GSTV
Home » News » ‘કુંભમેળો’ શતાબ્દીઓથી માનવ મનમાં અધ્યાત્મના પાથરી રહ્યો છે ઓજસ, જાણો પૌરાણિક કથા

‘કુંભમેળો’ શતાબ્દીઓથી માનવ મનમાં અધ્યાત્મના પાથરી રહ્યો છે ઓજસ, જાણો પૌરાણિક કથા

ભારતીય સંસ્કૃતિમાં સર્વ પ્રક્રિયાનું મૂળ કેન્દ્ર અધ્યાત્મ જ છે. અધ્યાત્મ આપણી સંસ્કૃતિને પ્રગતિશીલ અને સમન્વયશીલ બનાવવામાં પણ ઉમદા ફાળો અર્પે છે. આપણી અધ્યાત્પરંપરા જાળવવામાં મહાકુંભપર્વ સંસ્કૃતિનું અભિન્ન પુરવાર થયું છે. મહાકુંભપર્વને જનસમુદાયમાં ‘કુંભમેળો’ એવા શબ્દવિશેષથી આવકારે છે. ‘મેળો’ આ શબ્દને આધુનિક યુગના ભારતીય યુવાનો સમજવામાં થોડી ગેરસમજ કરી શકે છે. ફક્ત હરવા-ફરવામાં મશગૂલ લોકોનો સમૂહ અને સ્થાન એટલે ‘મેળો’ એમ આજનો કેટલોક યુવાસમાજ સમજે છે. છે. હાલના ડીજીટલયુગમાં જેને મિટિંગ, સેમિનાર અને કોન્ફરન્સ કહેવામાં આવે છે તે પ્રાચિન મેળા શબ્દનું જ આધુનિક સ્વરૂપ છે. મેળાના આધુનિક સ્વરૂપ અને શબ્દમાં ઔપચારિકતા વિશેષ છે અને આત્મિયતા અતિઅલ્પ માત્રામાં હોય છે.

મૂળ તો ‘મેળ’ શબ્દ હતો. મેળ એટલે અનુકૂળતા થઈ જવી, સુમેળ થઈ જવો. મેળ શબ્દ ઘણાં બધા પરિપ્રેક્ષ્યમાં મહત્ત્વપૂર્ણ છે. જેમ કે, હિસાબનો મેળ, કાર્યનો મેળ પડવો વગેરે. ‘મેળ’ શબ્દનો આધાર લઈ સ્હેજ ઊંડાણપૂર્વક વિચારીએ તો ઘર-ઘરમાં મેળવણ શબ્દ પણ વપરાય છે (જે દહીં જમાવવા માટે વપરાય છે), યુવક-યુવતીનું જ્યારે સગપણ નિર્ધાર કરવાનો હોય ત્યારે કુંડળી મિલાપ માટે ‘મેળાપક’ શબ્દ વપરાય છે. વળી, બે વ્યક્તિને અબોલા હોય અને બેઉની વચ્ચે દ્વેષ દૂર કરી રાગ કરવાનો હોય ત્યારે ‘મેળાપ’ થઈ ગયો એવો શબ્દ પણ ખૂબ પ્રચલિત છે. ટૂંકમાં, મેળો શબ્દ ઉપરોક્ત સર્વ શબ્દોના અર્થને સમાવિષ્ટ કરતો સાર્થક શબ્દ છે.

મેળો હોય ત્યાં, મેળાપ થાય, જનસમુદાય એકત્રિત થાય, જ્યાં મેળો હોય ત્યાં સુમેળ હોય ત્યાં દ્વેષને સ્થાન ન હોય કેવળ પ્રસન્નતા હોય. જ્યાં મેળાના પર્વનું આયોજન થાય ત્યાં ઉત્સવનું વાતાવરણ આપમેળે રચાઈ જાય. મેળો એક પ્રકારે ભ્રાતૃભાવનું દ્યોતક છે કારણ કે, અહીં ભેદભાવ પૂર્ણપણે નાશ પામે છે. ભારતીય સંસ્કૃતિની અધ્યાત્મ પરંપરાને ઉજાગર કરતો ‘કુંભમેળો’ શતાબ્દીઓથી માનવમનમાં અધ્યાત્મના ઓજસ પાથરી રહ્યું છે.

