કુંવરજી બાવળીયા : વાત એક એવા નેતાની જે પોતાની પહેલી ચૂંટણીમાં જ હારી ગયો હતો

જસદણ વિધાનસભાની પેટાચૂંટણી એ એક રીતે કુંવરજી બાવળિયા એટલે સંપૂર્ણ ભાજપ વિરૂદ્ધ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા વચ્ચેનો જંગ છે. જો કે છેલ્લા 2 દાયકા કરતા પણ વધુ સમયથી જસદણ બેઠકનો પર્યાય બનેલા કુંવરજી બાવળિયા માટે રાહ એટલી આસાન નથી. એટલે અહીં કોઇ પણ ભોગે જીત મેળવવી એ ભાજપ કરતા પણ કુંવરજી માટે વધુ જરૂરી અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. ત્યારે આવો નજર કરીએ કુંવરજી બાવળિયાની સમગ્ર રાજકીય કારકિર્દી પર.

છેલ્લા 2 દાયકા કરતા પણ વધુ સમયથી જસદણ બેઠક એ કુંવરજી બાવળિયાનો ગઢ ગણાય છે. જસદણમાં કોંગ્રેસનો એવો દબદબો છે કે ભાજપ છેલ્લા 30 વર્ષો દરમ્યાન 2009ની પેટાચૂંટણીને બાદ કરતા જસદણની બેઠક જીતવામાં ક્યારેય સફળ રહ્યું નથી. આથી જ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયા માટે હવે જસદણમાં કોઇ પણ ભોગે જીત મેળવવી એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે.

જો કે રસપ્રદ વાત એ છે કે જસદણ બેઠકનો પર્યાય બની ગયેલા કુંવરજી બાવળિયા તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. 1985માં કુંવરજી બાવળિયા સૌપ્રથમ જનતા દળમાંથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ પ્રથમ જ ચૂંટણીમાં તેમણે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. 1990ની વિધાનસભા ચૂંટણીમાં પણ કુંવરજીએ સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો.

પરંતુ 1995ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને સૌપ્રથમ વખત ધારાસભ્ય બન્યા. 1998ની ચૂંટણીમાં પણ કુંવરજી બાવળિયાએ વિજયનો સ્વાદ ચાખ્યો. તો 2002માં યોજાયેલી ચૂંટણીમાં પણ કુંવરજીએ જંગી લીડથી જીત મેળવી હેટ્રિક સર્જી. 2007ની ચૂંટણીમાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વચ્ચે પણ કુંવરજીએ જસદણનો ગઢ સાચવી રાખ્યો. 2007માં કોંગ્રેસ તરફથી કુંવરજી બાવળિયાએ 25 હજાર 679 મતોથી ભવ્ય જીત મેળવી હતી.

કુંવરજીને મળેલી આ લીડ એ જસદણના ઇતિહાસમાં એક વિક્રમ છે. જે બાદ 2009ની લોકસભા ચૂંટણીમાં કુંવરજીએ ભાજપનો ગઢ ગણાતી રાજકોટ બેઠક આંચકી લેતા કોંગ્રેસમાં તેમનું કદ વધુ મોટું થયું. તો 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ કુંવરજીએ જીત મેળવતા તેમને દબદબો યથાવત રહ્યો.

પરંતુ 2017ની ચૂંટણી બાદ કુંવરજીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ખેસ ધારણ કર્યો. ભાજપમાં પ્રવેશ કરતાની સાથે જ તેમને સીધું જ કેબિનેટ પ્રધાનનું પદ મળ્યું. જસદણ બેઠક પર સૌથી વધુ કોળી સમાજનું પ્રભુત્વ રહ્યું છે. અને અત્યાર સુધી કોળી મતદારો કુંવરજી સાથે જ રહ્યા છે. પરંતુ કુંવરજીના પક્ષપલટા બાદ તમામ સમીકરણો બદલાઇ ગયા છે. આથી જ જસદણની ચૂંટણીમાં કુંવરજીની શાખ અને કારકિર્દી બંને દાવ પર લાગી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter