બ્રિટિશ રાણીના શાસનું 71મું વર્ષ ચાલી રહ્યું હતું, જ્યારે ગોંડલ મહારાજા ભગવતસિંહે 75 વર્ષ સુધી શાસન ધુરા સંભાળી હતી
બ્રિટિશ રાણી એલિઝાબેથનું 96 વર્ષની વયે નિધન થયું. 1952માં તેમની તાજપોશી થઈ હતી. એ હિસાબે 70 વર્ષનું તેમનું શાસન પુરું થયું અને 71મું વર્ષ ચાલતું હતું. સૌથી વધુ રાજસત્તા પર રહેનારા મહાનુભાવોમાં એલિઝાબેથનું નામ લેવાય છે. એ માહિતી અધુરી છે. ગુજરાતી રાજાએ 72 વર્ષ કરતા વધારે સમય સુધી શાસન સંભાળ્યું હતું. બ્રિટિશ રાણીના 70 વર્ષને ઝાંખો પાડે એવા વિક્રમો બે ગુજરાતી રાજવીએ નોંધાવ્યા છે. એક રાજવી એટલે ગોંલડના લોકલાડીલા જા ભગવતસિંહજી, જ્યારે બીજા રાજા પોરબંદરના શાસક વિકમાતાજી.

ભગવતસિંહજી (ગોંડલ)
જ્યારે જ્યારે પ્રજાવત્સલ રાજવીઓની વાત આવે ત્યારે ગોંડલ નરેશ અને ભાવનગર નરેશને અચૂક યાદ કરવામાં આવે છે. એમાં પણ ગોંડલ નરેશ ભગવતસિંહજીના નામે તો પોણી સદી ગાદી પર બેસવાનો વિક્રમ છે. ૧૬૭૭માં કુંભાજી પહેલાએ રાજધાની બનાવી ગોંડલનો વિકાસ શરૃ કર્યો હતો. પણ એ પછી સાતેક રાજાઓ બદલી ગયા અને છેક ૧૮૬૯માં સંગ્રામસિંહ (બીજા)નું મોત થયું ત્યારે તેમના દીકરા સત્તા પર આવ્યા. એ દીકરાનું નામ ભગવતસિંહ અને તેમનું શાસન છેક ૧૯૪૪ સુધી એટલે કે ૭૫ વર્ષ ચાલ્યું.
હજુ તો હાથમાં રાજદંડ લેવા જેવડી પણ ભગવતસિંહની ઉંમર નહોતી એ વખતે ચાર વર્ષની વયે તેઓ રાજા બન્યાં. માટે નિમય પ્રમાણે ૧૫ વર્ષ સુધી બ્રિટિશ સરકારની સમિતિએ ગોંડલ રાજ્યનો વહીવટ કર્યો હતો. સમજણા થયા પછી ૧૮૮૪માં રાજધુરા ભગવતસિંહના હાથમાં સોંપવામાં આવી. પણ સત્તા પર આવતા પહેલાં ભગવતસિંહ યુરોપના અનેક દેશો ફરી ચૂક્યા હતા. માટે તેમનું શાસન શરૃ થયુ એ સાથે જ તેમણે યુરોપિયન સમાજના ગુણો ગ્રહણ કરી ગોંડલ રાજમાં તેનો અમલ શરૃ કર્યો.

