GSTV

જૂનાગઢના ખેડૂતે મકાઈની ખેતીમાં કાઢ્યું કાઠુ, જોખમ ઓછું કરી આ રીતે મેળવ્યું સફળ ઉત્પાદન

ખરીફ ચોમાસું મોડું પડયા પછી ધોધમાર વરસાદે ઘણી જગ્યાએ વરાપ પણ નીકળવા દીધો નહોતો. આ વર્ષે વરસાદની સ્થિતિ જોતાં ખેડૂતો હવે લાંબા ગાળાના પાકને બદલે ટુંકા ગાળાના પાક તરફ વળી રહ્યા છે. ખેતી માટે પ્લાનિંગ હોય તો ચોક્કસ સારી આવક લઈ શકાય છે. અનિયમિત ચોમાસા અને હવામાનને પગલે ખેડૂતો ટુંકા ગાળાની ખેતી તરફ વળી સારી આવક લેવામાં સફળ રહ્યા છે. આ વર્ષે પાકમાં મોટું નુકસાન થયું હોવા છતાં ઘણાં ખેડૂતોએ મુશ્કેલીમાં પણ સફળતા હાંસલ કરી છે. ત્યારે મકાઈ અને ટામેટાંનો મિશ્ર પાક લઈ જોખમ ઓછું કરી સારી આવક લીધી છે જૂનાગઢ જિલ્લાના નાગલપુરના ગોવિંદભાઈ મોહનભાઈ વઘાસિયાએ.

કુલ ૧૫ વીઘા જમીનમાંથી તેઓએ આ વર્ષે ૮ વીઘામાં સ્વિટ કોર્ન મકાઈનું વાવેતર કરી વીઘાદીઠ ૩૦ હજારથી વધુની ચોખ્ખી આવક લીધી છે. તો સાથે ટામેટાંના પાકનો પણ ઉછેર થઈ ગયો છે. ગોવિંદભાઈ દર વર્ષે ઉનાળામાં તરબૂચનું પાળા બનાવીને વાવેતર કરે છે. તે જ પાળા પર ચોમાસુ પાક પણ લે છે. આ વર્ષે પણ તરબૂચના પાળાની બંને બાજુએ સ્વીટ કોર્ન મકાઈનું બીજ ચોપ્યું હતું. અને વચ્ચેના ભાગમાં ટામેટાંનો રોપ લગાવ્યો હતો. જણાવી દઈએ કે. એક વીઘામાં સ્વીટકોર્નનું ૧ કિલો બિયારણ વપરાયું છે. હાથેથી બીજ ચોપતાં બે બીજ વચ્ચે ૬ ઈંચ અને બે હાર વચ્ચે ૨ ફૂટનું અંતર જાળવ્યું હતું. બે પાળા વચ્ચેનો ગેપ અઢી ફૂટ હતો. તેમણે બંને પાકનું સાથે જ વાવેતર કર્યું હતું. ચોમાસામાં એક પાક જો ફેલ જાય તો બીજા પાકમાંથી ખર્ચા નીકળી જાય એ ગણતરીએ બંને પાકનું સાથે જ વાવેતર કરી નાંખેલું.

સ્વિટકોર્ન મકાઈના પાકમાં સારું ઉત્પાદન લેવા માટે ચોમાસામાં ઈયળનો ઉપદ્રવ ના થાય તે ખાસ જોવું પડે. લગભગ દર અઠવાડિયે ઈયળ માટે દવાનો છંટકાવ કરવો પડે છે. તેઓએ લગભગ ૭ વખત દવા છંટકાવ કર્યો છે. આ સિવાય મકાઈમાં ૩૦ દિવસે, ૬૦ દિવસે, અને ૭૦ દિવસે એમ ત્રણ હપતામાં ખાતર આપ્યું છે. મકાઈની ખેતીમાં સારી માવજતને પરિણામે ૧ ડોડો ૪૫૦થી ૭૫૦ ગ્રામનો તૈયાર થયો છે… મકાઈનું ગત વર્ષે ૧ વીઘે ૧૭૫ મણ ઉત્પાદન લીધું હતું. પરંતુ ચાલુ વર્ષે વરસાદને પરિણામે ૧૨૫ મણ આસપાસ ઉત્પાદન રહેવાનો અંદાજ છે. મકાઈનો શરૂઆતમાં ૧૭ રૂપિયા કિલો ભાવ મળ્યો છે. જેથી એવરેજ ૧ કિલોના ૧૫ રૂપિયા ભાવ મળ્યો જ છે. મકાઈનું જૂનાગઢ અને મેંદરડામાં કોથળામાં 20 કિલોનું પેકિંગ કરી તેઓ વેચાણ કરે છે.

મકાઈની ખેતીમાં ૧ કિલો બિયારણનો ભાવ ૨,૨૦૦ રૂપિયા હતો. ૧ વીઘામાં ૧ વખત દવા છંટકાવમાં ૧૫૦ રૂપિયા ખર્ચ લાગે છે. સિઝનમાં ૧ વીઘે ૨,૦૦૦ રૂપિયાનો દવા છંટકાવ પાછળ ખર્ચ થયો છે. જયારે ખાતર પાછળ ૧,૨૦૦ રૂપિયા ખર્ચ આવ્યો છે. બીજ ચોપવાના ૨૫૦ રૂપિયા. મજૂરી તથા વીણી માટે ૭૫૦ રૂપિયા ખર્ચ આવ્યો છે. મકાઈ ભરવા માટેના કોથળાના ૧ નંગ ૨ રૂપિયાના ભાવે આવે છે. ૧ વીઘામાં બધો મળીને ૭,૫૦૦ રૂપિયા ખર્ચ આવશે. જેની સામે આ વર્ષે અંદાજિત ૧૨૫ મણ મકાઈનું ઉત્પાદન રહ્યું છે. જેના એવરેજ ૧૫ રૂપિયા કિલોના ભાવે ૩૭,૫૦૦ રૂપિયા જેટલી આવક થશે. તમામ ખર્ચા બાદ કરતાં એવરેજ ૧ વીઘે ૩૦ હજાર રૂપિયા ચોખ્ખો નફો મળશે.

મકાઈની ખેતીમાં બજાર મહત્ત્વની બાબત છે. સમયસર ખેતરની મોજણી કરતાં રહીને માવજત કરવામાં આવે તો ચોક્કસ ઉત્પાદન લઈ શકાય. આ વર્ષે વરસાદની મુશ્કેલીથી અન્ય ખેડૂતોને પાકમાં તકલીફ પડી છે. પરંતુ નાગલપરના આ ખેડૂતે ટુંકા ગાળે ઉત્પાદન લઈ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

READ ALSO

Related posts

વેપારીઓએ હવે આજથી છૂટક મીઠાઈઓ પર લખવી પડશે એક્સપાઈરી ડેટ

Nilesh Jethva

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!