GSTV

દાહોદના નરેશભાઈ એવી કઈ ખેતી કરે છે કે અત્યાર સુધીમાં લઈ ચૂક્યા છે પોણા બે લાખ રૂપિયા સુધીની આવક

વાલોળ.  ઉંધીયું તેમજ રીંગણ સાથે મિશ્ર શાકભાજી તરીકે મોટા પ્રમાણમાં વાલોળનો વપરાશ થાય છે. પહેલાના સમયમાં વાલોળ એ શેઢા પાળે ઉગી નીકળતા વેલામાંથી ખપ પૂરતી વપરાશ માટે ખેડૂતો ઉપયોગ કરતા. પરંતુ હવે વાલોળને પણ શાકભાજી તરીકે સ્થાન મળતાં સારી એવી બજાર માગ વધી છે.  શેઢા પાળે ઉગી નીકળતી શાકભાજી વાલોળનું પદ્ધતિસર પ્લાનિંગ સાથે વાવેતર કરીને આવકના દ્વાર ખોલી શકાય તેવું સાબિત કરી બતાવ્યું છે દાહોદ જિલ્લાના ખરેડી ગામના નરેશભાઈ કાળુભાઈ ચૌહાણે. જેઓએ ૧ એકરમાં ડ્રિપ અને ટેલિફોનિક તાર પદ્ધતિથી વાલોળના પાકમાં અત્યાર સુધીમાં પોણા બે લાખ રૂપિયાથી વધુની આવક લઈ ચૂક્યા છે.

૮ એકર જમીન ધરાવતા નરેશભાઈએ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં એન્જિનિયરીંગ કર્યા બાદ નોકરી કરવાને બદલે ઘરની ખેતીમાં જ કંઈક નવું કરવા ખેતીમાં જોડાયા. આત્મા પ્રોજેક્ટ હેઠળ જોડાયા પછી ડ્રિપ ઈરિગેશનથી ખેતી અપનાવી. ૨૦ ગુંઠામાં ટામેટાંમાં પોણા બે લાખ રૂપિયાની આવક લીધા પછી. તેઓ ખેતીમાં સતત કંઈક નવું કરી રહ્યા છે. છેલ્લા ૬ વર્ષથી આધુનિક ખેતી કરે છે. ૮ એકર જમીનમાંથી ૫ એકરમાં ઘઉંનું વાવેતર કર્યું છે. તો ૧ એકરમાં ચણાનું વાવેતર.  અને ૧ એકરમાં વાલોળ તેમજ ૧ એકરમાં પશુઓ માટે ઘાસચારા પાકનું વાવેતર કર્યું છે. તેઓ ૮ જેટલી ભેંસોનો ઉછેર કરી દૈનિક ૩૦થી ૩૫ લિટર દૂધ ઉત્પાદન સાથે માસિક ૪૦થી ૪૫ હજાર રૂપિયાની વધારાની આવક પણ લે છે.

નરેશભાઈ આમ તો ટેલિફોનિક તાર અને ડ્રિપ ઈરિગેશન હેઠળ ટામેટાંનું છેલ્લા પાંચ વર્ષથી ઉત્પાદન લેતા હતા. પરંતુ ચાલુ વર્ષે પાક ફેરબદલીમાં તેઓએ વાલોળની ખેતી કરી. વાલોળની ૪૫ દિવસે ઉત્પાદન આપતી વેરાયટીના બીજ ચોપીને વાવેતર કરતાં હાલ કમાણીના દ્વાર ખુલી ગયા છે. વાલોળના વાવેતર કરતા પહેલા તેઓએ ૧૦ ટ્રોલી છાણિયું ખાતર સાથે એનપીકે પણ પાયામાં આપ્યું છે.  બીજને ટ્રાયકોરડર્મા વિરીડીનો પટ આપીને બે છોડ વચ્ચે અઢી ફૂટનું અંતર રાખ્યું છે. તો બે લાઈન વચ્ચે ૪ ફૂટનું અંતર રાખ્યું હતું. વાલોળના બીજમાં ૫ દિવસે ઉગાવો ચાલુ થઈ જાય છે. જેથી વાવેતર પહેલા પાળા બનાવી તેના પર ડ્રિપ પાથરી દીધી હતી. વચ્ચેના ભાગમાં નીંદણ ના થાય તે માટે પાવર વિડરનો પણ ઉપયોગ કર્યો છે. છોડ નાના હોય ત્યારે શરૂઆતમાં નીંદણ નિયંત્રણ કરવું પડે છે. આ માટે વાંસના ટેકા લગાવી તાર ખેંચીને ટેલિફોનિક તાર પદ્ધતિનો મંડપ તૈયાર કર્યો હતો. જેમ જેમ વેલા વધે તેમ તેમ સૂતળી વડે બાંધીને વેલાને ઉપર ચડાવ્યા હતા.

