GSTV

યુપીમાં ગેસ લીકેજના કારણે શ્વાસ રુંધાતા 7 લોકોના મોત, ફેક્ટરીમાંથી ભયંકર ગંધ આવતા તપાસમાં અડચણ

ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં આવેલા શેતરંજી બનાવવાના કારખાનામાં શ્વાસ રુંધાવાના કારણે સાત લોકોના મોત થયા છે. જાણવા મળ્યું છે કે, મૃતકો પૈકીના પાંચ એક જ પરિવારના સભ્યો હતા. જિલ્લાના બિસવાં કોતવાલી ક્ષેત્રમાં આવેલા જલાલપુર ગામની એક ફેક્ટરીમાં ગેસ ગળતરના કારણે ત્રણ પુરુષ, એક મહિલા અને ત્રણ બાળકો એમ કુલ સાત લોકો મૃત્યુ પામ્યા છે.

પ્રાથમિક દ્રષ્ટિએ મૃત્યુનું કારણ બાજુમાં આવેલી એસિડ ફેક્ટરીમાંથી થયેલો ગેસ લીકેજ માનવામાં આવે છે. પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે બાજુમાં આવેલી ફેક્ટરીમાંથી તેજાબ ગળાઈને (લીકેજ થઈને) આવ્યો હતો, જે ગેસ બની ગયો હતો. ચંદનપુર ગામના મુનવ્વરે આ દુર્ઘટનામાં પોતાના પરિવારના પાંચ સદસ્યોનો ભોગ લેવાયો હોવાની પૃષ્ટિ કરી હતી. ફેક્ટરીમાંથી ખૂબ જ ભયંકર ગંધ આવી રહી હોવાથી અને ગેસના કારણે તપાસમાં મુશ્કેલી અનુભવાઈ રહી છે અને આસપાસના વિસ્તારોમાં પાંચ કૂતરા સહિત કેટલાક ઢોર મૃત્યુ પામ્યા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.

સમગ્ર દુર્ઘટનાની તપાસ માટે લખનઉથી નિષ્ણાતોની એક ટીમ સીતાપુર પહોંચી હતી. દુર્ઘટના સમયે પીડિત પરિવાર એક જ છાપરા નીચે સૂઈ રહ્યો હતો અને તેમણે છાપરા દ્વારા બહાર ભાગવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ અસફળ રહ્યા હતા. ગામ લોકોના કહેવા પ્રમાણે ગેસ ફેલાઈને તેમના સુધી પહોંચ્યો ત્યારે તેમને આંખોમાં બળતરા થવા લાગી હતી અને અનેક લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીતાપુરની ફેક્ટરીમાં ઝેરી ગેસ ગળતરના કારણે થયેલા સાત લોકોના મોત અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા આદેશ આપ્યો હતો અને તેનાથી પ્રભાવિત લોકોને તમામ સંભવિત મદદ કરવા નિર્દેશ આપ્યા હતા. આ સાથે જ તેમણે જવાબદાર લોકો વિરુદ્ધ ખૂબ જ આકરી કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો.

Related posts

Telegram એપથી વીડિયો અને વોયલ કોલ કરવા માગો છો? તો અહીંયા જાણો સરળ ટ્રીક

Ankita Trada

Flipkart Big Saving Days: આજે જ ઉઠાવો આ ડિસ્કાઉન્ટ ઑફરનો ફાયદો, iPhone 11 મળશે માત્ર….

Mansi Patel

Jio ના લોગો સાથે લોટ વેચી રહી હતી આ કંપની, ટ્રેડમાર્કના દુરુપયોગ મામલે થઈ 4 ની ધરપકડ

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!