કનુભાઈ બી રાઠોડ ( નિવૃત્ત એડિશ્નલ ડિસ્ટ્રિક્ટ જજ ) : ગુજરાતમાં જુગાર પ્રતિબંધનો કાયદો છે. તે કાયદાની કલમ 4 અને 5 મુજબ પોલીસ જ્યારે તેની હાયર ઓથોરીટી પાસેથી જયાં જુગાર રમાતો અને રમાડાતો હોય ત્યાં રેઈડ પાડવાનું વોરંટ મેળવી રેઇડ પાડી જુગારીઓને પકડી કેસ કરે. તેના માટે આ કલમો લાગુ પડે.
બીજી કલમ 12 એવી છે કે પોલીસ કોઇ જુગારીઓને જાહેરમાં એટલે શેરી ગલીઓમાં કે બગીચામાં કે બીજી જાહેર જગ્યાએ ગંજીપતાનો તીનપત્તીનો કે બીજો કોઇ જુગાર કે વરલી મટકાનો જુગાર રમતા પકડી કેસ કરે. તેના માટે આ કલમ લાગુ પડે.
આ કાયદાનો અમલ કરાવવા માટે જુગારીઓ ને પકડી કેસો કરવાની સત્તા માત્ર પોલીસને છે. પોલીસ સિવાય બીજી વ્યક્તિને કેસ કરવાની સત્તા નથી. રેઇડ હંમેશા જુગારના અડ્ડામાં કલમ 4 મુજબ પડે. જાહેર જગ્યાએ રમાતા જુગાર માટે રેઈડ શબ્દ નથી.
સામાન્ય રીતે જે તે પોલીસ સ્ટેશનની હદના વિસ્તારમાં જુગાર ક્યાં રમાય છે તેની પોલીસને ખબર જ હોય. કારણ પોલીસની મીઠી નજર હેઠળ જુગાર રમાતો હોય છે. અથવા પોલીસને જાણભેદૂઓ મારફત ખબર જ હોય છે. સામાન્ય રીતે પોલીસ જ્યારે જુગારના અડ્ડા પર રેઈડ પાડે એટલે પાંચ, દસ, બાર, પંદર કે પચીસને તીનપત્તીનો જુગાર રમતા હોય તેના પત્તા, રોકડ રકમ, પટ્ટમાં પડેલ રકમ, જે તે ના ખીસ્સા ફંફોસીને કબજે કરવા માટે પડાવી લેવાતી રકમમાંથી સૌ પહેલા પોલીસ મન પડે તેટલી રકમ લઇને પોત પોતાના ખીસ્સા ભરી હજમ કરી જાય. પછી અનુકૂળ પડે તેટલી મામૂલી રકમના પૈસાનો રેકર્ડ પર ઉલ્લેખ કરી પંચનામું અને FIR નોંધવાની કામગીરી શરૂ કરતી હોય છે.
આ કામગીરીમાં પોલીસ દરેક જુગારીયાઓના મોબાઇલ હેન્ડસેટ અને ત્યાં સ્થળ પર પડેલ વાહનો જેવા કે મોટર સાયકલો, રીક્ષાઓ, મોટર કારો વિગેરે કબજે કરી ગુનેગારોને એરેસ્ટ કરી સ્ટેશન પર આવી મન પડે તે મતલબનુ પંચનામુ અને એફ. આઇ. આર. તૈયાર કરી ગુનો નોંધી કામગીરી બતાવે.
જુગાર મુદામાલ તરીકેના કબજે કરેલ ગંજીપતાની કિંમત zero કિંમત દર્શાવે. બાકી મન પડે તેવી પણ મામુલી રકમની જુગારના કહેવાતા કબજે કરેલ રુપીયાની રકમ બતાવે, કબજે કરેલ મોબાઇલ અને વાહનોની કિંમત તો લાખોમાં રેકર્ડ પર પંચનામામાં અને FIRમાં બતાવે. મોટી રકમનો તોડ કરી કોઇ મોટો માણસ જો આ જુગારના અડ્ડામાં જુગાર રમતા પકડ્યો હોય તો તેનો મોટી રકમનો તોડ કરી છટકાવી દે; યાને કે ત્યાંથી ભગાડી મુકે. બાકીના જુગારીયાઓને પોલીસ સ્ટેશનમાં ચોવીસ કલાક સુધી લોકઅપમાં નહિ રાખવાનો પણ તોડ કરી જામીન પર છોડાય.
જુગારની રકમ રેકર્ડ યાને કે પંચનામાં અને FIRમાં તો મામૂલી પાંચ, પંદર, સતર હજારની આજુબાજુ બતાવે. પરંતુ બીજા દિવસે છાપામાં સમાચાર છપાય કે ફલાણા ઢીકડા પોલીસ સ્ટેશનના પી આઈ કે પી એસ આઈ એ જુગારના અડ્ડા પર રેડ કરી (મોબાઇલના હેન્ડસેટસ અને વાહનોની કિંમતનો સરવાળો બતાવી )લાખો રુપિયાનો પોલીસે મુદ્દામાલ કબ્જે કરેલ છે. પોલીસની વાહવાહ થાય.
આ રીતે જુગારની રેડ થયા પછી કેસ થાય એટલે પછી તરત જ અથવા થોડા દિવસ પછી જુગારીયાઓ પૈકીના આરોપીઓ પોત પોતાના મોબાઇલ હેન્ડ સેટ અને વાહનો તાત્કાલિક પાછા મેળવવા વકીલ રોકી કોર્ટમાં અરજીઓ કરે. વકીલોને આ બહાને રોજીરોટી મલે. સારી એવી મોટી કિંમતની લક્ઝરી કાર પકડાઈ હોય અને જે તે કોર્ટનાં મેજિસ્ટ્રેટ /જજને હરખ થાય તો પોલીસ સ્ટેશનમાંથી કિંમતી મોટરકાર કોર્ટમાં મંગાવીને સૌ પ્રથમ તો આ ગાડી માલીકને સોંપવાનો હુકમ કરતા પહેલા ગાડીમાં લટાર પણ માણી લ્યે!:(પણ આ બધું ખાનગીમાં થાય !)
સામાન્ય રીતે ફોજદારી ગુનાઓમાં પોલીસ જે કોઈ મુદામાલ કબ્જે કરે તે જે તે ગુનાની સાબિતી માટે જરુરી હોય તો પોલીસ કબજે કરે તે જરૂરી છે. દાખલા તરીકે જુગારના ગુના માટે ગંજીપતા અને જુગાર રમાતો હોય ત્યાંથી પટમાંથી અને જુગારીયાઓ પાસેથી પોલીસે કબજે કરેલ રોકડ રકમનો પોલીસે પંચનામામાં અને FIRમાં ઉલ્લેખ કરવાનો હોય, પરંતુ જુગારીયાઓના મોબાઈલ અને બહાર પાર્ક કરેલ વાહનો કબજે કરવાની જરૂર ખરી? કોઇ હેલીકોપ્ટર ત્યાં પડેલ હોય તો તે કબજે કરે તો ઘાટ કરતા ઘડામણ વધી જાય. આ રીતે ક્યારેક તો પોલીસની આવી મૂર્ખામી જોતા પ્રશ્ન એ થાય કે પોલીસ ગુનાઓ પકડે ત્યારે પોલીસે ખીસ્સા ફંફોસી રોકડ રકમ, મોબાઇલ, વાહનો કબજે કરવાની સાથે સાથે જે તે જુગારીયના કપડા પણ ઉતારી લઇ કબજે કરવા જોઈએ કે નહીં? જો પોલીસ જુગારીયાના મોબાઈલ કબજે કરે, વાહન લઈને જુગાર રમવા આવનારના વાહન કબજે કરે તો પછી આ રીતે પોલીસ પોતાની વધારે સારી કામગીરી કરી ઉપરી અધિકારીની અને મીડિયાની વાહવાહી મેળવવા માંગતા હોય તો પછી જુગાર રમનાર પકડાયેલ આરોપીઓએ પોતાના શરીર પર પહેરેલ કપડા કબજે કરવા જોઈએ કે નહીં ?
પોલીસ જુગારનો કેસ કરે અને તે સમાચાર મીડીયામાં ચમકે પણ આજ સુધી કોઈ જુગારના ગુનામાં કોઇ કોર્ટે ગુનેગાર ને સજા કર્યાનુ છાપામાં છપાયેલ હોવાનો કોઇ દાખલો બેસેલ નથી. કારણ જુગારના કેસો સાબિત થતા જ નથી. તેનો મતલબ એ કે કાં’તો પોલીસ ખોટા કેસો કરે છે. જુગારનો કાયદો પોલીસ માટે ઉપરની કમાણીનું સાધન છે. એવુ કહેવાય છે કે દારુ અને જુગાર પોલીસ માટે હપ્તા /ઉઘરાણીનું સાધન છે. અમુક પોલીસ સ્ટેશનમાં તો પોન્ટીંગ મેળવવા માટે મોટી રકમ બોલાય છે. પોલીસની મીઠી નજર નીચે જ જુગાર રમાતો હોય. માલીક કે વાર્ષિક હપ્તો જે તે જુગારના અડ્ડા ચલાવનારના વહીવટ અને ગજા પર નક્કી થાય. સામાન્ય કોન્સ્ટેબલથી માંડીને એસ.પી., આઇ.જી.પી., હોમ મીનીસ્ટ્રી, અને ઉપર સુધી હપ્તા પહોંચી જવાની શક્યતા નકારી શકાય નહીં.
નોંધ : GSTV લેખમાળા કેટેગરીમાં છપાયેલ આ લેખમાં લેખકના પોતાના સ્વતંત્ર વિચારો છે.
GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો :
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=
GSTVના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/JW85IKv9kaY3e7UswVCAeQ
READ MORE…
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની
- સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…
- 2023માં પ્રથમ છ મહિનામાં જ 42,000 લોકોએ કેનેડા છોડ્યું, જાણો શું છે કારણ