વાલોળમાં ચોમાસા દરમિયાન છોડ નાના હોય ત્યારે ખાસ માવજત કરવી પડે છે. છોડ નાનો હોય ત્યારે ફૂગજન્ય રોગનું નિયંત્રણ કરવું પડે છે. ચોમાસામાં છોડ નાના હતા ત્યારે ફુગનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો. પરંતુ હાલમાં કોઈ જાતની દવાનો છંટકાવ કરવો પડતો નથી. ચોમાસા પછીથી ૧૦થી ૧૨ દિવસે પિયત આપવું પડે. પરંતુ તેઓએ ડ્રિપ ઈરિગેશન અપનાવ્યું હોય અઠવાડિયામાં બે વખત ડ્રિપથી જ પિયત આપે છે. છોડના વિકાસ દરમિયાન  ડ્રિપમાં વોટરસોલ્યુબલ ખાતરો આપ્યા છે. શરૂઆતમાં ૧૯-૧૯ ખાતર આપ્યું. તો ફ્લાવરિંગ સમયે ૧૩-૦-૪૫ વોટરસોલ્યુબલ ખાતર આપ્યું છે.  અત્યાર સુધી માત્ર ૩,૦૦૦ રૂપિયાનું જ ખાતર વાપર્યું છે.

વાલોળની ખેતીમાં તેમણે સાવ નજીવો ખર્ચ કર્યો છે. આધુનિક પદ્ધતિ સાથે પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય ખાતર જમીનમાં ભર્યું હોય અન્ય કોઈ ખાતરો આપવા પડયા નથી. ૪ કિલો બિયારણ ૮૦૦૦ રૂપિયામાં ખરીદ્યું હતું. તો અન્ય વોટરસોલ્યૂબલ ખાતર પાછળ ફક્ત ૩,૦૦૦ રૂપિયા જ ખર્ચ કર્યો છે. વાલોળમાં જમીન તૈયાર કર્યા પછી છોડના વિકાસ દરમિયાન ખેતરમાં ટેલિફોનિક પદ્ધતિ માટે ટેકા લગાવવા અને તાર ખેંચવા તથા છોડને દોરીથી બાંધવા ૧૫,૦૦૦ રૂપિયા જેટલો મજૂરી ખર્ચ કર્યો છે. વાલોળમાં અત્યાર સુધી તેઓને બધો મળીને ૩૫,૦૦૦ રૂપિયા જેટલો જ તમામ ખર્ચ આવ્યો છે. હવે ફક્ત મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ જ થશે. વાલોળની વીણીનું કામ મોટે ભાગે ઘરના જ સભ્યો કરે છે. વાલોળમાં સારી માવજતને લીધે હજુ મે મહિનાની શરૂઆત સુધી ઉત્પાદન ચાલુ રહેશે. અત્યાર સુધીમાં ૧ એકરમાંથી ૪૫૦ મણથી વધુનું ઉત્પાદન લીધું છે. જેના વેચાણ થકી ૧.૭૫ લાખ રૂપિયાની આવક લઈ ચૂક્યા છે.  વાલોળમાં સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ૧ કિલોના ૮૦ રૂપિયા જેટલો ઊંચો ભાવ પણ મળ્યો છે.

દાહોદ જેવા વિસ્તારમાં ટુંકી જમીનમાં નરેશભાઈએ આધુનિક ટેકનોલોજી, સુધારેલી જાતના બિયારણોનો ઉપયોગ કરીને ઉત્તમ આવક લેવા બદલ તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ બેસ્ટ ફાર્મર્સનો એવોર્ડ પણ મેળવ્યો છે. આ સિવાય તેઓએ ૧ એકરમાં દેશી ચણાનું પણ વાવેતર કર્યું છે. તો પશુપાલનની પણ વધારાની આવક સતત ચાલુ રહે છે. નરેશભાઈ કહે છે કે નોકરી કરતાં ખેતીમાં ઊંચામાં ઊંચો પગાર મળે તેટલી આવક સરળતાથી મેળવી લે છે.

READ ALSO

Related posts

VIDEO: જેને પણ માસ્ક નકામુ લાગતું હોય તેણે આ વીડિયો એક વખત જોઈ લેવો !

Pravin Makwana

લાચાર દંપત્તિની કહાની/ દારૂડિયા દિકરાએ હાથ તોડી નાખ્યો, બાદમાં ઘરડા મા-બાપને ઘરમાંથી ધક્કો મારી હડસેલી મુક્યા

Pravin Makwana

ફક્ત 5 હજારના રોકાણથી કરો સારી કમાણી કરો, આ વ્યવસાય શરૂ કરો ઘરેથી, ઓન લાઈન વેચાણ કરી કમાઓ સારૂ ધન

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!