GSTV
Home » News » આ શિક્ષકે લાલ રંગના સીતાફળની ખેતી કરી સૌને મુકી દીધા અચંબામાં, સફળતાની કહાની જાણી તમને પણ મળશે પ્રેરણા

આ શિક્ષકે લાલ રંગના સીતાફળની ખેતી કરી સૌને મુકી દીધા અચંબામાં, સફળતાની કહાની જાણી તમને પણ મળશે પ્રેરણા

ખેડૂતના દિકરાને ખેતીના સંસ્કારો તેના લોહી સાથે વણાયેલા હોય છે. ખેતી સાથે જોડાયેલા લોકો પ્રકૃતિના વાતાવરણમાં રહેવાનું વધુ પસંદ કરે છે. આજે આપણે કૃષિ વિશ્વમાં પ્રાથમિક શિક્ષકની જોબ કરતાં શિક્ષકે ખેતર પર ઘર બનાવી ત્યાં રહેતા રહેતાં બાગાયતી ખેતીને ડેવલપ કરી વધારાની આવક સાથે અન્ય ખેડૂતોને પ્રેરણા પુરી પાડી છે.

સીતાફળ. મોટેભાગે લીલો રંગ ધરાવતા સીતાફળની જ મિજબાની તમે માણી હશે. પરંતુ હવે ગુજરાતમાં પણ આવા લાલ રંગ ધરાવતા સીતાફળની ખેતી થઈ રહી છે. ત્યારે લાલ સીતાફળના વાવેતર અને ઉત્પાદનમાં સફળતા મેળવી છે અમરેલીના સાહસિક ખેડૂત પ્રાલિયા ઓધાભાઈએ. શિક્ષક તરીકે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અમરેલી જિલ્લાના લાલકાના પ્રાલિયા ઓધાભાઈએ પોતાની ૨૩ વીઘા જમીનમાં જામફળી અને સીતાફળીનું વાવેતર કરી દીધું છે. આમ તો ઓધાભાઈ કપાસ સહિતના પરંપરાગત પાક જ લેવડાવતા હતા. પરંતુ મિત્રના ખેતરમાં સીતાફળી અને જામફળનો બગીચો જોયા પછી આ ખેતી તરફ વળ્યા છે.

જામફળની ખેતી સાથે ઓધાભાઈએ સીતાફળીના ૩૦૦ રોપા લગાવ્યા. હૈદરાબાદના વેપારી પાસેથી સીતાફળીના રોપા લીધા તેમાં એક ઝાડ ગુલાબી ફળનું ઉત્પાદન આપતું હતું. આ ઝાડમાંથી જાતે જ રોપા તૈયાર કરીને નવું વાવેતર કર્યું છે.. હાલમાં તેમની વાડીમાં લીલા અને ગુલાબી રંગ ધરાવતા કુલ ૩૦૦થી વધુ રોપા છે. ગુલાબી રંગ ધરાવતા ફળમાં માવાનો રંગ તો સફેદ જ છે. પરંતુ તેમાં મીઠાશ રહેતાં શુગરનું પ્રમાણ અન્ય વેરાયટી કરતાં વધુ છે. આવા બીજ ઉછેરીને તેમાંથી રોપા તૈયાર કરીને વાવેતર કર્યું છે. સીતાફળના રોપા નાના હોય ત્યાં સુધી ફક્ત દેશી છાણિયું ખાતર જ વર્ષે એક વખત આપવું પડે છે. સીતાફળીમાં ફળ લાગે ત્યારે મિલિબગ માટે તેમજ ફૂગનાશક દવાઓનો એક વખત છંટકાવ કરવો પડે છે. આ સિવાય બીજો કોઈ ખર્ચ કરવો પડતો નથી.

