GSTV

મહેસાણાના ખેડૂતે એવી કઈ ખેતી કરી છે કે 1 વીઘામાંથી મળે છે 5 લાખ રૂપિયાની આવક

રોજીંદા જીવનમાં લીલા મસાલા તરીકે આદુ અને મરચાં મુખ્ય વપરાય છે. લીલા મરચાંની ખેતી પણ ખેડૂતોને સારો ફાયદો કરાવી આપે છે. માવજત હોય તો મરચાંની ખેતી માલામાલ કરી શકે એવું સાબિત કરી બતાવ્યું છે. મહેસાણા જિલ્લાના સૂરજ ગામના કનુભાઈ નારણદાસ પટેલે. છેલ્લા પાંચ વર્ષથી મરચાંની ખેતીમાં હાથ અજમાવનાર કનુભાઈએ આ વર્ષે પણ ૫ વીઘામાં મરચાંનું વાવેતર કર્યું છે. અને અત્યાર સુધીમાં ૨,૦૦૦ મણથી વધુ લીલા મરચાંની વીણી લઈ લીધી છે. મરચાંની ખેતીમાં માવજતથી દર વર્ષે તેઓ ૧ વીઘામાં ૩થી ૫ લાખ રૃપિયા જેટલી આવક લેતા જ હોય છે.

કનુભાઈ સામાન્ય રીતે જાતે જ રોપા ઉછેરીને વાવેતર કરતા હોય છે. પરંતુ આ વર્ષે તેઓએ તૈયાર રોપા ખરીદીને વાવેતર કર્યું છે. ૧ વીઘામાં કુલ ૪,૫૦૦થી વધુ રોપા આવે છે. તેઓએ ૫ વીઘામાં કુલ ૨૪,૦૦૦ રોપાનું વાવેતર કર્યું છે. ૧ રોપો તેઓએ ૮૦ પૈસા મુજબ ખરીદ્યો છે. તેઓએ બે હાર વચ્ચે ચાર ફૂટ અને બે છોડ વચ્ચે ૧થી સવા ફૂટનું અંતર જાળવીને વાવેતર કર્યું છે. હાલમાં છોડ પર મરચાંની સતત વીણી ચાલુ રહે તેટલા મરચાં લાગ્યા છે.

ખેતરમાં સારું ઉત્પાદન લેવું હોય તો જમીનમાં તાકાત હોવી જોઈએ. જમીનને તાકતવર બનાવવા માટે પાયામાં સેન્દ્રિય ખાતર ૧ વીઘે ૬ ટ્રોલી આપ્યું છે. ૧ વીઘે પાયામાં ડીએપી ૨૫ કિલો, ઝીંક ૫ કિલો, પોટાશ ૨૦ કિલો, ટ્રાયકોર્ડમા વગેરે પણ પાયામાં આપ્યું હતું. સવા ચાર ફૂટના અંતરે પાળી બનાવી તેની ઉપર રોપ લગાવ્યા હતા. છોડ ૨૦થી ૨૫ દિવસનો થાય તે દરમિયાન તેઓએ છોડનો સારો ગ્રોથ થાય તે માટે માઈક્રો ન્યૂટ્રિયન્ટ, ફંગસની દવાઓ ટુવાથી આપી હતી. કનુભાઈ માને છે કે ફ્લાવરિંગ સ્ટેજ પહેલા છોડનો પૂરેપૂરો ગ્રોથ થઈ જાય તો ધાર્યું ઉત્પાદન લઈ શકાય. દોઢ મહિનાના ગાળામાં ત્રણ વખત પૂર્તિ ખાતર આપી પાળા ચડાવ્યા છે. મરચાંની જુદી જુદી વેરાયટીઓ વાવી છે. કોઈ કંપનીનું બિયારણ ફેલ જાય તો બીજી કંપનીનું બિયારણ સફળ રહેતો માથે ના પડે.

કનુભાઈ માને છે કે ખેતરમાં સારું ઉત્પાદન લેવું હોય તો હવામાન બદલાય કે તુરંત દવા છંટકાવ કરવો પડે છે. મરચાંમાં થ્રિપ્સ, કથીરી, સફેદમાખીનો ઉપદ્રવ ના થાય તે માટે ખાસ ધ્યાન આપવું પડે. આના લીધે જ કોકડવા આવતો હોય છે. મરચાંમાં વિકાસ માટે અને ફંગિસાઈડ માટે દવાઓનો ૮થી ૧૦ દિવસે દવા છંટકાવ કરવો પડે છે.

મરચાંમાં હવામાન સારું રહે તો ૫ મહિના સુધી ઉત્પાદન લઈ શકાય છે. ૧ વીઘામાં ૧,૫૦૦ મણ સુધીનું તેઓએ ઉત્પાદન લીધું છે. ઉત્પાદનનો આધાર મરચાંની ખેતીમાં દવા, ખાતર પાણીની માવજત ઉપર રહે છે. હાલમાં તેઓને મરચાંના ૨૦થી ૨૨ રૂપિયા ભાવ મળી રહ્યો છે. મરચામાં ૪૫થી ૪૮ રૂપિયા સુધીના ભાવ પણ સિઝનમાં મળે છે. ૧ વીઘામાં દવા, ખાતર, પાણી પાછળ ૨૫,૦૦૦ રૂપિયાથી લઈને ૫૦,૦૦૦ રૃપિયા સુધીનો ખર્ચ પણ થઈ જાય છે. તેઓ દર વર્ષે વીઘે એવરેજ ૩થી ૫ લાખ રૂપિયાનું ઉત્પાદન લે છે. ગત વર્ષે પણ ૫ લાખ રૂપિયા વીઘાદીઠ આવક રહી હતી.

કનુભાઈ માને છે કે, લેવલિંગવાળી જમીનમાં છાણિયું ખાતર પૂરતું ભર્યું હોય. અને માઈક્રો ન્યૂટ્રિયન્ટ સાથે હવામાન સાનુકૂળ રહે તો ઉત્પાદન સારામાં સારુ લઈ શકાય. હાલ તો તેમના મરચાંનું વેચાણ મહેસાણા તથા અમદાવાદમાં થાય છે. તેમનું ખેતર જોયા પછી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મેળવશે તે માનવું રહ્યું.

READ ALSO

Related posts

VIDEO: જેને પણ માસ્ક નકામુ લાગતું હોય તેણે આ વીડિયો એક વખત જોઈ લેવો !

Pravin Makwana

લાચાર દંપત્તિની કહાની/ દારૂડિયા દિકરાએ હાથ તોડી નાખ્યો, બાદમાં ઘરડા મા-બાપને ઘરમાંથી ધક્કો મારી હડસેલી મુક્યા

Pravin Makwana

ફક્ત 5 હજારના રોકાણથી કરો સારી કમાણી કરો, આ વ્યવસાય શરૂ કરો ઘરેથી, ઓન લાઈન વેચાણ કરી કમાઓ સારૂ ધન

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!