GSTV
Home » News » કુમારસ્વામી : વાત એ નેતાની જેણે એક સમયે કોંગ્રેસ અને ભાજપની સરકાર પાડી દીધી હતી

કુમારસ્વામી : વાત એ નેતાની જેણે એક સમયે કોંગ્રેસ અને ભાજપની સરકાર પાડી દીધી હતી

हज़ारों ख़्वाहिशें ऐसी कि हर ख़्वाहिश पर दम निकले
बहुत निकले मेरे अरमान लेकिन फिर भी कम निकले

ગાલીબનો આ શેર કુમારસ્વામીની પોલિટિકલ કરિયર સાથે જોડાયો તો નથી પણ ખૂબ નજીક છે. કર્ણાટકના મુખ્યમંત્રી (ભૂતપૂર્વ) એચ.ડી કુમારસ્વામીની રાજનૈતિક કરિયર ઘણી ઉતાર-ચઢાવવાળી રહી છે. સાપસીડીની માફક કોઈ વાર સત્તામાં આવે છે, કોઈ વાર સત્તામાંથી બહાર થઈ જાય છે, પણ સત્તામાં રહેવાના અભરખા તેમને ખૂબ છે. પોતાના રાજનૈતિક કાર્યકાળમાં કુમારસ્વામી બે વખત રાજ્યના મુખ્યમંત્રી પદ પર સત્તારૂઢ થયા અને બંન્ને વખત સત્તા ત્યાગ કરવાનો વારો આવ્યો છે. પહેલી વખત 4 નવેમ્બર 2006થી લઈને 4 ઓક્ટોબર 2007 સુધી અને બીજી વખત 23 મે 2018થી તેમણે રાજ્યની કમાન સંભાળી હતી, જેનું 14 મહિનાની અંદર બાળમરણ થઈ ગયું છે. તેમની બીજી વખત સત્તા સંભાળવાની ખ્વાહિશ 23 જુલાઈ 2019ના રોજ પૂર્ણ થઈ. આ વખતે 20 દિવસથી વધારે સત્તા મેળવવા અને વિશ્વાસ મત મેળવવા માટેનો ડ્રામા ચાલ્યો. બળવાખોર ધારાસભ્યોએ કુમારસ્વામીને પરચો બતાવ્યો. એ પરચો જે કુમારસ્વામી એક સમયે પોતાની ગઠબંધન સરકારના નેતાઓને બતાવી ચૂક્યા હતા. કુમારસ્વામી ભારતીય રાજનીતિના એ નેતા છે જેમને સરકાર પાડનારા નેતા તરીકે ઓળખવામાં આવે છે.

જેણે એક સમયે કોંગ્રેસની સરકાર પાડી હતી

2004ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના કોઈ દળે બહુમતી નહોતી મેળવી. 2018 જેવી જ સ્થિતિનું પુન:સર્જન થયું હતું. એવામાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સમજુતી થઈ. જે પછી કોંગ્રેસે જેડીએસ સાથે હાથ મિલાવી ધરમસિંહને રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા. પણ આ સરકાર પર નજર માંડીને કુમારસ્વામી બેઠા હતા. એ સમયે કુમારસ્વામીએ 43 ધારાસભ્યોનું સમર્થન પાછું ખેંચી લીધું અને સરકારને ધ્વંસ કરી નાખી. 28 જાન્યુઆરી 2006માં કુમારસ્વામીને રાજ્યપાલે સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. એ સમયે રાજ્યપાલ ટીએન ચતુર્વેદી હતા. જે 2004માં કેરળના પણ ગવર્નર રહી ચૂક્યા હતા. કોઈ પણ રાજકીય પાર્ટીને ટેકો આપ્યા વિના સ્પષ્ટ બહુમતી વાળી સરકાર રચાય અને જનતાનું કલ્યાણ થાય તેવું IAS અધિકારી રહી ચૂકેલા ચતુર્વેદીનું માનવું હતું, પણ બીજી તરફ કુમારસ્વામી સત્તા માટે રમખાણ મચાવી બેઠા હતા. માની લો રાજનીતિની ભારેલો અગ્નિ જેવી સ્થિતિ પનપી રહી હતી.

