GSTV
Home » News » લેબ ટેકનિશીયન બન્યા હળદરની ખેતીના માસ્ટર, પ્રેક્ટિકલ પ્રયોગ થકી ખેતીમાં કમાયા લાખો રૂપિયા

લેબ ટેકનિશીયન બન્યા હળદરની ખેતીના માસ્ટર, પ્રેક્ટિકલ પ્રયોગ થકી ખેતીમાં કમાયા લાખો રૂપિયા

ખેડૂતનો દિકરો ગમે તે નોકરી કરે પરંતુ ખેતીથી તે ક્યારેય દૂર થઈ શકતો નથી. નોકરી સિવાયના સમયમાં ખેડૂતનો દિકરો તમને ખેતરમાં જ જોવા મળે. આજે યુવાનો ભણી ગણીને ખેતીલક્ષી કાર્યોમાં સતત રસ લેતા થયા છે. ટેક્નોલોજી માધ્યમથી નવી નવી ખેતી જોવા સમજવા પણ રસ લેતા થયા પછી તેનો પ્રેક્ટિકલ પ્રયોગ પોતાના જ ખેતરમાં કરી ઉત્તમ આવક લે છે.

સોશ્યલ મીડિયાના માધ્યમથી સજીવ ખેતી તરફ વળ્યા

ખેતીમાં સતત નવું કરતા રહેવું પડે. લાંબાગાળાની ખેતી સાથે હવે ખેડૂતો જાગૃત થતાં મૂલ્યવર્ધન તરફ પણ વળવા લાગ્યા છે. આજે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સજીવ ખેતી તરફ ગુજરાતના ખેડૂતો સક્રિય થવા લાગ્યા છે. મોંઘા રાસાયણિક ખાતરો અને દવાઓના ખર્ચા ઉપરાંત ઝેરી ખોરાક લોકોને આપવા કરતાં ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન લઈ શકાય તે માટે સજીવ ખેતી તરફ આજના યુવાનો વળી રહ્યા છે. ભાવનગરથી ૧૦ કિમી દૂર થોરડી ગામના ખેડૂત જીતેન્દ્રસિંહ મુળુભા ચૂડાસમાએ પણ ઓછા પાણીમાં નોકરી સાથે ખેતી કરી ઉત્તમ આવક નક્કી કરી છે. ખેડૂતના દિકરાને લેબ ટેકનિશિયનની નોકરી સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી ખેતીમાં રસ જાગ્યો અને નોકરી સિવાયના સમયમાં જોડાઈ ગયા ખેતી સાથે. આજે છેલ્લા પાંચ વર્ષથી ભાવનગરના જિતેન્દ્રસિંહ ચૂડાસમા લેબમાં કેમિકલ ચકાસણી કરતા કરતા ખેતીના તત્ત્વોની પણ ચકાસણી કરવા લાગ્યા છે. ૧૪ વર્ષથી નોકરી ઉપરાંતના સમયમાં ૨૫ વીઘા જમીનમાં ખેતી કરે છે. તેમાં છેલ્લા પાંચ વર્ષથી સોશ્યલ મીડિયાના માધ્યમથી સજીવ ખેતી તરફ વળ્યા છે. સજીવ ખેતીમાં કુદરત સાથે જોડાઈ રહેવા ઉપરાંત હેલ્થ પણ તંદુરસ્ત રહેતી હોય આ ખેતી તરફ વળ્યા છે.

કેવી રીતે વળ્યા સજીવ ખેતી તરફ

સજીવ ખેતી સાથે કુદરતી વાતાવરણ મળી રહે તે માટે ખેડૂત જીતેન્દ્રસિંહે ચીકુ, આમળા, સીતાફળ, નારિયેળી, આંબા, સાગ જેવા અનેક ઝાડ પણ ખેતરની ફરતે લગાવ્યા છે. રાસાયણિક ખાતરથી થતી ખેતીમાં શરૃઆતમાં સારા ઉત્પાદન હતા. પછી તેમાં દવા ખાતરના ખર્ચા વધવા છતાં ઉત્પાદન ઘટવા લાગ્યા. તેથી તેઓ સજીવ ખેતી તરફ વળ્યા અને આજે  ૫ વીઘામાં આયુર્વેદિક પાક હળદરની ખેતીથી પણ ઉત્તમ આવક લઈ રહ્યા છે.

કેવી રીતે કરે છે હળદરની ખેતી

હળદરની ખેતીમાં સામાન્ય રીતે ખેડૂતો ૧ વીઘે ૧૫ મણ બિયારણનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેમણે ૫ વીઘા જમીનમાં ૪૨ મણ બિયારણ વાપર્યું છે. 6 ફૂટના ગાળે અઢી ફૂટ પહોળાઈના ૮ ઈંચ ઊંચા બેડ બનાવ્યા. બે બેડ વચ્ચેના ગાળામાં તેઓએ આંતરપાક તરીકે તુવેર, મગફળીનું વાવેતર કર્યું હતું તેમાં પણ સારી આવક મળી. બેડની બંને બાજુએ હળદરના બીજ મુક્યા અને વચ્ચેના ભાગે મરચાંના રોપા લગાવ્યા. મરચાં અને હળદર એક બીજાના પોષક પાક તરીકે વિકસે છે. મરચાંને લીધે હળદરના પાકનો ગાંઠિયો સારો બંધાય છે. હળદરનો છોડ  સાડા પાંચ ફૂટ હાઈટનો થયો છે. હળદરના બીજને બીજામૃતનો પટ આપીને ૧ જુલાઈના વાવેતર કર્યું હતું…  વાવેતર સમયે પાયામાં  ૧ એકરમાં ૧૦૦ કિલો ઘનજીવામૃત આપ્યું છે. આ સિવાય બીજા કોઈ ખાતરો આપ્યા નથી. દર બીજા અને ચોથા શનિવારે રજા હોય ત્યારે તેઓ જાતેજ ડ્રિપમાં જીવામૃત આપે છે. ખેતર ખેડવાનું કામ હોય કે જીવામૃત બનાવવાનું કામ તેઓ જાતે જ કરે છે. અન્ય માવજત માટે ૫ જેટલા માણસો પણ રાખ્યા છે.

કેવો રહે છે ખેતી ખર્ચ

૨૫ વીઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી હેઠળ તેઓ સાવ નજીવો ખર્ચ કરે છે. આ વર્ષે હળદરનું બિયારણ ૨૮,૦૦૦ રૃપિયાનું ખરીદીને લાવ્યા હતા. તે સિવાય બીજા કોઈ રૃપિયા ખર્ચીને વસ્તુ બહારથી લાવ્યા નથી. ફક્ત ગોળ અને ચણાનો લોટ ખરીદીને લાવે છે. સજીવ ખેતીના લીધે જમીન જીવંત રહેતા હળદરનું ઉત્પાદન ૨૫૦ મણથી વધુ મળવાનો અંદાજો છે. લીલી હળદરમાંથી ૨૦ ટકા મુજબ વજન ગણતાં ૫૦ મણ સૂકી હળદર મળશે. તમામ હળદરનું તેઓ સૂકવી તેનો પાઉડર બનાવીને પેકિંગમાં વેચાણ કરવા પ્લાનિંગ કરી રાખ્યું છે. ઓર્ગેનિક હળદરના ૨૫૦ રૂપિયાથી લઈને ૩૦૦ રૂપિયા સુધીના ભાવ મળે છે.

સજીવ ખેતી કરવા માટે વાડી ઉપર ૩ ગાય અને એક વાછરડો રાખે છે. કપાસિયા પલાળીને પછી ગાયોને ખવડાવવાથી દૂધ ઉત્પાદન સારું મળે છે. ગાયોને પણ ખુલ્લી જ રાખે છે. ગાય સીધી જ ખેતરમાંથી ઝીંઝવો ઘાસ પોતાની જાતે  જરૃર પૂરતું ખાય લે છે. ઝીંઝવો કટિંગ પછી લગભગ ૨૦ દિવસે નવો ફૂટીને તૈયાર થાય છે. મગફળી તેલ કાઢયા પછી તેનો ખોળ પણ ગાયોને ખવડાવે છે. ગાય આધારિત ખેતી કરતા આ લેબ ટેકનિશિયન નોકરી સિવાયનો તમામ સમય ખેતી માટે જ ફાળવે છે. આજે ડ્રિપથી જૈવિક ખેતી જોવા માટે આજુબાજુના ખેડૂતોને પણ તેઓ માર્ગદર્શન પૂરું પાડે છે.

Related posts

4 દિવસ પહેલાં કાશ્મીર પર વિવાદાસ્પદ નિવેદનો કરનારાએ આજે કોહલીના કર્યા ભરપૂર વખાણ

pratik shah

કોણ છે દલજીતસિંહ જેમને કોહલી અને કોચ શાસ્ત્રીએ મોહાલી મેચ દરમ્યાન સન્માનિત કર્યા

pratik shah

India vs South Africa: સાઉથ આફ્રીકા સામે પાંચ કારણોના લીધે ભારતીય ટીમને મળી જીત

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!