જામફળના વાવેતર સાથે કપાસનું પણ વાવેતર હોય કપાસનો પાક પૂરો થયો ત્યાં સુધી જામફળનો છોડ પણ તૈયાર થઈ ગયો. જામફળીમાં શરૂઆતના બે વર્ષ સુધી કઠોળ વર્ગનો આંતરપાક લીધો હતો. જેમાં ૧૫ ફૂટ બાય ૧૫ ફૂટનું અંતર જાળવીને વાવેતર કરતાં કુલ ૧,૪૦૦ રોપા લગાવ્યા છે. જામફળનો એક રોપો ૨૦ રૂપિયા ભાવે ખરીદ્યો છે. જામફળમાં વાવેતર પછી શરૂઆતના સમયમાં માવજતનું ધ્યાન આપવું પડે છે. જામફળ સૂકા વિસ્તારનો ખડતલ પાક હોઈ ઓછા પાણીએ પણ સારી આવક અપાવે છે.

જામફળમાં શરૂઆતના સમયમાં થડ વિસ્તારમાં ફૂગ અને મૂળખાઈ જીવાત ના આવે તેનું ધ્યાન રાખવું પડે છે. છોડના વિકાસ દરમિયાન ચૂસિયા જીવાતનો પણ કંટ્રોલ કરવો પડે છે. દર વર્ષે વાડીમાં ૩૫થી ૪૦ ટ્રોલી છાણિયું ખાતર આપે છે. આ સિવાય વર્ષે ફળના વિકાસ દરમિયાન પૂર્તિ તરીકે ડિએપી આપે છે. ફળનો વજન થાય એટલે ઝાડ ફરતે ડાળીને ટેકા પણ આપવા પડે છે. આખી વાડીમાં ગેલ્વેનાઈઝ જાળી ફિટ કરી હોવા છતાં પણ રોઝ, ભૂંડનો ત્રાસ રહેતો હોય છે. ઓધાભાઈએ ડ્રિપ લાઈનો પણ ઝાડ પરથી પસાર કરી છે. ગત વર્ષે જામફળનું ૩,૩૦૦ મણનું ઉત્પાદન અને રૂપિયા ૧૦ લાખનું વેચાણ લીધું હતું. ઝાડ પરથી એવરેજ ૪૫થી ૫૦ કિલો જેટલું ઉત્પાદન રહ્યું હતું. ઝાડ પુખ્ત થયા પછી જો સારી માવજત હોય તો ૫૦થી ૬૦ કિલો ઉત્પાદન સહેજે મળી રહે છે.

જામફળની ખેતીમાં ખર્ચ બાબતે જોઈએ તો ફક્ત ૧થી ૧.૫૦ લાખ રૃપિયા જેટલો ખર્ચ કર્યો છે. જામફળ વીણવા માટે આખો બગીચો ઉધડમાં ૧૦ લાખ રૃપિયામાં આપ્યો હતો. જામફળનું વેરાવળ, જસદણ, કોડિનાર વગેરે વિસ્તારોમાં વેચાણ થાય છે. આ વર્ષે જામફળનો બગીચો વધુ વરસાદને પરિણામે ફળ ઓછા લાગવા છતાં ૮.૫૦ લાખ રૃપિયાની આવક કરાવશે. વાડીમાં પિયત માટે બોર અને કુવો એમ બંનેની સગવડ છે. ડ્રિપ લાઈનોને ભૂંડના ત્રાસને કારણે ઝાડ પરથી પસાર કરી છે. પ્રાથમિક શિક્ષકની જોબ સાથે ઘરની જમીનમાં બાગાયતી પાક પણ ઉત્તમ તૈયાર કર્યો છે. તેઓ વાડી પર જ રહેતા હોય દરરોજ સવારે અને સાંજના સમયે ખેતીનું ધ્યાન આપે છે. ઓધાભાઈએ અન્ય ખેડૂતોને પણ બાગાયતી ખેતી માટે માર્ગદર્શન પૂરું પાડી આગવી ઓળખ બનાવી છે.

READ ALSO

Related posts

ધર્મલોક-જૂનાગઢની તળેટીમાં આવેલું છે હનુમાનનું મંદિર

Dharika Jansari

પ્રાઇવેટ લેબોરેટરીની લાલીયાવાડી,એક જ વ્યક્તિના ત્રણ લેબોરેટરીએ અલગ અલગ રિપોર્ટ આપ્યાં!

Bansari

ધર્મલોક- હનુમાનજી રામની આદેશથી જ્યાં બિરાજ્યા થયા હતા તે મંદિરના કરો દર્શન

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!