પુસ્તકાલયો બંધાવ્યા, શૈક્ષણિક સંસ્થાઓ ઉભી કરી, વહીવટ સુધાર્યો, કન્યા-કેળવણી, લોકસુવિધાઓ વગેરે પ્રકારનાં કામોને કારણે ભગવતસિંહ અને ગોંડલ રાજ્ય એ વખતે જગ-વિખ્યાત બન્યું હતુ અને આજે પણ જાણીતુ છે. ગોંડલ સમૃદ્ધ-સક્ષમ-શિક્ષિત રાજ્ય બન્યું તેની પાછળનું એક કારણ રાજાને મળેલો છ-સાત દાયકા જેટલો લાંબો સમય પણ ગણવો રહ્યો. કેમ કે પોણી સદી જેટલો સમય હતો, એટલે ભગવતસિંહજીને જે કંઈ સારા વિચારો આવ્યા કે પ્રજાલક્ષી કામો કરવાનું મન થયું એ અમલમાં મૂકવા તેમની પાસે બહુ સમય હતો. તેમના શાસનમાં જ બ્રિટિશરોએ ગોંડલ રાજ્યને રાજ્ય તરીકે બઢતી આપીને બીજા વર્ગમાંથી પ્રથમ વર્ગનું જાહેર કર્યુ હતું અને તોપોની સલામી નવથી વધારીને અગિયાર કરાઈ હતી.
બીજા બધા સુધારાઓ ભૂલી જઈએ અને કદાચ ‘ભગવદ્ગોમંડલ’ જેવી ગ્રંથમાળા ભગવસિંહે ગુજરાતી પ્રજાને આપી છે, એટલું યાદ રાખીએ તોય સદીઓ સુધી ભગવતસિંહનું ઋણ ઉતારી શકાય એમ નથી. શાસનમાં તેઓ આપખુદ રહ્યાં હોવા જોઈએ કેમ કે તેમણે છેેવટ સુધી સત્તા છોડી ન હતી. પણ પ્રજા પ્રત્યે તેઓ એટલા જ નમ્ર હતા, એટલે પ્રજામાં સ્વીકાર્ય પણ હતા. એક વખત પ્રજાએ તેમનું સન્માન કર્યું તો પ્રતિભાવમાં ભગવતસિંહે કહ્યુ હતું: ‘તમે મારા માટે ઉમદા શબ્દો વાપરી મારી પ્રશંસા કરી તે માટે હું તમારો આભારી છું. પણ હું તે માટે લાયક નથી. મેં કરેલાં કાર્યો અંગે તમે મારી પ્રશંસા કરી પરંતુ મેં તો માત્ર મારી ફરજ બજાવી છે.’
ભગવતસિંહનું શાસન ૧૮૮૪થી ગણીએ તો પણ ૬૦ વર્ષ લાંબું ચાલ્યું હતું. અલબત્ત, ઐતિહાસિક નોંધો પ્રમાણે તેમનું રાજ ૭૪ વર્ષ ૮૭ દિવસનું જ ગણાય છે. એટલે જ વિશ્વમાં સૌથી લાંબો સમય સિંહાસન સંભાળનારા ટોપ રાજાધિરાજોના લિસ્ટમાં તેમનો સમાવેશ થાય છે.
વિકમાતાજી (પોરબંદર), 69 વર્ષ
જેઠવા રાજ પોરબંદરે પણ વિશ્વવિક્રમમાં નામ નોંધાવ્યુ છે. ૧૮૩૧ની ૨૦મી જૂને આઠ વર્ષની બાળ વયે સત્તા પર આવેલા વિકમાતાજી (ભોજરાજ)એ ૧૯૦૦ના વર્ષની ૨૧મી એપ્રિલે ગાદીત્યાગ કર્યો કેમ કે એ દિવસે તેમનું મૃત્યુ થયું હતું. પરંતુ ત્યાં સુધીમાં તેઓ ૬૮ વર્ષ ૩૦૫ દિવસ રાજસત્તા ભોગવી ચૂક્યા હતા. બાળક રાજા ભોજરાજ મોટા થયા ત્યાં સુધી વહીવટ રાજમાતા રૃપાણીબાએ સંભાળ્યો હતો. રૃપાણીબાના કુશળ શાસન વખતે કારભારી હતાં, ઓતમચંદ ગાંધી, જેના પૌત્રને જગત મહાત્મા ગાંધી તરીકે વધારે સારી રીતે ઓળખે છે!

અલબત્ત, વિકમાતાજીનું રાજ લાંબુ જરૃર હતુ, અસરકારક નહોતું. એટલે જ બ્રિટિશ સરકારે ૧૮૬૯માં પોરબંદર રાજને પ્રથમ વર્ગના સ્ટેટમાંથી કાઢી મૂકીને ત્રીજા વર્ગમાં મૂક્યુ હતું. અને વળી રાજની વિનંતીને માન આપીને પ્રથમ વર્ગમાં ગોઠવી દીધુ હતું. વહીવટ કરતાં ધાર્મિક અને બીજી બાબતોમાં વધારે વ્યસ્ત રહેતા વિકમાતાજીને બ્રિટિશ સરકારે પોરબંદરથી બહાર રાજકોટમાં રહેવા ફરજ પાડી હતી. એ વખતે કહેવા પૂરતા તેઓ રાજા હતા, પણ શાસન તો બ્રિટિશરોના હાથમાં જ હતું
બ્રિટન તરફ પાછા જઈએ તો આ પહેલાં રાણી વિક્ટોરિયા (વર્તમાન રાણીના પરદાદી)એ ૧૮૩૭થી ૧૯૦૧ સુધી એટલે કે 64 વર્ષ કરાત વધુ સમય સત્તા સંભાળી હતી. વર્તમાન રાણી એલિઝાબેથ 6ઠ્ઠી ફેબ્રુઆરી 1952થી સત્તા પર છે. એ દિવસે રાતે ૧ વાગ્યે તેમના પિતા જ્યોર્ચ છષ્ટમનું અવસાન થયું એ વખતે તેઓ આપોઆપ રાણી બની ગયા હતાં અને પછી તેમની સત્તાવાર તાજપોશી થઈ હતી.
બ્રિટિશ રાણી, ખાલી નામના
બ્રિટિશ પરંપરા પ્રમાણે તેઓ રાણી હતાંં, પણ તેમના હાથમાં સત્તા હોતી નથી. રાણીનું વાર્ષિક બજેટ પણ સંસદ નક્કી કરે છે. બ્રિટનમાં જ મોટો વર્ગ રાજાશાહીનો વિરોધી છે. વારંવાર એ વાતનો વિરોધ પણ થયો છે કે રાજવીઓના ખર્ચ પ્રજા શા માટે ઉઠાવે. એ સિવાય પણ રાજ પરિવારમાં ઘણા વિવાદો થયા છે.

હવે જગતમાં ત્રીસેક દેશો એવા છે, જ્યાં સાચી-ખોટી રાજાશાહી છે. ભારત જેવા દેશમાં જોકે રજવાડાંઓ ગયા પછીય તેમના વારસદારોને રાજાધીરાજ માનીને ચાલનારા પ્રજાજનોની કમી નથી.