કચ્છના બાડા ગામે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ (GHCL) દ્વારા શોડા એશ પ્લાન્ટ સ્થાપવાનું આયોજન થઈ રહ્યું છે. આ માટે GHCL દ્વારા એન્વાયર્નમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ કરવાનું કામ નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NEERI-નીરી)ને સોંપવામાં આવ્યું હતું. પરંતુ હકીકત એ છે કે નીરી પાસે આ પ્રકારનું એસેસમેન્ટ કરવાની સત્તા જ નથી. એન્વાયર્નમેન્ટ એસેસમેન્ટ કરવાની સત્તા નેશનલ એક્રેડિશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (NABET) દ્વારા આપવામાં આવે છે. પરંતુ નીરીની કામગીરીમાં ગરબડ જણાતા નાબેટે તેનું એક્રેડિશન રદ કરી દીધું છે. 23મી ડિસેમ્બર, 2022ના દિવસે એ માટેનો પત્ર પણ નીરીને નાબેટ તરફથી મોકલી દેવાયો છે. પરિણામે નીરીના રિપોર્ટના આધારે શોડા એશ પ્લાન્ટ સ્થાપવાનો GHCL નો મનોરથ હાલના તબક્કે ફળે એમ નથી.

પર્યાવરણીય રીતે સંવેદનશિલ હોય એવા કોઈ પણ સ્થળે પ્લાન્ટ સ્થાપવા માટે એન્વાયર્નમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ કરવામાં આવે છે. એટલે કે સંભવિત પ્લાન્ટથી જે-તે સ્થળના પર્યાવરણને કેટલું નુકસાન થશે એ તપાસ કરવામાં આવે છે. આ પ્રકારનું એસેસમેન્ટ કરવા માટે કેટલીક નોડલ એજન્સીઓ નિમાયેલી છે. એ એજન્સીઓને સત્તા આપવાનું કામ નાબેટ કરે છે. નાબેટ એ ક્વોલિટિ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું કન્સલ્ટિંગ બોર્ડ છે અને ક્વોલિટિ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા વળી મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના તાબામાં કામ કરે છે. એટલે એવુ કહી શકાય કે કેન્દ્ર સરકારની સંસ્થાના કડક પગલાંને કારણે ગુજરાત સરકારની સંસ્થા GHCLના પર્યાવરણનો ઉલાળિયો કરવાના મનોરથો પર પાણી ફરી વળ્યું છે.

આ શોડા એશ પ્લાન્ટ જ્યાં સ્થપાવાનો છે એ બાડા ગામ નર્મદા કેનાલનું છેવાડાનું ગામ છે. માંડવીથી નજીક આવેલા આ ગામના રહેવાસીઓ પહેલેથી જ પ્લાન્ટના વિરોધમાં છે. માટે ગામવાસીઓએ વારંવાર પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો. ગામવાસીઓના વિરોધને કારણે અહીં 17 ઓક્ટોબર, 2022ના દિવસે જાહેર સુનાવણી રાખવામાં આવી હતી. ભારે સુરક્ષા વચ્ચે એ સુનાવણી 11 કલાક સુધી ચાલી હતી. એ પછીય કોઈ નિરાકરણ ન આવતા અધિકારીઓ રવાના થયા હતા.

આ ગામ નજીક જ દુર્લભ એવા ગ્રીન કાચબાઓનો નેસ્ટિંગ પોઈન્ટ છે. કાચબાઓની ઈંડા મુકવાની રીત પણ નિરાળી છે. એક વખત ઈંડા મુકી દીધા પછી કાચબા ત્યાં આવતા નથી. રેતીમાં દાટીને મુકાયેલા ઈંડામાંથી બચ્ચાં જન્મીને પોતાની મેળે સમુદ્ર તરફ જાય છે. સમુદ્ર કઈ તરફ છે એ જાણકારી બચ્ચાંઓને કોઈ આપતું નથી. પરંતુ બચ્ચાં ચંદ્રનો પ્રકાશ જોઈને સમુદ્રની દિશા નક્કી કરતા હોય છે. પ્લાન્ટ સ્થપાય એટલે સ્વાભાવિક રીતે તેની લાઈટો ચાલુ થાય. એ લાઈટો વચ્ચે બચ્ચાઓને સમુદ્રનો રસ્તો ન મળે અને તેમનું જીવન શરુ થાય એ પહેલા જ પુરુ થઈ જાય. એવુ ન થાય એટલા માટે પણ આ પ્લાન્ટ ન સ્થપાય એ જરુરી છે.

બાડા ગામ વિકાસ સમિતિએ પર્યાવરણ કાર્યકર્તાઓને સાથે રાખીને નાબેટ સુધી ફરિયાદ નોંધાવી હતી. નાબેટે એ ફરિયાદને ગંભીરતાથી લઈને નીરીનું રજિસ્ટ્રેશન જ 6 મહિના માટે રદ કરી દીધું છે. પોતાના પત્રમાં નાબેટે લખ્યું છે, ‘નીરી પાસે માન્યતા (એક્રેડિશન) ન હોવા છતાં શોડા એશ જેવા ગંભીર સેક્ટરના પ્લાન્ટનું એસેસમેન્ટ કરવાની કામગીરી તેણે હાથ લીધી છે જે ચલાવી નહીં લેવાય.’ માટે નીરી હવે છ મહિના સુધી બીજુ કોઈ પર્યાવરણ એસેસમેન્ટ કરી નહીં શકે. માંડવીનું પર્યાવરણ ઘણુ સારુ છે. એટલે જ તો મહારાવે અહીં વિજય વિલાસ પેલેસ બનાવ્યો હતો. એ પેલેસ પાસે હવે શોડા એશ પ્લાન્ટ સ્થપાશે તો અહીંનુ પર્યાવરણ પોતાની ઓળખ ગુમાવી દેશે એ નક્કી વાત છે.

READ ALSO
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય
- ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે
- ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું તાત્કાલિક આવી મીટશોપ બંધ કરાવો