ભાજપના ધારાસભ્યે માગી મોદી લડ્યા હતા તે લોકસભાની સીટ, ટીકિટ ન મળે તો આપી આ ચીમકી

ભાજપના બાહુબલી નેતા અને ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવે આગામી લોકસભા ચૂંટણી વડોદરાથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આગામી લોકસભા બેઠક પરથી પુરુષ ઉમેદવારને જ ટિકિટ મળશે અને કોઈ પણ ભોગે વડોદરામાં લોકસભા બેઠકથી ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે. તેમણે જો ટિકિટ નહી મળે તો બાહુબલી સ્ટાઈલથી ચૂંટણી જંગમાં ઉતરવાનો પણ હુંકાર કર્યો છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અસંતોષનો માહોલ

ગત લોકસભામાં વડોદરાની બેઠકમાં મોદી ચૂંટણી લડ્યા હતા અને ભારે બહુમતીથી જીત્યા હતા. બાદમાં તેમણે વડોદરાને બદલે વારાણસી બેઠક પસંદ કરતાં વડોદારમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં હાલમાં આ સીટ ભાજપ પાસે છે. આ વર્ષે લોકસભામાં 26માંથી 26 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ કામગીરી કરી રહી છે પણ આ શક્ય ન હોવાનું ભાજપ પણ સારી રીતે જાણે છે. ગુજરાત ભાજપમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની એક લાંબી ચાલે છે. હાલમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના નેતાઓ રૂપાણી સરકારથી થોડી નારાજ ચાલી રહ્યાં છે. જેમાં મધુ શ્રી વાસ્તવનો પણ સમાવેશ થાય છે.

ભાજપ કોઈ પણ સંજોગોમાં નારાજગી દબાવવા પ્રયત્ન કરશે

મધુ શ્રીવાસ્તવ અગાઉ પણ ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી ચૂક્યા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાજપના નેતાઓને સરકારમાં પ્રાધાન્ય ન મળતું હોવાનો તેઓનો બળાપો છે. વાઘોડિયાથી સતત ચૂંટણી જીતતા મધુ શ્રીવાસ્તવ ભાજપના કદાવર નેતા ગણાય છે. જેઓએ વડોદરા બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા જતાવી છે. ભાજપ માટે આ માગ પૂરી કરવી એ હાલના તબક્કે શક્ય નથી. ભાજપ આ લોકસભાની ચૂંટણીમાં ફૂંકી ફૂંકીને ચાલી રહી છે. ભાજપમાં આંતરિક અસંતોષ વચ્ચે લોકસભા પહેલાં ભાજપ કોઈ નારાજગી સામે ન આવે તે માટે પૂરતા પ્રયાસો કરી રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter