GSTV

પત્ની પિયર ક્યાં ગઈ પતિએ એવું પગલું ભરી લીધું કે હવે એકને બદલે રૂમમાં રાતે 2 મહિલાઓ હતી, આખરે એવું થયું કે …

”બાપડી લતા આજે સાવ નોધારી થઈ ગઈ. આમેય અહીં તેની અવદશા ઓછી નહોતી… એ તો ભૈ વખત-વખતને માન છે.” શોભનાએ નિસાસો નાખી બાજુમાં ઊભેલી બીજી પાડોશણને કહ્યું, ”હા બહેન, એક જમાનામાં તે આ ઘરની રાણી હતી, પણ તરુણ બીજી સ્ત્રી ઘરમાં લઈ આવ્યો, ત્યારથી બાપડી લતાના જીવનમાં પાનખર આવી ગઈ.” પાડોશણે સૂર પુરાવ્યો. રિક્ષામાં સામાન મૂકતી લતાએ એક નજર તેના ફ્લેટ પર નાખી. આ ઘરમાં તેણે પોતાના દામ્પત્યનાં પંદર હૂંફાળાં વર્ષો વિતાવ્યાં હતાં. તેને વળાવવા ભેગી થયેલી પાડોશણોનાં ગળે ડૂમા ભરાઈ આવ્યા હતા અને આંખોની કિનારીઓ આંસુઓથી છલકાઈ ગઈ હતી.”બસ, નીકળવું છે, લતા? તને જ્યારે મન થાય, ત્યારે પાછી અમારી પાસે જરૃર આવજે. અમે તો તારી બહેનપણીઓ છીએ…” શોભનાએ કહ્યું, એટલે લતા તેને ભેટી પડી.

પછી રડતી રડતી બોલી, ”હવે અંજળ-પાણી ઊઠી ગયાં શોભી! જીવન કૂતરા-બિલાડાની જિંદગી જેમ પૂરું કરવા સિવાય બીજું હવે બાકી પણ શું રહ્યું છે? મેં કોઈનું શું બગાડયું’ તું કે કુદરતે મને જ આવો દી દેખાડયો? મારી હયાતીમાં મને પૂછયા-ગાછયા વિના તરુણ બીજી વહુ લઈ આવ્યો, તેમ છતાં મેં તે જીરવી લીધું! અને એ બાઈને બહેન ગણીને મેં તરુણની મરજીને માથે ચડાવી લીધી… પણ તેનો બદલો તેણે…” ”મોટી બહેન, મૂકો ને એ બધી વાત, ગાડીનો વખત થવા આવ્યો છે…” લતાના ભાઈએ રિક્ષામાં બેસતાં કહ્યું. આંસુભરી આંખે લતાએ સહુની સામે છેલ્લી વખત જોયું, પછી હાથ લાંબો કરી સહુની વસમી વિદાય લઈને તે રિક્ષામાં બેસી ગઈ. પ્લેટફોર્મ પર ગાડી ઊભી હતી. લતાએ એટેચી તો અંદર મૂકી, પણ પછી ડબાના બારણે જ ઊભી રહી ગઈ. ”શું છે? ઘડી સૂવા દે હજી…” કહેતાં તરુણે આંખો ખોલી, તો અચંબો પામીને તે જોઈ જ રહ્યો, ”તું…? અચાનક ક્યાંથી આવી…? તને કોણે તેડાવી હતી?”

”એ બધું પછી, પણ પહેલાં એ કહો કે તમારી સાથે આ અજાણી બૈરી કોણ છે અને કેમ આવી છે?” ”એ અજાણી બૈરી નથી. ગામડેથી તેને પરણીને લાવ્યો છું…” તરુણે જરાય અચકાયા વગર કહ્યું. ”મારી અનુમતિ કે મરજી વિના પરણી લાવ્યા છો?”’વંશવેલો વધારવા માટે પરણવામાં તારી અનુમતિની કશી જરૃર ન પડે. મારે તો કુળદીપક જોઈએ… તારે અમારી સાથે શાંતિથી પડી રહેવું હોય, તો રહેવાની છૂટ આપું છું એટલો મારો પાડ માન…””તમારી સાથે…?” લતાને જાણે કોઈએ જોરદાર તમાચો માર્યો હોય! ”હું તમારી પરણેતર છું અને તમે મને તમારી સાથે પડી રહેવાનું કહો છો? હું કંઈ તમારી રખાત છું…?” ”આ પણ મારી પરણેતર જ છે.” ”પણ મારી મંજૂરી વગર? તમે જાણતા જ હશો કે એ ગુનો ગણાય છે! એક પત્નીની હયાતીમાં બીજાં લગ્ન કેમ થાય?””પત્ની સંતાન ન આપી શકે, તેવા સંજોગોમાં કાયદો નથી નડતો…” ”તરુણ તમે મારી લાગણીઓ જોડે ચેડાં કરી રહ્યાં છો”.

”મોટી બહેન બેસી જાવ, નહીં તો પછી જગ્યા નહીં રહે…” લતાને ભાઈનો અવાજ કાને તો પડયો… અભાનપણે એ થોડી ખસી પણ ખરી… પરંતુ તેની નજર સ્ટેશનમાં દાખલ થવાના દરવાજે સ્થિર થઈ ગઈ હતી… અવારનવાર જ્યારે તે પિયર જતી હતી ત્યારે તરુણ ઓફિસેથી બારોબાર સ્ટેશને એને વળાવવા પહોંચી જતો. એ વખતે લતા આમ બારણામાં ઊભી ઊભી જ ઘરની સારસંભાળ બાબત અનેક સલાહ સૂચનાઓ આપતી. તરુણ પણ એક અજ્ઞાંકિત સેવકની જેમ માથું ધુણાવ્યા કરતો અને બધાં જ સલાહ સૂચન સાંભળતો રહેતો. ગાડી ઊપડવાની સીટી વાગે, ત્યારે એ લતાનો હાથ પકડીને કહી દેતો, ”જલદી પાછી આવજે, લતુ! એકલા-એકલા અહીં મને નહીં ગમે…” ગાડીની સીટી વાગી ગઈ. અચાનક દરવાજે સ્થિર થયેલી તેની આંખો છલકાઈ ગઈ… હવે તો તેને એકલા પડવાનો સવાલ જ નથી, નવી વહુનો તેને સંગાથ હશે જ ને! જોકે એ મને પત્ની ગણે કે ન ગણે, હું તો હૃદયથી હજી તેને મારો પતિ ગણું જ છું…

ગાડી સરકવા લાગી એટલે ભાઈએ આવીને કહ્યું, ”હવે તો તમારી જગ્યાએ બેસી જાવ મોટી બહેન…!” લતા ચૂપચાપ આંખો લૂછતી પોતાની બેઠક પર જઈને બેઠી. તેના અંતરમાં વાવાઝોડું ફૂંકાતું હતું… પંદર વર્ષ પહેલાં તરુણ સાથે જ્યારે પહેલી વખત મેળાપ થયો હતો, ત્યારે એ કેવો આકર્ષક છતાં શાંત અને સમજુ દેખાતો હતો! વિચારો પણ કેટલા ઊંચા હતા…! સપ્તપદીના ફેરા વખતે તેણે કાનમાં કહ્યું હતું, ”લતા, હું તારા દરેક સુખ અને દુ:ખમાં તારો સાથ નિભાવીશ… જીવનની હરિયાળીમાં જ માત્ર નહીં, પરંતુ ખારાપાટની વેરાન કેડીએ પણ તું મને હંમેશાં તારા પડછાયા જેમ જોઈ શકીશ…” વાત પણ સાચી હતી! એકધારાં પંદર વર્ષો સુધી બંને જણાંએ સુખદુ:ખ એકબીજાના આધારે સહન કર્યાં હતાં, તેમાં મીન-મેખ નથી, પણ પછી તો તરુણ સાવ જ અચાનક અજાણ્યો બની ગયો અને એવો અજાણ્યો કે જીવનમાં જાણે ક્યારેય, ક્યાંય મેળાપ જ ન થયો હોય.

આમ તો લતા સાવ કોરી કૂખની નહોતી, તેમ છતાં પણ સુવાવડેય પાર નહોતી પડતી. સગર્ભા બનતી અને થોડા ગાળા પછી દેખીતા કારણ વિના ગર્ભપાત થઈ જતો… તેણે તરુણને કહેલું પણ ખરું કે જો એનું મન માનતું હોય., તો અનાથશ્રમમાંથી કોઈ બાળક દત્તક લઈ લે અથવા તો… અથવા તો એ બીજાં લગ્ન કરી લે. એ વખતે તરુણ બીજાં લગ્નના ઉલ્લેખ માત્રથી વિફરી બેસતો. લાગણીની આવી બળૂકી સરવાણીમાં વહેતી લતા વિચારતી કે, ‘મારા જેટલું સુખી બીજું કોણ હશે? સાચું પૂછો તો દરેક સ્ત્રીને તરુણ જેવો જ પતિ મળવો જોઈએ…!’ એક વખત લતા જ્યારે પિયર ગઈ હતી, ત્યારે તરુણને તાત્કાલિક એકલા આવી જવા માટે લતાની સાસુએ જણાવ્યું, પણ તરુણ ત્યાંથી પાછો આવ્યો, ત્યારે એકલો નહોતો. તેની સાથે બેડોળ શરીરવાળી ગમાર જેવી એક સ્ત્રી પણ હતી. બધાંને એમ થયું કે ગામડાનું કોઈ સગું-સંબંધી હશે, પણ પડોશીની સ્નેહાએ એ બાઈને શણગાર સજીને તરુણની સાવ પાસે બેઠેલી જોઈ, એ પછી આ વાત તેણે અન્ય પાડોશણોને પણ કહી દીધી.

આ ચર્ચાના આધારે શોભનાએ તાત્કાલિક લતાને પત્ર લખ્યો. ‘પ્રિય લતા, આ વખતે લાંબુ વેકેશન પાડયું લાગે છે, પણ અહીં તારા વિના તારા તરુણકુમારની તબિયત બગડેલી દેખાય છે અને પોતાની રીતે એ ઉપચાર-સારવાર લેતા હોય તેમ લાગે છે, આથી આ પત્રને તાર સમજીને ઝડપથી આવી જા, તો સારું. એ જ લિ. તારી શુભેચ્છક શોભના.’ પત્ર ઘણો ટૂંકો હતો, પણ લતાને સમજમાં આવી ગયું કે નક્કી કશી ગરબડ હશે. આટલા સમયમાં તરુણનો પણ ફોન કે પત્ર નહોતો આવ્યો. તેણે ઝડપથી સામાન પેક કર્યો અને બને એટલી ઝડપે તે વડોદરા જઈ પહોંચી ગઈ. સવારે પાંચ વાગ્યે લતાએ ઘરની ઘંટડી વગાડી, ત્યારે એક કદરૃપી અને ગમાર જેવી સ્ત્રીએ બારણું ખોલ્યું અને ઊંઘરેટા અવાજે પૂછ્યું, ”કોણ છે?” કશો જ ઉત્તર વાળ્યા વિના લતા ઘરમાં પેસી ગઈ. તરુણ ઊંઘતો હતો, તેની પાસે જઈને લતાએ તેના કપાળે હાથ મૂક્યો, પણ તાવ જણાયો નહીં. ‘… તો શોભનાએ…?’ પત્રનો ખ્યાલ આવતાં જ તે સહેજ ચમકી…’ તરુણે ક્યાંક રખાત તો…? ના, ના, અમે છૂટા પડયાં તે વખતે તો એવો કશો અણસાર પણ નહોતો… પણ તો પછી આ સ્ત્રી કોણ…?’ લતાએ તરુણને હલબલાવતાં કહ્યું, ”જાગો, તરુણ…” કર્યાં છે. મેં તો જોકે ઘણા વખત પહેલાં બીજાં લગ્ન કરી લેવા માટેની સલાહ આપી હતી, પણ ત્યારે તમે જ તેને ઠોકરે મારી દીધી હતી, હવે અચાનક એવી શી ઉતાવળ આવી ગઈ કે મને જાણ પણ ન કરી?” ”જ્યાં સુધી ઉપચાર ચાલુ હોય ત્યાં સુધી તો આશા રહેતી હોય છે, પણ જ્યારે જખમ સડી જાય, ત્યારે એ અંગ કાપી નાખવાની ફરજ પડે છે. મેં પણ એમ જ કર્યું છે…”

”તારો ખોળો ખાલી છે એટલે જાણીજોઈને તને લગ્નમાં નહોતી બોલાવી. નવોઢા પાસે વાંઝણીને ફરકવા દેવાથી અપશુકન થાય છે, એટલે તને આઘી રાખવાની તાકીદ કરી હતી…” બીજી બૈરીએ વચ્ચે બોલાવા માંડયું એટલે લતા કાળઝાળ થઈ ગઈ. ”હું વાંઝણી નથી…” લાંબા સમય સુધી વાદવિવાદ કર્યા પછી લતા થાકીને લોથપોથ થઈ ગઈ. થોડીવાર પછી રસોડામાં જઈને તેણે ચા બનાવી. એક કપ લઈને તરુણ પાસે ગઈ, પણ એ નવી બૈરી જોડે બેસીને ચા પીતો હતો. લતા કપ પકડીને ઊભી રહી, પણ તરુણ એક શબ્દેય ન બોલ્યો. દિવસ ખાસો ચડી ગયો હતો, પણ લતા તો ગાંસડીની માફક બેસી રહીને ભોંય ખોતરતી રહી. સાંજ ઢળતાં તેણે તરુણની પસંદગીનું સેવ-ટામેટાંનું શાક અને પૂરી રાંધવાનો વિચાર કર્યો, પણ રસોડામાં પહોંચીને જોયું તો નવી બૈરી શીરો-પૂરી બનાવતી હતી. લતા પર નજર પડતાં જ તેણે મોં મચકોડતાં કહ્યું, ”તમારે વારેવારે રસોડામાં આંટા મારવાની જરૃર નથી…”

લતાના બધા હક છીનવી લેવાયા હતા. એ ઓછું હોય તેમ તરુણનું વર્તન પણ બદલાઈ ગયું હતું. લતા રહીરહીને વિચારતી હતી કે, ‘આખરે આ પગલું લેવાની તેને શી જરૃર પડી?’ આ પ્રશ્ન હથોડાની માફક વારેવારે તેના મગજ પર અફળાતો હતો. મોડેથી લતા બહાર નીકળી, ત્યારે શોભનાની પાસે બેસીને ઘણુંબધું રડી. જેમતેમ કરીને વખત વીતતો ગયો. પોતાના જ ઘરમાં લતાની સ્થિતિ નોકરાણી જેવી થઈ ગઈ હતી. તેની આવી અવદશા જોઈને શોભનાએ તેના ભાઈને કાગળ લખીને તેડાવી લીધો હતો. પિયરમાં લતા તેનાં ભાઈ સાથે રહેવા લાગી. મન સ્થિર થતાં નોકરી શોધવાના પ્રયત્નરૃપે રોજ છાપાંની બધી જાહેરખબરો ધ્યાનથી જોતી, ત્યારે તેની ભાભી કહેતી, ”અમારી સાથે રહેતાં હો, પછી તમારે નોકરી કરવાની શી જરૃર છે? તમને સાચવી શકાય એટલું તો તમારા ભાઈ કમાય છે હોં લતાબહેન. તમે અમને હજી જુદાં ગણો છો?” ”એવું નથી ભાભી! નવરા બેઠાં બેઠાં વિચારે ચડી જવાય છે, એટલે કંઈક પ્રવૃત્તિ હશે, તો મગજ ઠેકાણે રહેશે. ભાભી, તમને ખ્યાલ નહીં હોય, પણ તમારું પોતીકાપણું મને કેટલો સધિયારો આપે છે, તે હું કહી શકું તેમ નથી!”

