GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

Land Grabbing Act 2020 : જમીનના કેસમાં બદલાઈ ગયા છે નિયમો, તમને પણ મળશે 30 દિવસનો સમય

ગુજરાત જમીન પચાવી પાડવા (Land Grabbing Act ) પ્રતિબંધ ધારો રાજ્ય સરકારે ઓગસ્ટ-૨૦૨૦ થી લાગુ કર્યો છે. જેને દોઢ વર્ષ જેટલો સમયગાળો થયો છે. આ વિશેષ કાયદો લાગુ કરવાનું મુખ્ય કારણ એ છે કે દિન-પ્રતિદિન જમીન / મિલ્કતને લગતા વ્યવહારોમાં છેતરપીંડી, કાયદેસરના દસ્તાવેજ કરતા પહેલાં એકથી વધારે વ્યકિતઓ સાથે બાનાખત તેમજ સરકારી / ગૌચરની જમીનો ઉપરાંત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેમ કે મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયત તેમજ સત્તા મંડળોની જમીનો ઉપર દબાણ કરી ગેરકાયદેસર કબજો વિગેરેનો સમાવેશ થાય છે.

land grabbing act

સાથો સાથ જમીન / મિલ્કત ખરીદનારાઓને જે જમીન ચોખ્ખા સ્વતંત્રપણ (Clear Title) વાળી હોવી જરૂરી છે. જેથી શુધ્ધબુદ્ધિથી (Bonafide Purchaser) ખરીદનારાઓને મુશ્કેલી ન પડે, આમ તો ખોટા દસ્તાવેજો, બળ જબરીપૂર્વકના આચરણ, ગેરકાયદેસર કબજો / દબાણ વિગેરેના કિસ્સામાં ફોજદારી કાર્યવાહી માટે ઈન્ડીયન પીનલ કોડ તેમજ સરકારી જમીન ઉપર દબાણ અંગે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૧ હેઠળ જોગવાઈઓ છે. પરંતુ આ જોગવાઈઓની અસરકારકતા ન હોવાને કારણે તેમજ કાયદાની કોર્ટમાં પણ લાંબા સમયની કાનુની પ્રક્રિયાને કારણે આ કાયદામાં સ્પેશ્યલ કોર્ટની પણ રચના કરવામાં આવી છે.

આ કાયદાના અમલમાં અમુક જોગવાઈઓ અંગે વિસંગતતા અથવા પ્રક્રિયા અનુસરવામાં સ્પષ્ટતા સાથોસાથ મૂળ કાયદામાં સ્પેશ્યલ કોર્ટના હુકમ સામે અપીલ કરવાની જોગવાઈ ન હોવાને કારણે સુધારા કાયદાથી જે ફેરફાર કરવામાં આવ્યો છે તે આમ જનતાને ખ્યાલ આવે તે માટે વિશેષ સ્વરૂપે વિવરણ કરૂં છું અને તે મુજબ કાયદાની કલમ- ૨ (સી)માં જમીનની વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં બાંધકામ સહિતનો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ સુધારા કાયદામાં જમીન ગ્રાન્ટ કરવાની અરજી કરવામાં આવી હોય અને તેમાં અનુસુચિત જનજાતિ અને વન અધિકાર અધિનિયમ-૨૦૦૬માં આદિવાસીઓને જંગલની જમીનમાં રહેણાંકના મકાનની જગ્યાને વન અધિકારના નિયમ હેઠળ ગ્રાન્ટ કરવા બાબતમાં આ જમીનનો સમાવેશ આ કાયદાની જોગવાઈઓ અમલ થયા ત્યારથી સમાવેશ થશે નહી તેમ સુધારા કાયદામાં ઉલ્લેખ કરેલ છે એટલે કે આવી પડતર અરજીઓની બાબતમાં સબંધિત જમીનને લાગુ પડશે નહી.

આજ રીતે લેન્ડ ગ્રેબીંગ એક્ટની કલમ-૯ (૧)માં સ્પેશીયલ કોર્ટ દ્વારા તેની સમક્ષ રજૂ કરેલ અરજી અસંદિગ્ધ અથવા પાયા વિહોણી (Frivilous or Vexatious) હોય તો કોર્ટ કોઈપણ પ્રકારની તપાસ વગર નામંજૂર (Reject) કરશે. આ ઉપરાંત કલમ-૯ (૫) પ્રમાણે અરજદારની લેખિત અરજી સિવાય સાક્ષી તરીકે કોર્ટ સમક્ષ બોલાવવાની તેમજ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જાય તો તે કાર્યવાહીમા સક્ષમ પુરાવા તરીકે ગણવામાં આવશે નહિ તેજ રીતે કલમ-૯ (૭) માં સ્પેશ્યલ કોર્ટ દ્વારા જમીન પચાવી પાડવા અંગેના તારણ ઉપર આવે ત્યારે તે કેસનું Cognizance ગુન્હાના કારણની નોંધ અંગે જાહેર નોટીસ (Public Notice) બહાર પાડવાની રહેશે અને તે અંગે નિયત સમયમાં જે રજૂઆત આવે તે કોર્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે અને કોર્ટ દ્વારા સબંધિત હિત ધરાવતા પક્ષકારને તેને યોગ્ય લાગે તો કેસનું Cognizance લીધા બદલની નોટીસ આપી શકશે.

Land mafia

લેન્ડ ગ્રેબીંગ એક્ટમાં જે મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે તે મુજબ કલમ-૧૨ (એ) ઉમેરવામાં આવી છે અને તે મુજબ સ્પેશ્યલ કોર્ટ દ્વારા જે ફાયનલ હુકમ કરવામાં આવે તે સામે ગુજરાતની હાઈકોર્ટ સમક્ષ અપીલ થઈ શકશે અને સ્પેશ્યલ કોર્ટના સિવિલ પ્રોસીડીંગ અથવા ક્રિમીનલ પ્રોસીડીંગમાં જે હુકમ કરવામાં આવ્યો હોય તેની હાઈકોર્ટ સમક્ષ અપીલ થઈ શકે છે અને આવો હુકમ થયા તારીખથી ત્રીસ દિવસની અંદર અપીલ કરવાની છે અને આ તારીખ હુકમ થયા તારીખથી ગણવામાં આવશે. પરંતુ હાઈકોર્ટને પુરતાં કારણોનો (Sufficient Cause) સંતોષ થાય તો ૩૦ દિવસને બદલે ૬૦ દિવસમાં અપીલ ગ્રાહ્ય રાખી શકે છે અને હાઈકોર્ટ સ્પેશ્યલ કોર્ટ દ્વારા સિવિલ પ્રોસીઝર કોડ અને ક્રિમીનલ પ્રોસીઝર કોડમાં જે પ્રક્રિયા અનુસર્યા હોય તે તમામ સત્તાઓ ભોગવશે અને હાઈકોર્ટ અપીલ મળ્યેથી સબંધિત પક્ષકારોને સાંભળવાની વ્યાજબી તક આપીને સ્પેશ્યલ કોર્ટનો હુકમ રદ, ફેરફાર અથવા સુચનો (Direction) સાથે રીમાન્ડ કરી શકે છે.

આમ ઉપર મુજબના સુધારા તાજેતરમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટમાં કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે જમીનની વ્યાખ્યામાં સુધારો, સ્પેશ્યલ કોર્ટની સત્તામાં સ્પષ્ટતા તેમજ સ્પેશ્યલ કોર્ટના હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જાણકારી મુજબ આ કાયદામાં જે સમિતિની રચના કરવામાં આવી છે તેમાં મળેલ અરજીઓ અન્વયે સમયમર્યાદા અને કાયદાનો મૂળભૂત હેતુસરે અને દાખલો બેસે તેવી કાર્યવાહી થઈ હોવાનું જણાતું નથી. ખાસ કરીને તો સરકારી / ગોચર તેમજ મહાનગરપાલિકા / નગરપાલિકાઓની જમીનો ઉપર સંખ્યાબંધ દબાણો છે અને માથાભારે વ્યક્તિઓ સામે દાખલારૂપ કાર્યવાહી થાય તો દબાણો અટકે અને ખોટી રીતે જમીન / મિલ્કતના વ્યવહારો થાય છે તે અટકી શકે ઉપર જે સુધારા કરવામાં આવ્યા છે તે મુજબ રાજ્ય સરકાર દ્વારા અસામાજીક પ્રવૃત્તિ આચરનારાઓ સામેનો (Gujarat Antisocial Prevention Act) કાયદો ઘડવામાં આવ્યો છે અને તેમાં જમીન પચાવી પાડનારાઓ (Land Grabber) સામે PASAની જે જોગવાઈઓ છે. તેમાં પણ સુધારો કરવાનો થાય છે. આશા રાખવામાં આવે છે કે જમીન પચાવી પાડવાનો જે ખાસ કાયદો ઘડવામાં આવ્યો છે તેનું યોગ્ય સ્વરૂપે પાલન થાય.

READ ALSO

Related posts

અયોધ્યા રામ મંદિર જનારા મુસાફરો માટે ખાસ તૈયારીઓ, જાન્યુઆરીમાં 100 સ્પેશિયલ ટ્રેનો શરૂ થશે

Rajat Sultan

માત્ર એક સભ્યથી ચાલતા ગુજરાતના OBC કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો

Nakulsinh Gohil

સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ

Pankaj Ramani
GSTV