ભાજપની સરકાર પાડી દીધી

દુશ્મન કા દુશ્મન દોસ્ત જેવી ફિલોસોફીમાં માનનારા કુમારસ્વામીએ ભાજપ સાથે મળી સરકાર રચી. 2006નો એ સમયગાળો હતો. બંન્ને પાર્ટીઓએ હાથ મિલાવ્યા પણ દિલ નહોતા મળ્યા !! નક્કી થયું કે બંન્ને પાર્ટીના નેતાઓ એક બાદ એક એમ ક્રમશ: સરકાર રચશે. જેના પરિણામે ભાજપ-જેડીએસમાં વારા પછી વારો તારા પછી મારો વારો જેવી સ્થિતિનું સર્જન થયું. કુમારસ્વામીનો વારો પતી ગયો અને હવે સત્તાનું સુકાન ભાજપને આપવાનું હતું. આ સમયે કુમારસ્વામી આડા ફાટ્યા. મારા સિવાય કોઈ કર્ણાટકનો સીએમ ન હોવો જોઈએ તેવી મનોગ્રંથી તેમણે બાંધી લીધી હતી. 12 નવેમ્બર 2007માં રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું. આ સમયે રામેશ્વર ઠાકુર કર્ણાટકના રાજ્યપાલ હતા. ટીએન ચતુર્વેદીનું નિધન થઈ ચૂક્યું હતું. કુમારસ્વામીના રાજીનામાના કારણે કર્ણાટકમાં બે દિવસ માટે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું. બે દિવસ બાદ 12 નવેમ્બર 2007માં યેદિયુરપ્પાના નેતૃત્વ હેઠળ ભાજપે સરકાર રચી. જેને કુમારસ્વામીનું બહારથી સમર્થન હતું. સરકાર લંગડી હતી. માંદી ગાયને ઝાઝી બગાઈ ચોંટે એવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું હતું. કુમારસ્વામી મોકાની રાહ જોઈ બેઠા હતા. તેમણે યેદીયુરપ્પાને સત્તાની મજા લેવા દીધી. યેદીયુરપ્પા ચા પીવાની હજુ રાહ જોઈ રહ્યા હતા એવામાં કુમારસ્વામીએ દુધ ફાડી નાખ્યું અને ચા (સત્તા)નો પ્યાલો હોઠે અડાવતા યેદીયુરપ્પા રહી ગયા.

કુમારસ્વામી જેનું કરિયર હિંડોળા જેવું છે

કુમારસ્વામીનું રાજનૈતિક કરિયર હિંડોળાની માફક છે. એમનો હિંડોળો ચાલે છે ઓછો અને અવાજ વધારે કરે છે. તમામ મીડિયાએ કુમારસ્વામીની સરકાર અને કર ‘નાટક’ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રાજ્યમાં જેડીએસના અધ્યક્ષ મેરાઝુદ્દીન પટેલના નિધન બાદ તેમણે સત્તાનું સુકાન સંભાળ્યું હતું. પણ રાજ્યની લોકસભા સીટ પર થયેલ ઉપચૂંટણીમાં જેડીએસના ઉમેદવારની કારમી હાર બાદ તેમણે નેતા પ્રતિપક્ષના પદ પરથી રાજીનામું આપી દીધું. સપ્ટેમ્બર 2013માં તેઓ ફરી વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ બન્યા જે સમયે રાજ્યમાં જેડીએસ અધ્યક્ષ પદ પર એ કૃષ્ણપ્પા પહેલાથી નિર્વાચિત હતા.

કુમારસ્વામીની ડિપોઝીટ ડુલ થઈ

1996ની સામાન્ય ચૂંટણીથી તેમણે રાજનીતિમાં પાપા પગલી ભરી હતી. 1996ની સામાન્ય ચૂંટણીમાં રામનગ્રા જિલ્લાની કનકપુરા સીટથી તેમણે જીત મેળવી. એ જીત પર પણ ઘણા સવાલો ઉઠ્યા હતા. આખરે 1998માં આ કારણે જ ફરી એક વખત ચૂંટણી કરવાની નોબત આવી ઉભી. જેમાં કુમારસ્વામીને હારનો સામનો કરવો પડ્યો. કુમારસ્વામીની છબી ખરડાઈ ગઈ. આ ચૂંટણીમાં કુમારસ્વામી સામે જીત હાંસિલ કરનારા નેતા એમ.વી.ચંદ્રશેખર હતા. 1999માં બીજી વખત સાથનૌર વિધાનસભાની સીટ પરથી ચૂંટણી લડી. જ્યાં કોંગ્રેસના ડી.કે શિવકુમારે તેમની પ્રગતિ અટકાવી દીધી. 2004માં રામનગ્રા વિધાનસભા સીટથી ચૂંટણી થઈ તેમાં કુમારસ્વામી જીતી ગયા. આમ છતાં કુમારસ્વામીની ઓળખ રાજનીતિમાં પોતાના વિરોધી નેતાઓની ઓડિયો-વીડિયો જાહેર કરનારા નેતા તરીકેની રહી છે. કુમારસ્વામીને રાજનીતિમાં ‘ઓડિયો-વીડિયો’ તરીકે બોલાવવામાં આવે તો પણ નવાઈ નહીં.

READ ALSO

Related posts

Twitter થયું કડક, નેતાઓના વિવાદીત ટ્વિટને લાઈક અથવા શેર નહીં કરી શકે યૂઝર

Kaushik Bavishi

MTNL-BSNLનાં કર્મચારીઓ આનંદો, સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય

pratik shah

PMC બેન્ક કૌભાંડઃ પોલીસે કરી બેન્કના પૂર્વ ડાયરેક્ટરની ધરપકડ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!