સ્પેનિશ કલબ બાર્સેલોનાના આર્જેન્ટાઈન સુપરસ્ટાર લાયોનેલ મેસીને કારકિર્દીમાં છઠ્ઠી વખત ફિફા પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મેસી એ ગત મહિને યુરોપીયન ફૂટબોલર ઓફ ધ યરનો એવોર્ડ જીતનારા લીવરપૂલના ખેલાડી વિર્જિલ વાન ડિજ્ક તેમજ તેના પરંપરાગત હરિફ એવા યૂવેન્ટસના ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને પાછળ રાખીને ફિફાના શ્રેષ્ઠ ફૂટબોલરનું સન્માન મેળવ્યું હતુ. વિર્જીલ બીજા અને રોનાલ્ડો ત્રીજા ક્રમે રહ્યા હતા. અમેરિકાની મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન મેગન રાપિનોને બેસ્ટ વિમેન પ્લેયર તરીકેનું સન્માન આપવામાં આવ્યું હતું. ઈટાલીના મિલાન શહેરમાં યોજાયેલી રંગારંગ સમારંભમાં ફિફાના પ્રમુખ ઈન્ફાટિનોએ ખેલાડીઓને ટ્રોફી આપવાની સાથે તેમનું સન્માન કર્યું હતુ.
બેસ્ટ મહિલા ફૂટબોલ કોચ તરીકેનો એવોર્ડ જિલ ઇલિસને મળ્યો હતો. જ્યારે જુર્ગેન ક્લોપ્પને બેસ્ટ મેલ ફૂટબોલ કોચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ફિફા એવોર્ડની રેસમાં ત્રીજા ક્રમે રહેલા રોનાલ્ડોએ આ સમારંભમાં હાજરી આપવાનું ટાળ્યું હતુ અને તે ઘરે બેસીને કોઈ પુસ્તક વાંચી રહ્યો હોય તેવી તેની તસવીર સોશિયલ મીડિયામાં શેયર થઈ હતી.
મેગન રાપિનોએ અમેરિકાની મહિલા ફૂટબોલ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ટુર્નામેન્ટમાં છ ગોલ ફટકારવાની સાથે સાથે ગોલ્ડન બૂટ અને બેસ્ટ પ્લેયર તરીકેનો ગોલ્ડન બોલ એવોર્ડ પણ જીત્યો હતો.
૩૨ વર્ષીય ફૂટબોલર મેસી આ અગાઉ ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૫માં ફિફા પ્લેયર ઓફ ધ યર તરીકેનું સન્માન મેળવી ચૂક્યો છે. ૩૨ વર્ષના મેસીએ ટીમને લા લીગામાં ચેમ્પિયન બનાવવાની સાથે સાથે ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો હતો. બેસ્ટ કોચ તરીકેની રેસમાં લીવરપૂલના કોચ જુર્ગેન ક્લોપ્પ સૌથી આગળ નીકળી ગયા હતા. જ્યારે માંચેસ્ટર સિટીના પેપ ગ્યુર્ડિઓલા અને ટોટેનહામના મૌરિસિયો પોચેટ્ટિનોને ત્યાર બાદના ક્રમ મળ્યા હતા.
ફિફા ટીમ ઓફ ધ યર
એલિસન (ગોલકિપર), કિલિયન એમ્બાપ્પે, ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને લાયોનેલ મેસી (ફોરવર્ડ્સ), લુકા મોડ્રિચ, ફ્રેન્કિન ડી જોંગ, એડન હેઝાર્ડ (મીડ ફિલ્ડર્સ), મિથિસ ડી લિગ્ટ, સર્જીયો રેમોસ, વિર્જિલ વાન ડિજ્ક, માર્સેલો (ડિફેન્ડર્સ).
મેસીના મતે બેસ્ટ પ્લેયર્સ
૧. સાદિયો માને
૨. ક્રિસ્ટીયાનો રોનાલ્ડો
૩. ફ્રેન્કી ડે જોંગ
રોનાલ્ડોના મતે બેસ્ટ પ્લેયર્સ
૧. મિથિજ્સ ડે લિગ્ટ
૨. ફ્રેન્કી ડે જોંગ
૩. કિલિયન એમ્બાપ્પે
Read Also
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી