અલ્પેશ ઠાકોરના રાજીનામાની અટકળો વચ્ચે હવે જવાહર ચાવડાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસ માટે બારે મેઘ ખાંગા થયા જેવી સ્થિતિ ઉતપન્ન થઈ છે. સૌરાષ્ટ્રનું મોટું નામ ગણાતા જવાહર ચાવડા હવે ભાજપમાં જોડાશે. આ વચ્ચે ગઈકાલે લલિત વસોયાએ એવું કહ્યું હતું કે, સૌરાષ્ટ્રનો કોઈ પણ ધારાસભ્ય ભાજપના સંપર્કમાં નથી પણ હવે જે હકિકત કુંવરજીભાઈ બાવળિયાએ જણાવી છે તેનાથી લલિત વસોયા પણ અચંબામાં મુકાઈ જશે. કુંવરજી બાવળિયાએ મીડિયા સાથેની વાતચીત દરમ્યાન કહ્યું હતું કે, ગિર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અમારા સંપર્કમાં છે. જેથી સૌરાષ્ટ્ર કોંગ્રેસનું વધુ એક પન્નુ ખેરવવાની દિશામાં ભાજપે ડગલું ભર્યું છે.
આમ છતા જ્યારે કુંવરજી ભાઈને પૂછવામાં આવ્યું કે, માંગરોળના ધારાસભ્ય ચંદ્રિકા બેન પણ તમારા સંપર્કમાં છે ત્યારે તેમણે વાતને વંટોળીયાની માફક ફગાવી દીધી હતી. જો કે રાજકારણમાં કંઈ નક્કી ન કહેવાય. અલ્પેશની ભાજપમાં જોડાવાની વાતો વચ્ચે ભાજપ જવાહર ચાવડાને ખેરવી ગઈ. ઢોલ કોઈના નામના વાગ્યા અને જાન કોઈ બીજાની ઉપડી ગઈ. તો વિમલ ચુડાસમાની વાતો વચ્ચે ચંદ્રિકા બેન કેસરીયો ખેસ ધારણ કરી લે તો નવાઈ નહીં.
કોલ્ડવોરના કારણે ચાવડાએ આપ્યું રાજીનામું
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વધુ એક વખત ઉંઘતી ઝડપાઈ છે. કારણ કે, કોંગ્રસના વધુ એક ધારાસભ્યએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ છે. અને તેઓ આજે સાંજે ચાર વાગ્યે ભાજપનો કેસરિયો ધારણ કરવાના છે. છેલ્લા કેટલાક સમયથી વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયા અને માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા વચ્ચે કોલ્ડવોર ચાલતી હતી. જોકે, જૂનાગઢમાં મેડિકલ કોલેજ મળવાની શરતે તેઓએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ હોવાનું મનાય છે.
15 મહિનામાં ચાર ધારાસભ્યોના રાજીનામા
છેલ્લા 15 મહિનામાં કોંગ્રેસ ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આજે સવારે જૂનાગઢના માણાવદરથી કોંગ્રસના ધારાસભ્ય જવાહર ચાવડા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.અને તેઓએ લેટર પેડ પર હેન્ડરાઈટીંગમાં જ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપ્યુ છે. રાજીનામુ આપવાનું કોઈ કારણ આપ્યુ નથી. જોકે આ રાજીનામાથી કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. જવાહર ચાવડાના રાજીનામાથી હવે રાજ્યમાં 74 ધારાસભ્યો રહ્યા છે.
READ ALSO
- બજેટ 2023 / નાણામંત્રીએ મહિલાઓને આપી ભેટ, આ સુવિધા સાથે નવી બચત યોજનામાં મળશે 7.5% વ્યાજ
- વોટ્સએપ પર ડિલીટ થયેલા મેસેજ આ રીતે વાંચી શકો છો, ખુબ જ ઓછા લોકો જાણે છે આ ટ્રિક
- બજારને બજેટ પસંદ ન આવ્યું / શેરમાર્કેટમાં બપોર બાદ શાનદાર તેજી ગાયબ, સેન્સેક્સ 60 હજારની અંદર સરક્યો
- Union Budget 2023 / કેન્દ્રીય બજેટથી ભાવનગરને ઘણી અપેક્ષાઓ હતી, પણ પાણી ફરી વળ્યું
- સાબરકાંઠામાં જરૂરીયાતમંદોને લોન અપાવશે પોલીસ, 3 ફેબ્રુઆરીએ લોન મેળાનું આયોજન