પુરાણમાં કુંભમેળાની કથા આ પ્રમાણે સમજવા મળે છે- એક વખત દેવરાજ ઇન્દ્રની સવારી નીકળી હતી. ઇન્દ્ર પોતાના ઐરાવત હાથી ઉપર ઉન્નત મસ્તકે બેઠો હતો. ધજાપતાકા લહેરાતી હતી, નગારા અને શરણાઈના સૂર રેલાતા હતા. ઇન્દ્રની દેવસેના તેની સાથે વિવિધ અલંકાર અને વસ્ત્રોથી સજ્જ હતી. અપ્સરા નૃત્યકલાનું દર્શન કરાવતી હતી. સાથે સાથે ગાંધર્વો સુમધુર સૂરમાં સંગીત રેલાવી વાતાવરણને મંત્રમુગ્ધ કરતા હતા. ઇન્દ્રની આ મહાભવ્ય સવારી પસાર થતી હતી ત્યારે માર્ગમાં દુર્વાસા મુનિ પ્રયાણ કરી રહ્યા હતા. ઇન્દ્રને જોઈ દુર્વાસા મુનિએ પોતાની પુષ્પની માળા ઇન્દ્ર અર્પણ કરી. મદમસ્ત ઇન્દ્રએ દુર્વાસા મુનિએ આપેલી માળા કંઠમાં ધારણ કરવાના બદલે ઐરાવત હાથીના ગંડસ્થળ ઉપર મૂકી. ઇન્દ્રએ જેવી હાથીના ગંડસ્થળ ઉપર માળા મૂકી કે ઐરાવતે એ માળાને સૂંઢથી ઊંચકી પોતાના પગ નીચે ચગદી નાંખી.

આ દૃશ્ય નિહાળી દુર્વાસા મુનિને પોતાની અવગણના થયાનો અહેસાસ થયો. અવમાનના ભાવથી ક્રોધિત થયેલા દુર્વાસા મુનિએ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે, ‘હે ઇન્દ્ર ! તું દેવો સહિત રાજ્યલક્ષ્મીથી વિહીન થઈ જા. તારી પાસે શ્રીલક્ષ્મી ન રહો.’ દુર્વાસા મુનિના શાપને કારણે દેવોનો દાનવો સામેના યુદ્ધમાં પરાજય થયો. પરાજય થવાથી દેવોએ સ્વર્ગમાંથી વિદાય લેવી પડી અને દાનવોનું રાજ્ય સ્વર્ગમાં પ્રસ્થાપિત થયું. દેવોએ પોતાનું રાજ્ય ગુમાવ્યું અને વનમાં આશરો લીધો. દેવોની દયનીય સ્થિતિ જોઈ દેવમાતા અદિતિએ કશ્યપઋષિ પાસેથી પયોવ્રતની માહિતી લીધી અને પયોવ્રત આદર્યું. આ તરફ દેવો સમસ્ત દેવગણ શ્રીવિષ્ણુ સહાયની યાચના કરવા માટે તેમની સમક્ષ ઉપસ્થિત થયા. શ્રીહરિએ દેવોને સમુદ્રમંથનનો ઉદ્યમ કરવા જણાવ્યું અને તેમાં અસુરોનો સહકાર લઈ આ કાર્ય સંપન્ન કરવા માટે દેવોને નિર્દેશ આપ્યો.

શ્રીહરિનો નિર્દેશ મેળવી દેવોએ દાનવો સાથે ચર્ચા કરી. દાનવોને જણાવ્યું કે સમુદ્રમંથનમાંથી અમૃતની પ્રાપ્તિ થશે તે આપણે સરખે ભાગે વહેંચી લઈશું. કુટીલ નીતિના દાનવોએ નિશ્ચય કર્યો કે, એક વખત અમૃતની પ્રાપ્તિ થઈ જાય પછી આપણે દેવોને પુનઃ હાંકી કાઢીશું અને સંપૂર્ણ અમૃતરસનું પાન કરી આપણે દાનવો અમર થઈ જઈશું. દેવો-દાનવોએ સમુદ્રમંથનનો પ્રારંભ કર્યો. સમુદ્રમાંથી ધન્વન્તરીદેવ અમૃતકુંભ લઈ પ્રગટ થયા.

ધન્વન્તરી દેવ પાસેથી અમૃતકુંભ દાનવોએ ખૂંચવી લેવા પ્રયાસ કર્યો પણ, ઇન્દ્રપુત્ર જયંતી તે અમૃતકુંભ લઈ નાસી ગયો. જયંતી જુદા જુદા 12 સ્થાનોએ અમૃતકુંભ લઈ સંતાયો હતો. આ 12 સ્થાનમાંથી 8 સ્થાન સ્વર્ગના હતા અને 4 પૃથ્વીલોકના હતા. પૃથ્વીલોકના આ 4 સ્થાન એ જ હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક-ત્ર્યંબક. આ ચાર સ્થાનોએ અમૃતકુંભમાંથી અમૃતબિંદુ પૃથ્વી ઉપર ટપક્યાં હતા.

જયંતી જ્યારે દાનવો દ્વારા પકડાઈ ગયો ત્યારે શ્રીહરિએ મોહિની સ્વરૂપ ધારણ કરી દાવનોને મોહિત કર્યા અને યુક્તિપૂર્વક દેવને અમૃતપાન કરાવી અમરત્વ પ્રદાન કર્યું.  અમરત્વ પામેલા દેવોએ પુનઃ દાનવો સાથે મહાયુદ્ધનો આરંભ કર્યો. આ યુદ્ધમાં દાનવોનો પરાજય થયો અને સ્વર્ગનું રાજ્ય પુનઃ દેવોને પ્રાપ્ત થયું.

અમૃતકુંભ ઇન્દ્રપુત્ર જયંતીએ 12 વર્ષ સાચવ્યો હતો અને તે દરમિયાન જયંતીને સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિ ગ્રહે ખૂબ સહાય કરી હતી. માટે, મહાકુંભપર્વના પવિત્ર આયોજનને સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિની ગતિ સાથે પણ સાંકળવામાં આવ્યો છે. મહાકુંભમાં પવિત્ર નદીમાં સ્નાનનું અત્યંત દિવ્યફળ શાસ્ત્ર વિદિત છે. પૂર્ણિમા, અમાવસ્યા, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ જેવાં વિશેષ દિવસે શાહિસ્નાનનું પણ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે.  મહાકુંભપર્વમાં સત્સંગ સભા, શાસ્ત્રાર્થ, પ્રવચન, વેદવાણી, ભજન-કીર્તનના ભક્તિમય આયોજન કરવામાં આવે છે. તદ્ઉપરાંત, જુદા જુદા મઠ, અખાડા તેમજ મહામંડલેશ્વરો, તપસ્વીઓ, નાગાબાવા, સાધુ-સંતો કુંભમેળા દરમિયાન વિચારોનું આદાન-પ્રદાન કરી ભારતીય સંસ્કૃતિને વધુ પુષ્ટ અને અક્ષુણ્ણ બનાવે છે.

ફક્ત ભારતના જ નહીં પણ સમગ્ર વિશ્વમાંથી દર્શનાર્થીઓ મહાકુંભપર્વના દિવ્યદર્શનની અભિલાષાથી ઉમટી પડે છે. કુંભમેળાના આ માનવમહેરામણમાં દેવો પણ આ પવિત્ર ક્ષણના દર્શન કરવા માટે પધારી પૃથ્વીને પુણ્યફળ પ્રદાન કરે છે. આગામી તા. 15 જાન્યુઆરી 2019થી પ્રયાગરાજમાં પવિત્ર અને દિવ્યતાથી પરિપૂર્ણ કુંભમેળાનો શુભારંભ થઈ રહ્યો છે. પ્રયાગરાજમાં આરંભ થયેલો આ કુંભમેળા તા. 4 માર્ચ, 2019ના રોજ શિવરાત્રિના દિવસે સંપૂર્ણ થશે.

જેમ મેળો શબ્દ ભ્રાતૃભાવનું દ્યોતક છે તેમ, કુંભનું મહત્ત્વ પણ શાસ્ત્રમાં સવિશેષ વર્ણવવામાં આવ્યું છે. નવરાત્રિમાં આપણે કુંભસ્થાપન કરીએ છીએ, ગૃહપ્રવેશ વખતે પણ ઘડો પધરાવીએ છીએ, પૂજાવિધિમાં પણ કુંભનું પૂજન કરીને અન્ય વિધિવિધાન સંપન્ન કરીએ છીએ. ઘરમાં પાણિયારા આગળ દિપ પ્રાગટ્ય કરી આપણે આપણા પૂર્વજોને પણ વંદન કરી તેમના આશિર્વાદ મેળવીએ છીએ. જુદા જુદા સ્વરૂપે કુંભ આપણી ભક્તિપરંપરામાં અખંડ સ્થાન પામેલો છે. અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) મો 7069998609 ઈ-મેલ harisahitya@gmail.com

Related posts

એનઆરસીના સંકલનકાર હજેલાની તાત્કાલિક ટ્રાન્સફર માટે સુપ્રીમનો નિર્દેશ

Arohi

ટ્રમ્પે યુરોપની ૭.૫ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી નાખી

Arohi

PMC બેન્કની કટોકટીએ વધુ એકનો લીધો ભોગ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!