થોડાં સમયમાં લતાને નોકરી મળી ગઈ એટલે તે કામમાં મગ્ન અને આનંદમાં રહેવા લાગી. શોભના, સ્નેહા અને કંચન સાથે પત્રવ્યવહાર દ્વારા સુખદુ:ખની વાતો જાણવાનું ચાલુ રહ્યું હતું. લતા પ્રવૃત્તિમય બની ત્યારથી કુદરતી રીતે તેનું સૌંદર્ય વધુ ને વધુ ઊઘડવા લાગ્યું. તેનો નાજુક-નમણો શારીરિક બાંધો જોઈને તેની ઉંમરનો સાચો અંદાજ બાંધવો મુશ્કેલ હતો. એક દિવસ ઓચિંતા મોટા ભાઈના એક નજીકના મિત્રે લતા સમક્ષ લગ્નની દરખાસ્ત મૂકી, પણ તેનો લતાએ જવાબ ન આપ્યો. મોટા ભાઈએ પણ તેના મિત્રને લતાના ભૂતકાળની કરમકથની વિગતવાર કહી સંભળાવી હતી. આમ બંને પક્ષે અરસપરસ સ્પષ્ટતા કરી નાખેલી હતી. પુનર્લગ્ન માટે કશો નિર્ણય લેતાં લતા ખચકાતી હતી, આથી તેણે આ બાબતમાં શોભનાની સલાહ લેવા પત્ર લખ્યો. તેના જવાબમાં શોભનાએ લતાને, આ વાત વધાવી લેવા અને જલદી પ્રસંગ ઉકેલી નાખવાની સલાહ આપી. લતા હવે શ્રીમતી અમીત દેસાઈ બની ગઈ હતી. ગર્ભાશયનું એક ઓપરેશન કરાવીને, હવે તે એક બાળકીની માતા પણ બની ગઈ હતી. લગભગ એક મહિના પછી તેણે શોભનાને પત્ર લખીને વેળાસરની યોગ્ય સલાહ માટે આભાર વ્યક્ત કર્યો. શોભનાનો જવાબ આવ્યો તેમાં તેણે લખ્યું હતું.

‘પ્રિય લતા, નવું જીવન બધી રીતે સુખદ બની રહે તેવી શુભેચ્છા. બીજા સમાચાર લખવા કે નહીં, તે અંગે મનમાં અવઢવ છે, છતાં કુદરત કોઈને છોડતી નથી, તે જણાવવા માટે જ લખું છું કે આજે હવે તરુણ ખરેખર ખૂબ માંદો અને નિરાધાર છે. તેની સારવાર કરનારું કોઈ નથી. નવી બૈરીને પણ બાળક ન થયું એટલે રોજ બેઉ વચ્ચે ચડભડ થવા લાગી હતી. છેવટે એ બાઈ પણ તરુણને ઊભો મૂકીને ચાલી ગઈ. છેલ્લા ઘણા વખતથી તરુણ એકલો જ અહીં રહે છે. સાચું પૂછો તો તેને ઘણો પસ્તાવો થયો હશે. તને દીકરી જન્મી છે એ સમાચાર જાણ્યા પછી એ પોતાની જાતને જ ગુનેગાર માનવા લાગ્યો છે…’ … લતાએ શોભનાનો પત્ર વાંચીને, સામાન્ય પત્રની જેમ એક બાજુ મૂકી દીધો. મનમાં તેને ઘણુંય એવું થતું હતું કે આવા કપરા સમયે તેણે તરુણ પાસે રહેવું જોઈએ, પણ તરત જ અંતરમાંથી અવાજ ઊઠયો કે, ”એ વળી કે’દાડે મનથી તંદુરસ્ત હતો? એ તો સાવ સ્વાર્થી માણસ છે. તેને કારણે તો ઘર હોવા છતાં હું નિરાધાર થઈ ગઈ… હવે મારે તેની સાથે શી લેવાદેવા!” ”પણ માણસાઈના સંબંધેય કશી લેવાદેવા નથી?” ”ના, એ પણ મારા કપરા કાળમાં માણસાઈ દેખાડી શક્યો હતો? હવે મારે તેની સાથે કશો જ સંબંધ નથી… નથી અને નથી જ…” પત્રના ટુકડેટુકડા કરીને લતાએ કચરા ટોપલીમાં ફેંકી દીધા.

Related posts

સાવધાન: માસ્કમાં પણ ચાર દિવસ સુધી રહે શકે છે કોરોના, જાણો બીજી કઈ વસ્તુઓ પર છે શંકા

Pravin Makwana

કોરોનાથી મોત થાય તો વીમા કંપનીએ વળતર આપવું જ પડશે, કોઈ બહાના નહીં ચાલે

Pravin Makwana

LIC ની ખાસ પોલિસી : 150 રૂપિયા ખર્ચ કરવા પર મળશે 19 લાખ, જરૂરિયાતના સમયે મળશે પરત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!