GSTV
Ajab Gajab GSTV લેખમાળા ગુજરાત

શિકાર સામે હોવા છતાં સિંહ કેમ જગ્યા પરથી હલતો ન હતો, વન વિભાગે જાણ્યું કારણ અને પછી કરી અનોખી કામગીરી

Lion eye treatment : સિંહ હોય એ વિસ્તારમાંથી અન્ય પશુઓ નીકળવાનું પસંદ ન કરે. પરંતુ થોડા વખત પહેલા ગીરના જંગલમાં ભારે અજબ ઘટના બની હતી. એક પાંચ વર્ષનો નર સિંહ જામવાળા રેન્જ વિસ્તારમાં બેઠેલો જોવા મળ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ જોયું તો એ સિંહ સતત ત્યાં જ બેસી રહેતો હતો. એટલું જ નહીં તેની આસપાસ કોઈ પશુ નીકળે તો પણ સિંહ હલતો-ચલતો ન હતો. સિંહ તો તુરંત તરપા મારીને શિકાર કરી શકે.. પરંતુ શા માટે આ સિંહ તેના સ્થળેથી હલતો-ચલતો ન હતો.. વનવિભાગને શંકા ગઈ તો તપાસ કરી. એ પછી જાણવા મળ્યું કે સિંહ પોતાની દૃષ્ટિ લગભગ ગૂમાવી ચૂક્યો છે. દૃષ્ટિ વગર સિંહ શિકાર ન કરી શકે. એ સિંહને આસપાસમાં કોઈ સજીવ કે શિકાર હોવાની જાણકારી અવાજ દ્વારા મળતી હતી. પરંતુ દેખાતુ ન હોવાથી એ શિકાર કરી શકતો ન હતો. શિકાર વગર તો લાંબો સમય કેમ જીવી શકે?

માટે વન-વિભાગ અને જૂનાગઢના સક્કરબાગ ઝૂના અધિકારીઓએ સિંહની સારવાર કરવાનું નક્કી કર્યું. સિંહની સારવાર એ નવી વાત નથી. ગીરમાં સિંહોના તબીબો પણ છે અને ઓપરેશન થિએટર સહિતની સગવડ છે. પરંતુ આ કિસ્સો સાવ અનોખો હતો. કેમ કે સિંહને દૃષ્ટિ પાછી અપાવવા માટે લેન્સ બદલવો પડે એમ હતો. અગાઉ આ રીતે કોઈ સિંહનો લેન્સ બદલાયો ન હતો. માટે ઓપરેશન પડકારજનક હતું. બીજી તરફ સિંહને દૃષ્ટિ ન મળે તો એ શિકાર ન કરી શકે અને શિકાર ન કરે તો જીવી ન શકે. માટે સારવારનું જોખમ તો લેવું જ પડે એમ હતું.

સિંહની જરૃર પ્રમાણેનો નેત્રમણી બનાવી આપે એવી લેબોરેટરી પણ શોધવાની હતી. એવી લેબોરેટરી મદુરાઈમાં હોવાની જાણકારી મળી. પરંતુ એ લોબેરેટરીને સિંહની આંખનું માપ મોકલવું પડે. એ માપ અને અન્ય વિગતો હોય તો જ એક્ઝેટ એવો નેત્રમણી બની શકે. એ કામ કપરું હતું. ત્યાં કુદરત વન-વિભાગની મદદે આવી.

એક સિંહનું કુદરતી મોત થયું. તેની આંખો કાઢી લેવાઈ. ઓપરેશન થિએટરમાં એ આંખને લઈ તેનું માપ, વગેરે વિગતો મેળવી મદુરાઈ મોકલાઈ. એ પછી લેન્સ બનીને આવ્યો અને સિંહને ફીટ કરી દેવાયો. અત્યારે એ સિંહ દેખતો થયો છે. વન-વિભાગે તેના પ્રયોગો પણ કરી જોયા છે. અગાઉ જે સિંહ સૂનમુન બેસી રહેતો હતો એ હવે કોઈ સામે આવે તો તુરંત સળવળી ઉઠે છે. આ સિંહને અત્યારે ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો છે. આગામી દિવસોમાં એ સંપૂર્ણ સ્વસ્થ થશે ત્યારે જંગલમાં છોડી દેવામાં આવશે.

સિંહ સહિતના બિલાડ કુળના સજીવોની આંખો રાતે અંધારામાં ચમકતી હોય છે. કુદરતે તેની આંખોને વિશિષ્ટ ક્ષમતા આપી છે. મનુષ્યની આંખના મણી કરતા સિંહની આંખનો મણી લગભગ ડબલ સાઈઝનો હોય છે. આંખમાં એવી પણ સુવિધા હોય છે, જેના કારણે એ રાતના અંધારમાં વધારે દૂર સુધી અને વધારે સ્પષ્ટ રીતે જોઈ શકે છે. મનુષ્યની આંખો જોઈ ન શકે એવી જંગલની અંધારી દુનિયાની હલચલ સિંહો જોઈ શકે છે.

Related posts

આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી

Nakulsinh Gohil

અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું

Nakulsinh Gohil

અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો

Nakulsinh Gohil
GSTV