખલાસના માહોલમાં શાંતિપૂર્વક સંપન્ન થઇ છે. સવારે ૭ વાગે ભગવાન જગન્નાથ, ભાઇ બળદેવજી અને બહેન સુભદ્રાજીની નગરચર્યાનો પ્રારંભ થયો હતો અને રાત્રે સાડા નવે ત્રણેય રથ મંદિરમાં પરત ફર્યા હતા.

ગુરુવારે પરોઢે ૩ વાગ્યાથી જ સાયકલસવાર હોય કે પછી મોંઘીદાટ કારમાં જઇ રહેલી વ્યક્તિ એ દરેક જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિર તરફ જ જાણે પહોંચી રહી હતી. ઉંઘ પૂરી કર્યાની પરવા કર્યા વિના જ ભક્તો જગન્નાથ મંદિર તરફ પહોંચી રહ્યા હતા અને તેમના હૃદયમાં એકમાત્ર તાલાવેલી જગન્નાથના દર્શન કરવાની હતી.

સવારે ચાર વાગતાં જ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર થઇ ગયું હતું. આ દરમિયાન જેવા નીજ મંદિરના દ્વાર ખોલ્યા એ સાથે જ ‘જય રણછોડ’ના નાદથી મંદિર પરિસર ગૂંજી ઉઠયું હતું. સવારે ૪ વાગે મંગળા આરતીમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. મંગળા આરતી બાદ ભગવાનને પ્રિય એવો ખીચડી-કોળા-ગવારફળીનું શાક-દહીંનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

વર્ષમાં માત્ર એકવાર ભગવાનને ધરાવવામાં આવતા આ પ્રસાદને લેવા માટે ભક્તોની લાંબી લાઇન લાગી ગઇ હતી. ભગવાનને ભોગ ધરાવવામાં આવી રહ્યો હતો ત્યારે તેમને અત્યંત પ્રિય એવા આદિવાસી નૃત્ય-રાસગરબાથી માહોલ વધુને વધુ જામવા લાગ્યો હતો. આસ્થા અને ઉલ્લાસના માહોલ વચ્ચે ભગવાનના આંખોમાંથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવી. જેના થોડા જ સમયમાં આખરે એ ઘડી આવી જ પહોંચી જેની મંદિરમાં ઉપસ્થિત દરેક ભક્ત આતુરતાપૂર્વક વાટ જોઇ રહ્યો હતો.

આ ઘડી હતી ભગવાનને રથમાં બિરાજમાન કરવાની. ભગવાન જગન્નાથજી રથમાં બિરાજમાન થયા એ સાથે જ સમગ્ર માહોલ ‘મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે…’, ‘બોલો મેરે ભૈયા ક્રિષ્ન કનૈયા’, ‘જય રણછોડ’ના નાદથી ગૂંજી ઉઠયો હતો. સવારે ૬:૪૫ના મુખ્યમંત્રી વિજય રૂપાણી-નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી હતી. બરાબર ૭ના ટકોરે ભગવાનનની નગરચર્યાનો પ્રારંભ થયો હતો.

એ વખતે અનેક રથયાત્રા જોઇ ચૂકેલી કેટલીક વૃદ્ધ આંખો પોતાના આંસુ રોકી શકી નહોતી તો કેટલાક બાળકો તેમના વડીલોના ખભા પર બેસીને ભગવાનની ઝલક મેળવવા માટે અધીરા બન્યા હતા. રથયાત્રા દરમિયાન અમીછાંટણાં પડે તો તેને આવનાર સમયના સારા સંકેત ગણવામાં આવે છે. ૧૮ કિલોમીટરની આ રથયાત્રાના અનેક રૂટમાં મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું હતું.

અમીછાંટણાં થયા ત્યારે માહોલ ફરી એકવાર ‘જય રણછોડ’થી ગૂંજી ઉઠતો હતો. આ રથયાત્રામાં ભક્તોને ૩૦ હજાર કિલોગ્રામ મગ, ૫૦૦ કિલોગ્રામ જાંબુ, ૩૦૦ કિલોગ્રામ કેરી, ૪૦૦ કિલોગ્રામ કાકડી-દાડમ, ૨ લાખ ઉપેણા પ્રસાદમાં આપવામાં આવ્યો હતો.

રથયાત્રામાં ૧૬ શણગારેલા ગજરાજા, ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ૩ બેન્ડવાજા વાળાએ પણ આકર્ષણ જમાવ્યું હતું. સાધુ-સંતો ભક્તો સાથે ૧૨૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા રહેશે.

Read Also

Related posts

VIDEO: બાબા કા ઢાબાને ફેમસ કર્યા બાદ ગૌરવ વાસને હવે આ કાકાને ફેમસ કર્યા, પાંદડા પર આઈસ્ક્રીમ વેચતો વીડિયો થયો વાયરલ

Pravin Makwana

વાર્યા નહીં, હાર્યા વળ્યા/ રસી નહીં લીધી હોય તે જે વેપારીની દુકાન પોલીસ બંધ નહીં કરાવે, ચેકિંગ પણ નહીં: મળી આ છૂટ

Bansari

ખેડૂતો માટે ખુશખબર: આવતીકાલથી ખાતામાં આવવાના શરૂ થઈ જશે સરકારના રૂપિયા, ફટાફટ આ કામ પતાવી લેજો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!